હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહારાષ્ટ્રમાં ‘મહાયુતિ’નો ભગવો લહેરાયો: નગર નિગમ ચૂંટણીમાં ભાજપ-શિવસેના-NCPનો સપાટો : વિપક્ષી ગઢ ધરાશાયી
સ્થાનિક સ્વરાજ્યની ૨૮૬ સંસ્થાઓમાં ‘મહાયુતિ’એ મેળવ્યું ૭૫ ટકા બેઠકો પર પ્રભુત્વ: મુખ્યમંત્રી ફડણવીસે વિકાસ એજન્ડાની જીત ગણાવી, તો નાયબ મુખ્યમંત્રી શિંદેએ વિજયી હુંકાર સાથે કહ્યું કે, આ તો માત્ર ‘ટ્રેલર’ છે, અસલી પિક્ચર ૧૫ જાન્યુઆરીએ જોવા મળશે.

મુંબઈ : મહારાષ્ટ્રના રાજકીય ફલક પર રવિવારનો દિવસ ‘મહાયુતિ’ ગઠબંધન માટે વિજય ઉત્સવ સમાન રહ્યો છે. રાજ્યની ૨૮૬ નગર નિગમ અને નગર પંચાયતોની ચૂંટણીના પરિણામોમાં ભાજપ, એકનાથ શિંદેની શિવસેના અને અજિત પવારની એનસીપીએ સાથે મળીને વિપક્ષોનો સફાયો કર્યો છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ જીત બાદ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, જનતાએ સંગઠન અને સરકારના કામ પર મહોર લગાવી છે. ભાજપે ફરી એકવાર પોતાની તાકાત બતાવતા ૪૮ ટકા સભ્યો અને ૧૨૯ નગર પરિષદ પ્રમુખના પદ પર વિજય મેળવીને રાજ્યની સૌથી મોટી પાર્ટી તરીકેનું સ્થાન જાળવી રાખ્યું છે.
ચૂંટણીના પરિણામોમાં મહાયુતિએ આશરે ૭૫ ટકા સ્થાનિક સંસ્થાઓમાં પોતાના પ્રમુખો બેસાડીને ગ્રામીણ અને અર્ધ-શહેરી વિસ્તારો પર પકડ મજબૂત કરી છે. ફડણવીસે ખાસ નોંધ્યું હતું કે, તેમણે સમગ્ર પ્રચાર દરમિયાન કોઈ પણ નેતાની ટીકા કરવાને બદલે માત્ર સકારાત્મક વિકાસ અને ભવિષ્યની યોજનાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું, જેને મતદારોએ આવકાર્યું છે. આ વિજય બાદ ભાજપના છાવણીમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને કાર્યકરોએ રાજ્યભરમાં મીઠાઈ વહેંચીને અને ફટાકડા ફોડીને વિજયને વધાવી લીધો છે.
બીજી તરફ, નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ થાણેમાં વિજયી સભાને સંબોધતા વિરોધીઓને આકરો પડકાર ફેંક્યો હતો. તેમણે આ પરિણામોને ૧૫ જાન્યુઆરીએ યોજાનારી આગામી મોટી નગર નિગમ ચૂંટણીઓનું માત્ર એક ‘ટ્રેલર’ ગણાવ્યું હતું. શિંદેએ દાવો કર્યો હતો કે જનતાએ રાજકારણના બદલે વિકાસને પસંદ કર્યો છે અને આગામી ચૂંટણીમાં પણ આ જ પ્રદર્શનનું પુનરાવર્તન થશે. આ પરિણામોએ આગામી કોર્પોરેશન ચૂંટણીઓ પહેલા મહાયુતિના આત્મવિશ્વાસમાં અનેકગણો વધારો કરી દીધો છે, જ્યારે વિપક્ષી મહાવિકાસ આઘાડી માટે આત્મમંથનનો સમય આવી ગયો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
