હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
બાંગ્લાદેશમાં હિન્દુ યુવકની લિંચિંગ પર બોલિવૂડમાં ભભૂકતો ગુસ્સો: 'રાક્ષસોએ માનવતા લજવી': રવિના-દિયાના વેધક સવાલો
દીપુ ચંદ્ર દાસની ઘાતકી હત્યા અને મૃતદેહને સળગાવવાની ઘટનાએ કલાકારોના હૃદય હચમચાવી દીધા : રવિના ટંડને પૂછ્યું- 'શું હવે આને પણ યોગ્ય ઠેરવશો?' : જ્યારે મુનાવર ફારૂકીએ મૌન પ્રેક્ષક બનેલી દુનિયા પર કર્યા આકરા પ્રહાર.

મુંબઈ : બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારોની સીમા ત્યારે ઓળંગાઈ ગઈ જ્યારે મૈમનસિંઘમાં દીપુ ચંદ્ર દાસ નામના યુવકને ટોળાએ નિર્દયતાથી મારીને જીવતો સળગાવી દીધો. આ હૃદયદ્રાવક ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ ભારતીય સેલિબ્રિટીઓનો પિત્તો ગયો છે. અભિનેત્રી દિયા મિર્ઝાએ આ ઘટનાને અત્યંત નફરતભરી અને અમાનવીય ગણાવીને ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી છે. દિયાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે કોઈ પણ સંજોગોમાં નફરતથી ભરેલા આવા હુમલાઓને સાંખી લેવા જોઈએ નહીં, કારણ કે આ માત્ર એક વ્યક્તિની નહીં પણ સમગ્ર માનવતાની હત્યા છે.
અભિનેત્રી રવિના ટંડને આ મામલે પોતાનો રોષ ઠાલવતા સોશિયલ મીડિયા પર એક તીખો સવાલ પૂછ્યો છે. રવિનાએ લખ્યું, "અને છતાં કેટલાક લોકો આ હત્યાઓને ન્યાયી ઠેરવવાનો પ્રયાસ કરશે." રવિનાનો આ ઈશારો એવા લોકો તરફ હતો જેઓ ધર્મના નામે હિંસાને પ્રોત્સાહન આપે છે અથવા મૌન રહીને આવી ઘટનાઓને સમર્થન આપે છે. તેણે હેશટેગ સાથે દુનિયાનું ધ્યાન બાંગ્લાદેશમાં હિન્દુઓની સ્થિતિ તરફ ખેંચવાનો પ્રયાસ કર્યો છે. બોલિવૂડના આ સ્ટાર્સના અવાજે અત્યારે સોશિયલ મીડિયા પર એક મોટી ઝુંબેશનું સ્વરૂપ ધારણ કર્યું છે, જેમાં લાખો લોકો જોડાઈ રહ્યા છે.
કોમેડિયન અને બિગ બોસ વિનર મુનાવર ફારૂકીએ પણ આ જઘન્ય અપરાધ સામે આકરા પ્રહાર કર્યા છે. મુનાવરે એક લાંબી પોસ્ટમાં હત્યારાઓને 'રાક્ષસો' ગણાવતા કહ્યું કે આ કઈ રીતે ધર્મનું રક્ષણ હોઈ શકે? તેણે આશ્ચર્ય વ્યક્ત કર્યું કે દુનિયા આ બધું ચૂપચાપ જોઈ રહી છે અને કોઈ નક્કર પગલાં લેવાઈ રહ્યા નથી. મુનાવરે ગુનેગારોને સખત સજા આપવાની માંગ કરતા કહ્યું કે આવા વીડિયો જોવાથી ઘૃણા થાય છે અને મનમાં સવાલ થાય છે કે આપણે કેવા સમાજમાં જીવી રહ્યા છીએ. આ ઘટનાએ ભારત-બાંગ્લાદેશ સંબંધોમાં પણ તણાવ વધાર્યો છે અને કલાકારોનો આ આક્રોશ જનતાના અવાજને વાચા આપી રહ્યો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
