<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 21st December 2025

એપ્સટીન કાંડના નવા ખુલાસાથી દુનિયા સ્તબ્ધ : ‘ગર્લ્સ ફોર જે.ઈ.’ જેવા કોડવર્ડ અને હાઈ-પ્રોફાઈલ હસ્તીઓના રહસ્યો આવ્યા સામે

અમેરિકી ન્યાય વિભાગે ગ્રાન્ડ જ્યુરીના ગુપ્ત દસ્તાવેજો જાહેર કર્યા : ૧૪ વર્ષની સગીરાઓ પાસે મસાજના નામે કરાતું હતું જાતીય શોષણ : હજારો પાનાના રિપોર્ટમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને બિલ ક્લિન્ટનના નામોનો ઉલ્લેખ મળતા ચકચાર : ૫૦૦થી વધુ પાના પર શાહી ફેરવી વિગતો છુપાવવામાં આવી હોવાનો વિવાદ

ન્યૂયોર્ક: કુખ્યાત પેડોફાઈલ જેફરી એપ્સટીનના કાળા કરતૂતોના દસ્તાવેજોના પટારામાંથી એક પછી એક એવી વિગતો બહાર આવી રહી છે જેણે માનવતાને શર્મસાર કરી દીધી છે. અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ (DOJ) દ્વારા જાહેર કરવામાં આવેલા નવા ‘ગ્રાન્ડ જ્યુરી’ મટિરિયલ્સમાં એપ્સટીન દ્વારા ચલાવવામાં આવતા સેક્સ ટ્રાફિકિંગ નેટવર્કની બિહામણી વાસ્તવિકતા અને તેમાં સંકળાયેલા હાઈ-પ્રોફાઈલ નામોના ચોંકાવનારા સંદર્ભો મળી આવ્યા છે.
‘ગર્લ્સ ફોર જે.ઈ.’: હેન્ડરાઈટિંગ નોટ્સમાં ચોંકાવનારા સંદેશા
જાહેર થયેલા દસ્તાવેજોમાં સપ્ટેમ્બર ૨૦૦૪ના સમયની હાથથી લખાયેલી ફોન મેસેજ નોટ્સ મળી આવી છે. જેમાં ‘She has Females for Mr. J.E.’ (તેણી પાસે મિસ્ટર જે.ઈ. માટે સ્ત્રીઓ છે) અને ‘Girl for tonight’ (આજ રાત માટે છોકરી તૈયાર છે) જેવા વાક્યોનો ઉલ્લેખ છે. સૌથી વધુ ચર્ચા જે મેસેજની થઈ રહી છે તેમાં માત્ર ‘ડોનાલ્ડ ટ્રમ્પ’ લખેલું જોવા મળ્યું છે. જોકે, તપાસ એજન્સીઓએ સ્પષ્ટતા કરી છે કે ટ્રમ્પ કે ક્લિન્ટન પર કોઈ સીધા ખોટા વ્યવહારના આરોપ અત્યાર સુધી સાબિત થયા નથી.
સગીરાઓનું શોષણ અને લાલચ
એફબીઆઈ (FBI) એજન્ટોની જુબાની મુજબ, એપ્સટીન ૧૮ વર્ષથી ઓછી ઉંમરની સગીરાઓને નિશાન બનાવતો હતો. એક કિસ્સામાં, ૯મા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીના શોષણની વિગતો સામે આવી છે. ભોગ બનનાર સગીરાઓએ જણાવ્યું હતું કે તેમને મોડેલિંગ અથવા મસાજ માટે ૨૦૦ થી ૩૦૦ ડોલરની લાલચ આપી બોલાવવામાં આવતી હતી. મસાજ દરમિયાન તેમને કપડાં ઉતારવા મજબૂર કરી તેમની સાથે જાતીય કૃત્યો કરવામાં આવતા હતા. ડર અને પૈસાની જરૂરિયાતને કારણે ઘણી છોકરીઓ આ નરકમાંથી બહાર નીકળી શકતી નહોતી.
ભયાનક ખુલાસો: પીડિત સગીરા ગર્ભવતી હતી
દસ્તાવેજોમાં એક અત્યંત હૃદયદ્રાવક વિગત એ સામે આવી છે કે એપ્સટીનની એક પીડિતા ગર્ભવતી બની હતી. તે સમયે એફબીઆઈને એવી આશંકા હતી કે તે બાળકની પિતા પોતે જેફરી એપ્સટીન હોઈ શકે છે. તપાસકર્તાઓના મતે, ઘણી છોકરીઓ એપ્સટીનના ઘરે ગયા પછી ક્યારેય પાછી ફરી નહોતી, જે આ રેકેટની ગંભીરતા દર્શાવે છે.
બ્લેકઆઉટ દસ્તાવેજો અને રાજકીય વિવાદ
ન્યાય વિભાગે હજારો પાના જાહેર કર્યા હોવા છતાં, ટીકાકારો તેને ‘અધૂરી માહિતી’ ગણાવી રહ્યા છે. અહેવાલો મુજબ, લગભગ ૫૦૦ પાના પર કાળી શાહી ફેરવી દેવામાં આવી છે અથવા તે સંપૂર્ણપણે ‘બ્લેક આઉટ’ છે, જેથી અનેક શક્તિશાળી લોકોના નામ છુપાવવામાં આવ્યા હોવાની આશંકા સેવાઈ રહી છે. બીજી તરફ, બિલ ક્લિન્ટનની અર્ધનગ્ન હાલતમાં હોટ ટબમાં સ્નાન કરતી તસવીરોએ પણ વૈશ્વિક સ્તરે રાજકીય ગરમાવો લાવી દીધો છે.

(11:07 PM IST)