હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
એપ્સટીન કાંડમાં નવો વળાંક : ન્યાય વિભાગની વેબસાઈટ પરથી રહસ્યમય રીતે ૧૬ મહત્વની ફાઈલો ગાયબ થતા હોબાળો
ડોનાલ્ડ ટ્રમ્પ અને બિલ ક્લિન્ટન જેવી હસ્તીઓના ફોટા ધરાવતા દસ્તાવેજો હટાવી લેવાતા ડેમોક્રેટ્સ લાલઘૂમ : સરકારે હજારો પેજ જાહેર કર્યાના બીજા જ દિવસે ફાઈલો ડિલીટ થતા ‘પારદર્શિતા’ સામે સવાલ : ગાયબ થયેલી ફાઈલોમાં નગ્ન પેઈન્ટિંગ્સ અને પૂર્વ રાષ્ટ્રપતિઓના ફોટાવાળા ટેબલના દ્રશ્યો હોવાનો ખુલાસો

વોશિંગ્ટન : કુખ્યાત જેફરી એપ્સટીન સાથે જોડાયેલા હાઈ-પ્રોફાઈલ સેક્સ ટ્રાફિકિંગ કેસમાં દસ્તાવેજો જાહેર થયાના માત્ર ૨૪ કલાકમાં જ એક નવો વિવાદ સર્જાયો છે. અમેરિકાના ન્યાય વિભાગ (DOJ) એ શુક્રવારે લાખો પાનાના દસ્તાવેજો અને ફોટાઓ જાહેર કર્યા હતા, પરંતુ તેમાંથી ૧૬ જેટલી મહત્વની ફાઈલો શનિવારે અચાનક વેબસાઈટ પરથી ગાયબ થઈ જતા રાજકીય ખળભળાટ મચી ગયો છે.
ગાયબ થયેલી ફાઈલોમાં શું હતું?
અહેવાલો મુજબ, જે ફાઈલો હટાવી લેવામાં આવી છે તેમાં કેટલીક વાંધાજનક નગ્ન મહિલાઓના પેઈન્ટિંગ્સની તસવીરો હતી. આ ઉપરાંત, એક મહત્વની તસવીર (ફાઈલ નંબર ૪૬૮) પણ ગાયબ છે, જેમાં એક ડેસ્ક પર અનેક ફ્રેમ કરેલા ફોટા દેખાતા હતા. આ ડેસ્ક પર પૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન, પોપ બેનેડિક્ટ સોળમા અને ડોનાલ્ડ ટ્રમ્પના ફોટા હતા. એક ઓપન ડ્રોઅરમાં પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પ, મેલાનિયા ટ્રમ્પ, જેફરી એપ્સટીન અને ઘીસલેન મેક્સવેલ એક સાથે હોય તેવો ફોટો પણ દેખાતો હોવાનું ડેમોક્રેટ્સ દ્વારા દાવો કરવામાં આવ્યો છે.
ડેમોક્રેટ્સનો આક્ષેપ: “બીજું શું છુપાવવામાં આવી રહ્યું છે?”
હાઉસ ઓવરસાઈટ કમિટીના ડેમોક્રેટ્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર સરકારની આ હરકતની આકરી ટીકા કરી છે. તેમણે ગાયબ થયેલી ફાઈલનો સ્ક્રીનશોટ શેર કરતા પૂછ્યું હતું કે, “અમેરિકાની જનતા માટે પારદર્શિતા જરૂરી છે. આ ફાઈલો કેમ હટાવી દેવામાં આવી? હજુ બીજું શું છુપાવવામાં આવી રહ્યું છે?” નોંધનીય છે કે, ટ્રમ્પ કે ક્લિન્ટન પર આ કેસમાં કોઈ ગેરકાયદે પ્રવૃત્તિના સીધા આરોપ નથી, પરંતુ તેમની એપ્સટીન સાથેની નિકટતા ચર્ચાનો વિષય રહી છે.
ન્યાય વિભાગનું મૌન અને કાયદાકીય સ્થિતિ
ન્યાય વિભાગે હજુ સુધી આ ફાઈલો હટાવવા પાછળનું કોઈ સ્પષ્ટ કારણ આપ્યું નથી. ઉલ્લેખનીય છે કે, ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રપતિ તરીકે એક દ્વિપક્ષીય કાયદા પર હસ્તાક્ષર કર્યા હતા, જે મુજબ એપ્સટીન કેસ સાથે જોડાયેલા તમામ બિન-વર્ગીકૃત દસ્તાવેજો જાહેર કરવાના હતા. ન્યાય વિભાગે જણાવ્યું હતું કે બાકીના રેકોર્ડ્સ ધીમે ધીમે જાહેર કરવામાં આવશે.
કેસની પૃષ્ઠભૂમિ
અબજોપતિ જેફરી એપ્સટીનનું ઓગસ્ટ ૨૦૧૯માં જેલના સેલમાં રહસ્યમય રીતે મૃત્યુ થયું હતું. તે સમયે તેના પર સગીરાઓના સેક્સ ટ્રાફિકિંગનો ગંભીર આરોપ હતો. તાજેતરમાં જાહેર થયેલા દસ્તાવેજોમાં પ્રિન્સ એન્ડ્રુ, માઈકલ જેક્સન અને મિક જેગર જેવી અનેક મોટી હસ્તીઓના નામ અને ફોટા સામે આવતા દુનિયાભરમાં આ કેસ ફરી ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
