<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 21st December 2025

એફબીઆઈની ઘોર બેદરકારીનો પર્દાફાશ : જેફરી એપ્સટીનના 'ચાઇલ્ડ પોર્નોગ્રાફી' કનેક્શનની ૧૦ વર્ષ પહેલા જાણ હોવા છતાં તપાસ એજન્સી ઊંઘતી રહી

૧૯૯૬માં આર્ટિસ્ટ મારિયા ફાર્મરે સગીર બહેનોના ફોટા ચોરવા અને ધમકી આપવા અંગે કરી હતી ફરિયાદ : એફબીઆઈએ દાયકા સુધી મૌન સેવી ગુનેગારોને છાવર્યા હોવાનો દસ્તાવેજોમાં ઘટસ્ફોટ : પીડિતાએ આક્રોશ સાથે જણાવ્યું - "તંત્રની આ શરમજનક નિષ્ફળતાએ અનેક માસૂમ બાળકીઓના જીવન બરબાદ કર્યા"

ન્યૂયોર્ક : કુખ્યાત સેક્સ પ્રિડેટર જેફરી એપ્સટીન અને તેની સહયોગી ઘીસલેન મેક્સવેલના પાપના ઘડા હવે એક પછી એક ફૂટી રહ્યા છે. તાજેતરમાં જાહેર થયેલા 'એપ્સટીન ફાઇલ્સ'ના હજારો દસ્તાવેજોમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે કે અમેરિકી તપાસ એજન્સી એફબીઆઈ (FBI) ને દાયકાઓ પહેલા જ એપ્સટીનના ચાઇલ્ડ પોર્નોગ્રાફી અને સગીરાઓના શોષણના શોખ વિશે ચેતવણી આપવામાં આવી હતી, પરંતુ એજન્સીએ આ બાબતને ૧૦ વર્ષ સુધી નજરઅંદાજ કરી હતી.
મારિયા ફાર્મરની ફરિયાદ અને એફબીઆઈનું મૌન
વ્યવસાયે આર્ટિસ્ટ એવી મારિયા ફાર્મરે ૩ સપ્ટેમ્બર, ૧૯૯૬ના રોજ એપ્સટીન વિરુદ્ધ સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી. દસ્તાવેજો અનુસાર, મારિયાએ તેની ૧૨ અને ૧૬ વર્ષની સગીર બહેનોના ફોટા પાડ્યા હતા, જે એપ્સટીને ચોરી લીધા હતા. એપ્સટીને આ ફોટા સંભવિત ખરીદદારોને વેચ્યા હોવાની આશંકા હતી અને તેણે મારિયાને ધમકી આપી હતી કે જો તે કોઈને કહેશે તો તે તેનું ઘર સળગાવી દેશે. આટલી ગંભીર ફરિયાદ હોવા છતાં, એફબીઆઈએ ૨૦૦૮ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરી નહોતી.
પીડિતાની વર્ષોની લડત અને સત્યનો વિજય
મારિયા ફાર્મરે વર્ષો સુધી જાહેરમાં દાવો કર્યો હતો કે તેણે અધિકારીઓને એપ્સટીન વિશે જાણ કરી હતી, પરંતુ ઘણા લોકો તેને જૂઠી ગણાવતા હતા. હવે દસ્તાવેજો જાહેર થતા મારિયાએ જણાવ્યું કે, “મેં ૩૦ વર્ષ રાહ જોઈ છે. હવે કોઈ મને જૂઠી કહી શકશે નહીં, પણ મને એ વાતનું દુઃખ છે કે એફબીઆઈની બેદરકારીને કારણે અનેક નાની બાળકીઓને નુકસાન પહોંચ્યું છે”. મારિયાની બહેન એની ફાર્મરે પણ મેક્સવેલના કેસમાં મહત્વની જુબાની આપી હતી.
સરકાર અને એજન્સીઓ પર માછલાં ધોવાયા
પીડિતોના વકીલ બ્રાડ એડવર્ડ્સે આ ઘટનાને શરમજનક ગણાવી છે અને જે સરકારી કર્મચારીઓએ આ ફરિયાદ છુપાવી રાખી હતી તેમની સામે તપાસની માંગ કરી છે. બીજી તરફ, વિરોધ પક્ષના નેતાઓ પણ ટ્રમ્પ વહીવટીતંત્ર પર 'એપ્સટીન ફાઇલ્સ ટ્રાન્સપરન્સી એક્ટ' હેઠળ પૂરેપૂરી વિગતો જાહેર ન કરવાનો અને દસ્તાવેજોમાં વધુ પડતી છેકછાક (Redactions) કરવાનો આરોપ લગાવી રહ્યા છે.
નોંધનીય છે કે જો એફબીઆઈએ ૧૯૯૬માં જ આ ફરિયાદ પર ધ્યાન આપ્યું હોત, તો કદાચ એપ્સટીનનું આંતરરાષ્ટ્રીય સેક્સ રેકેટ આટલું ફૂલ્યું-ફાલ્યું ન હોત.

(11:27 PM IST)