હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રશિયન આર્મીમાં જોડાઈ જા, નહીંતર ડ્રગના કેસમાં ફસાવી દઈશું... : જુઓ વિડીયો
ગુજરાતના વિદ્યાર્થીની આપવીતી; મોરબીના રહેવાસી સાહિલ મોહમ્મદ હુસૈને યુક્રેનથી મોકલ્યો વીડિયો : યુક્રેનથી એક SOS વીડિયો જાહેર કર્યો છે, જેમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે, તેને ખોટા ડ્રગ કેસમાં ફસાવીને રશિયન આર્મીમાં જોડાવા માટે દબાણ કરવામાં આવ્યું છે

નવી દિલ્હી,તા.૨૨: મોરબીના રહેવાસી સાહિલ મોહમ્મદ હુસૈનનો યુક્રેનથી એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તે લોકોને રશિયન આર્મીમાં જોડાવાના જોખમો વિશે ચેતવણી આપી રહ્યો છે. સાહિલે આરોપ લગાવ્યો છે કે, તેને ખોટા ડ્રગ કેસમાં ફસાવીને રશિયન આર્મીમાં જોડાવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. તેણે ભારતીય નાગરિકોને કોઈપણ લાલચ કે, દબાણથી આવું ન કરવા અપીલ કરી છે.
સાહિલના જણાવ્યા મુજબ, તે ૨૦૨૪ માં ઉચ્ચ શિક્ષણ માટે રશિયા ગયો હતો. અભ્યાસ દરમિયાન તેને નાણાકીય મુશ્કેલીઓ અને વિઝા સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. આ સમય દરમિયાન, તે ડ્રગ હેરફેરમાં સામેલ કેટલાક સ્થાનિક રશિયન નાગરિકોના સંપર્કમાં આવ્યો હતો.
સાહિલનો આરોપ છે કે, રશિયન પોલીસે પાછળથી તેને ખોટા ડ્રગ કેસમાં ફસાવી દીધો હતો. સાહિલ વીડિયોમાં દાવો કરે છે કે, પોલીસ અધિકારીઓએ તેને રશિયન સેનામાં જોડાશે તો તેની સામેનો કેસ પાછો ખેંચવાની ઓફર આપી હતી. આથી, આ દબાણના કારણે, સાહિલે આ ઓફર સ્વીકારી હતી. બાદમાં તેને યુદ્ધના મેદાનમાં મોકલવામાં આવ્યો, જ્યાંથી તેણે આ SOS વીડિયો રેકોર્ડ કર્યો અને ભારત સહિત વિશ્વભરના લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો હતો.
વીડિયોમાં સાહિલે કહ્યું કે, હું દરેકને રશિયન સેનામાં ન જોડાવાની અપીલ કરું છું. અહીં ઘણા સ્કેમર સક્રિય છે, જે ખોટા કેસમાં ફસાવીને લોકોના જીવન બરબાદ કરે છે. તેમણે એમ પણ કહ્યું કે, ઘણા વિદેશી નાગરિકો આવા જાળમાં ફસાઈ ગયા છે. સાહિલે ભારત સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમની સલામત વાપસી સુનિヘતિ કરવા માટે હસ્તક્ષેપ કરવા અપીલ કરી છે.
તેમણે કહ્યું કે, તેઓ અત્યંત મુશ્કેલ પરિસ્થિતિઓમાં છે અને કોઈપણ કિમતે ભારત પાછા ફરવા માંગે છે. ભારત સરકારે પણ આ મુદ્દા પર પ્રતિક્રિયા આપી છે. વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ જણાવ્યું હતું કે, સરકાર રશિયન સેનામાં જોડાયેલા ભારતીય નાગરિકોની મુક્તિ અને સ્વદેશ પરત ફરવા માટે સતત પ્રયાસો કરી રહી છે. તેમણે ભારતીય યુવાનોને રશિયન કે અન્ય દેશના સૈન્યમાં જોડાવા સંબંધિત કોઈપણ ઓફરથી દૂર રહેવા અને સાવધાની રાખવાની સલાહ આપી હતી









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
