<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd December 2025

ઉત્તર પ્રદેશમાં કોલ્ડવેવ અને ગાઢ ધુમ્મસના કહેર વચ્ચે હવામાન વિભાગે સ્થિતિની ગંભીરતા જોઈને ૪૮ કલાક માટે રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યું

૨૭ ડિસેમ્બર સુધી કાતિલ ઠંડીમાંથી રાહત મળવાની શક્યતા નહીવત: વિઝિબિલિટી ઘટતા રોડ - રેલ વાહનવ્યવહાર પર માઠી અસર * કડકડતી ઠંડીને કારણે જનજીવન ખોરવાયું: રાજ્યના અનેક જિલ્લાઓમાં કોલ્ડ ડે જેવી સ્થિતિ

લખનૌ: ઉત્તર ભારતમાં શિયાળો તેના આકરા મિજાજમાં છે, ત્યારે ઉત્તર પ્રદેશમાં હાલ કાતિલ ઠંડી અને ગાઢ ધુમ્મસનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા પ્રાપ્ત વિગતો અને જારી કરાયેલા તાજેતરના બુલેટિન મુજબ, રાજ્યમાં ઠંડીનું જોર અતિશય વધ્યું છે, જેના કારણે આગામી બે દિવસ એટલે કે ૪૮ કલાક સુધી ભારે સાવચેતી રાખવાની જરૂર છે.

 

૪૮ કલાક માટે રેડ, ઓરેન્જ અને ઓરેન્જ એલર્ટ

હવામાન વિભાગે ઉત્તર પ્રદેશના અલગ-અલગ વિસ્તારો માટે ચેતવણી જાહેર કરી છે. આગામી ૪૮ કલાક દરમિયાન ગાઢથી અતિ ગાઢ ધુમ્મસ અને તીવ્ર શીતલહેરની શક્યતાને જોતા 'રેડ', 'ઓરેન્જ' અને 'યલો' એલર્ટ આપવામાં આવ્યા છે. ખાસ કરીને પશ્ચિમ અને પૂર્વીય ઉત્તર પ્રદેશના કેટલાક જિલ્લાઓમાં તાપમાનનો પારો ગગડતા સ્થિતિ વધુ વિકટ બની શકે છે.

 

૨૭ ડિસેમ્બર સુધી રાહત નહીં

હવામાન વિભાગની આગાહી મુજબ, હાલની પરિસ્થિતિમાં તાત્કાલિક કોઈ સુધારો થવાની શક્યતા ઓછી છે. ૨૭ ડિસેમ્બર સુધી રાજ્યના ઘણા જિલ્લાઓમાં ગાઢ ધુમ્મસ છવાયેલું રહેશે અને દિવસ દરમિયાન પણ ઠંડીનું જોર યથાવત રહેશે, જેને તકનીકી ભાષામાં 'કોલ્ડ ડે' કન્ડિશન કહેવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન લોકોને, ખાસ કરીને બાળકો અને વૃદ્ધોને ઠંડીથી બચવા અને જરૂરી કામ વગર બહાર ન નીકળવા તાકીદ કરવામાં આવી છે. જોકે 3૩૧1 ડિસેમ્બર સુધી ઠંડીનું જોર રહેવાની હવામાન ખાતાએ આગાહી કરી છે. 

 

વાહનવ્યવહાર પર અસર

વહેલી સવારે અને મોડી રાત્રે ધુમ્મસની ચાદર એટલી ઘટ્ટ હોય છે કે વિઝિબિલિટી ખૂબ જ ઓછી થઈ જાય છે. જેના પરિણામે હાઈવે પર વાહનોની ગતિ ધીમી પડી છે અને અકસ્માતનો ભય પણ વધ્યો છે. આ ઉપરાંત, ઉત્તર ભારત તરફ જતી અને ત્યાંથી આવતી કેટલીક ટ્રેનો પણ નિર્ધારિત સમય કરતાં મોડી ચાલી રહી હોવાના અહેવાલો છે.

 

તંત્ર દ્વારા નાગરિકોને વાહન ચલાવતી વખતે ફોગ લાઈટનો ઉપયોગ કરવા અને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.

(10:05 AM IST)