<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd December 2025

અમદાવાદમાં પાટીદાર શક્‍તિનું ભવ્‍ય પ્રદર્શનઃ વિશ્વ ઉમિયાધામ ખાતે ૨૮ ડિસેમ્‍બરે યોજાશે ઐતિહાસિક ‘યુવા બિઝનેસ મહાસંમેલન'

મહાસંમેલનનું ઉદ્ધાટન કેન્‍દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ દ્વારા કરવામાં આવશેઃ વિવિધ ક્ષેત્રનાં મહાનુભાવો રહેશે ઉપસ્‍થિત : આત્‍મનિર્ભર ભારતના સંકલ્‍પ સાથે વિલેજથી વિદેશ સુધી પાટીદાર ઉદ્યોગ સાહસિકોને એક મંચ પર લાવવાનો ભગીરથ પ્રયાસઃ ૧ લાખથી વધુ બિઝનેસમેન અને વુમન ભાગ લેશેઃ વિશ્વના સૌથી ઊંચા ૫૦૪ ફૂટના ઉમિયા માતાજીના મંદિર નિર્માણની સાથે સામાજિક-આર્થિક સશક્‍તિકરણનો નવો અધ્‍યાય

રાજકોટઃ અમદાવાદના જાસપુર સ્‍થિત આસ્‍થા અને ઊર્જાના ધામ 'વિશ્વ ઉમિયાધામ' ખાતે આગામી ૨૮ ડિસેમ્‍બર, ૨૦૨૫ને રવિવારના રોજ ભારતના ઈતિહાસમાં પ્રથમવાર સમસ્‍ત પાટીદાર સમાજના યુવા ઉદ્યોગ સાહસિકોને એકસાથે જોડવા માટે યુવા બિઝનેસ મહાસંમેલનનું ભવ્‍ય આયોજન કરવામાં આવ્‍યું છે. વિશ્વ ઉમિયા ફાઉન્‍ડેશન યુવા સંગઠન દ્વારા આયોજિત આ સંમેલન પાટીદાર સમાજની આર્થિક તાકાતનું વૈશ્વિક સ્‍તરે પ્રદર્શન કરશે.

વિલેજથી વિદેશ સુધીનું નેટવર્કિગ

સનાતન વૈદિક ધર્મ આધારિત ભારતીય સંસ્‍કૃતિના આદર્શોને ઉજાગર કરવાના સંકલ્‍પ સાથે આકાર પામી રહેલા વિશ્વના સૌથી ઊંચા ૫૦૪ ફૂટના મા ઉમિયાના મંદિરના નિર્માણની સાથે સાથે આ સંસ્‍થા ધર્મ, શિક્ષણ, રોજગાર અને રાષ્ટ્રહિતની પ્રવૃત્તિઓનું કેન્‍દ્ર બની છે. આ મહાસંમેલનનો મુખ્‍ય હેતુ આત્‍મનિર્ભર ભારતના સંકલ્‍પને સાકાર કરવાનો અને યુવાનોને રાષ્ટ્રચેતના સાથે જોડી વિલેજથી વિદેશ સુધી ઉદ્યોગ અને વ્‍યાપાર ક્ષેત્રે નવી ઊંચાઈઓ સર કરાવવાનો છે.

આયોજનની મહત્‍વની વિગતોઃ

તારીખ અને સમયઃ ૨૮ ડિસેમ્‍બર, ૨૦૨૫, રવિવાર, બપોરે ૩ વાગ્‍યાથી.

સ્‍થળઃ વિશ્વ ઉમિયાધામ, જાસપુર, અમદાવાદ.

મુખ્‍ય લક્ષ્યઃ ૧ લાખથી વધુ બિઝનેસ ક્ષેત્ર સાથે સંકળાયેલા વ્‍યક્‍તિઓને એક મંચ પર લાવવા.

ઞ્જ નિમંત્રકઃ ટીમ - વિશ્વ ઉમિયા ફાઉન્‍ડેશન - યુવા સંગઠન.

ઉદઘાટક અને મહાનુભાવોની ગરિમામય ઉપસ્‍થિતિ

આ મહાસંમેલનનું ઉદ્ધાટન ભારત સરકારના ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ દ્વારા કરવામાં આવશે. કાર્યક્રમમાં ગુજરાતના મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ આર. પટેલ વિશેષ ગરિમામય ઉપસ્‍થિતિ નોંધાવશે. આ ઉપરાંત, શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈ, સંગઠન મહામંત્રી રત્‍નાકરજી અને રાજકોટ જીલ્‍લા બેંકના ચેરમેન તથા ધારાસભ્‍ય જયેશભાઈ રાદડીયા પણ ઉપસ્‍થિત રહેશે.

મુખ્‍ય મહેમાન અને અધ્‍યક્ષસ્‍થાને મહાનુભાવો

કાર્યક્રમમાં મુખ્‍ય મહેમાન તરીકે કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલ, રાજ્‍યકક્ષાના મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયા, રાષ્ટ્રીય સ્‍વયંસેવક સંઘના પ્રાંત કાર્યવાહક શૈલેષભાઈ પટેલ, કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી અને રાજ્‍યકક્ષાના મંત્રી કૌશિકભાઈ વેકરીયા હાજરી આપશે. પુરાણાચાર્ય રાજેન્‍દ્રપ્રસાદ શાષીજી પણ આ પ્રસંગે આશીર્વાદ પાઠવશે. સમગ્ર સંમેલનનું અધ્‍યક્ષપદ વિશ્વ ઉમિયા ફાઉન્‍ડેશનના પ્રણેતા એવમ્‌ પ્રમુખ આર. પી. પટેલ સંભાળશે.

યુવાનો માટે રમતગમત અને સામાજિક તકો

આ સંમેલનમાં માત્ર બિઝનેસ જ નહીં, પરંતુ રમતગમત ક્ષેત્રે પણ યુવાનોને પ્રોત્‍સાહિત કરવામાં આવશે. આંતરરાષ્ટ્રીય સ્‍તરે સમાજનું ગૌરવ વધારનાર પ્રતિભાશાળી ખેલાડીઓને પ્રોત્‍સાહિત કરવા અને ગ્રામ્‍યથી શહેરી વિસ્‍તારોના યુવાનોને સમાન તક મળે તે માટે રમતગમતનો વ્‍યાપ વધારવાની યોજનાઓ પણ રજૂ કરવામાં આવશે.

ડિજિટલ કનેક્‍ટિવિટી અને પાર્કિગ વ્‍યવસ્‍થા

આ આયોજનમાં ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવામાં આવ્‍યો છે. બિઝનેસ નેટવર્કિગ માટે ખાસ ‘‘VUF બિઝનેસ નેટવર્ક એપ્‍લિકેશન'' લોન્‍ચ કરવામાં આવી છે, જે એન્‍ડ્રોઇડ અને આઇઓએસ બંને પ્‍લેટફોર્મ પર ઉપલબ્‍ધ છે. મુલાકાતીઓ માટે પાર્કિગની સુવિધાને VVIP, ગોલ્‍ડ અને જનરલ એમ અલગ-અલગ વિભાગોમાં વહેંચવામાં આવી છે, જેની વિગતો ક્‍યૂઆર કોડ (QR Code) સ્‍કેન કરીને સરળતાથી મેળવી શકાશે.

વિલેજથી વિદેશ સુધીનું નેટવર્કિગ

મા ઉમિયાના વિશ્વના ઊંચામાં ઊંચા ૫૦૪ ફૂટ મંદિરના નિર્માણની સાથે ધર્મ, શિક્ષણ અને રોજગારને વેગ આપવા આ સંસ્‍થા કટિબદ્ધ છે. આ સંમેલન દ્વારા ૧ લાખ યુવાનોને ગ્‍લોબલ બિઝનેસ પ્‍લેટફોર્મ હેઠળ જોડીને તેમને આંતરરાષ્ટ્રીય સ્‍તરે વ્‍યાવસાયિક વિકાસમાં અગ્રેસર બનાવવાનું લક્ષ્ય છે.

મહત્‍વની વિશેષતાઓઃ

ડિજિટલ કનેક્‍ટિવિટીઃ ઉદ્યોગકારો અને પ્રોફેશનલ્‍સ માટે VUF બિઝનેસ નેટવર્ક એપ્‍લિકેશન લોન્‍ચ કરવામાં આવી છે, જે જોબ હાયરિગ અને બિઝનેસ ગ્રોથમાં મદદરૂપ થશે.

રમતગમત પ્રોત્‍સાહનઃ રમતગમતના માધ્‍યમથી યુવાનોમાં નેતૃત્‍વ અને આત્‍મવિશ્વાસ વધારવા માટે તાલીમ શિબિરો અને પ્રતિભાશાળી ખેલાડીઓના સન્‍માનનું આયોજન છે.

સંસ્‍થાના પ્રમુખ આર. પી. પટેલના માર્ગદર્શન હેઠળ યુવા સંગઠનના ચેરમેન જીતુભાઈ પટેલ અને કો-ઓર્ડિનેટર જયેશભાઈ પટેલ સહિત, વિશ્વ ઉમિયા ફાઉન્‍ડેશન યુવા સંગઠનની ટીમ અને વિવિધ કમિટીના હોદ્દેદારોની ટીમ આ મહાસંમેલનને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી રહી છે. આ સંમેલન બાદ પાટીદાર યુવાનો અમેરિકા ગયા વિના પણ ત્‍યાંના ઉદ્યોગપતિઓ સાથે સીધો વેપાર કરી શકશે તેવી વ્‍યવસ્‍થાઓ ગોઠવવામાં આવી રહી છે. પાટીદાર સમાજના તમામ યુવા શક્‍તિને આ સંમેલનમાં પધારવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્‍યું છે.

(10:09 AM IST)