<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd December 2025

વરરાજાએ એક બે નહીં પણ ૫૫ દુલ્‍હન સાથે સુહાગરાત મનાવી, જિંદગી નરક બનાવી ભાગી જતો

આ એક ચેતવણી છે કે કેવી રીતે અપરાધી સમાજની પરંપરાઓ અને વિશ્વાસનો ફાયદો ઉઠાવી માનવતાને શર્મસાર કરી શકે છે

બાડમેર તા.૨૨: રાજસ્‍થાનના રણવિસ્‍તારમાં એવી કેટલીય લોકકથાઓ છે, જે વીરતા અને પ્રેમની ગાથા રજૂ કરે છે, પણ આ માટીમાં એક એવી કાળી કહાણી દફન થયેલી છે, જેને સાંભળી આજે પણ સરહદી વિસ્‍તારની મહિલાઓ ધ્રુજવા લાગે છે. આ કહાણી છે જીયારામની, જેને પોલીસ રેકોર્ડમાં એક ચાલાક ચોર કહેવામાં આવ્‍યો છે, પણ સમાજની નજરોમાં એવો જમાઈ રાજા, જે સુહાગરાત મનાવીને સવારે ગાયબ થઈ જતો હતો. લોકો તેને કુંવારા જમાઈ રાજાના નામે બોલાવતા હતા. જીયારામનો ગુનો કરવાની રીત બીભત્‍સ અને મનોવૈજ્ઞાનિક હતી. તેણે સસ્‍પેન્‍સ ફિલ્‍મોના ખલનાયકોને પણ પાછળ છોડી દીધા હતા.

જીયારામની મોડસ ઓપરેન્‍ડી જેટલી ચપળ હતી, એટલી જ ગંદી હતી. તે બાડમેર અને આજુબાજુના રેતાળ વિસ્‍તારની અંતરિયાળ ઘરમાં એકલા ઘરને પોતાનો ટાર્ગેટ બનાવતો હતો. જ્‍યાં હાલમાં લગ્ન થયા હોય તેવા ઘર તેના ટાર્ગેટ પર રહેતા હતા. એ ઘર જ્‍યાં દીકરીના હાલમાં લગ્ન થયા હોય અને પહેલી વાર પોતાના પિયરે આવી હોય. જીયારામ દિવસના અજવાળામાં રેકી કરતો અને એ ખાતરી કરતો કે ઘરના પુરુષ સભ્‍યો કોઈ કામથી બહાર ગયા હોય.

અંધારું થતાં જ એ ઘરમાં જમાઈ રાજા જમાઈ બનીને એન્‍ટર થતો. એ સમયમાં ગામડાઓમાં વીજળીની કમી અને ઘૂંઘટ પ્રથાના કારણે ચહેરાની ઓળખ કરવી મુશ્‍કેલ થઈ જતી. ઘરની વૃદ્ધ મહિલાઓ અને અન્‍ય સભ્‍યો તેને અસલી જમાઈ સમજી તેની આગતાસ્‍વાગતા કરવામાં લાગી જતાં, કોઈને જરા પણ અંદાજ ન આવવા દેતો કે જેની તેઓ આટલી સેવાચાકરી કરી રહ્યા છે, તે અસલમાં એક રાક્ષસ તરીકે ઘરમાં આવ્‍યો છે.

જીયારામનો અસલી ખેલ રાતના સન્નાટામાં શરૂ થતો હતો. તે ખૂબ જ આત્‍મવિશ્વાસ સાથે નવી દુલ્‍હનના રૂમમાં પહોંચી જતો. લોક-લાજ અને સાંસ્‍કૃતિક સંકોચના કારણે પરિવારના કોઈ પણ સભ્‍ય તેના પર શંકા કરતા નહીં. તે રૂમમાં રહેલી નવી દુલ્‍હન સાથે આખી રાત વિતાવતો. જેવું દુલ્‍હન અને ઘરના અન્‍ય લોકો ગાઢ ઊંઘમાં સૂઈ જતાં, જીયારામ પોતાનો અસલી રંગ બતાવતો. તે દુલ્‍હનના શરીર પરથી સોના-ચાંદીના દાગીના ઉતારી લેતો અને ઘરની તિજોરી સાફ કરી રફફુચક્કર થઈ જતો. સવારે જ્‍યારે બધા ઉઠે એટલી વારમાં તો જમાઈ રાજા ક્‍યાંય દૂર નીકળી જતાં.

રાજસ્‍થાન પોલીસના રેકોર્ડ અનુસાર, જીયારામ વિરુદ્ધ ચોરી, ગેરકાયદેસર પ્રવેશ અને છેડતીના કુલ ૧૭ કેસ નોંધાયેલા હતા. પણ હકીકત તેનાથી પણ ક્‍યાંય વરવી હતી. ગુનાની દુનિયાના જાણકારો અને એ જમાનાના લોકોનું માનવું છે કે શિકાર થયેલી મહિલાઓ અને પરિવારની સંખ્‍યા ૫૫થી પણ વધારે હતી. હકીકતમાં તે જમાનામાં ગ્રામીણ સમાજમાં બદનામી અને લોકલાજનો ડર એટલો હતો કે કેટલાય પરિવારે પોલીસ પાસે જઈને રિપોર્ટ લખાવાનું તો દૂર, આ વાતનો ઉલ્‍લેખ પણ પાડોશી પાસે પણ નહોતા કરતા. કેટલીય દુલ્‍હનોએ આ રહસ્‍યને આખી જિદગી દબાવીને જીવતી રહી.

જીયારામની ગુનાહિત કુંડળી વર્ષ ૧૯૮૮માં ખુલી, જ્‍યારે ચૌહટન વિસ્‍તારમાં તેના વિરુદ્ધ પહેલી વાર ઘરમાં ઘુસવાનો કેસ નોંધાયો. ત્‍યાર બાદ ૧૯૯૦થી ૧૯૯૬ની વચ્‍ચે તેને સિણધરી, સમદડી, ધોરી મન્ના અને ચૌહટન વિસ્‍તારમાં ઢગલાબંધ શિકાર કર્યા. વર્ષ ૧૯૯૪માં પોલીસે તેને સત્તાવાર રીતે હિસ્‍ટ્રીશીટર જાહેર કરી દીધો. તે સતત જેલમાં જતો અને બહાર આવી ફરી આ ધંધા શરૂ કરી દેતો. ૨૦૦૩ સુધી તે પોલીસ માટે એક મોટી ચેલેન્‍જ હતો.

વર્ષો સુધી ગુનાની દુનિયામાં ડૂબી રહેવું અને જેલના સળિયા પાછળ રહેવાના કારણે જીયારામનું શરીર અંદરથી ખોખલું થઈ ચૂક્‍યું હતું. તેને ફેફસાની ગંભીર બીમારીએ જકડી લીધો હતો. આખરે ૨૦૧૬માં સારવાર દરમિયાન આ અપરાધીનું મોત થઈ ગયું. જીયારામ તો મરી ગયો, પણ તેની છોડેલી કાળી છાયા આજે પણ રાજસ્‍થાનના એ ઘરોમાં અનુભવાય છે, જ્‍યાં લોકો રાતના સમયે સૂતા પહેલા પોતાની બારીઓ અને બારણાં વારંવાર ચેક કરતા રહે છે. આ એક ચેતવણી છે કે કેવી રીતે અપરાધી સમાજની પરંપરાઓ અને વિશ્વાસનો ફાયદો ઉઠાવી માનવતાને શર્મસાર કરી શકે છે.

 

(10:12 AM IST)