રાજસ્થાનમાં ભારતમાલા એક્સપ્રેસવે પર કાળમુખો અકસ્માત : ટ્રક-ટ્રેલરની ભીષણ ટક્કર બાદ આગ ફાટી નીકળતા ડ્રાઈવર જીવતો ભૂંજાયો
જોધપુરના ઓસિયાં પાસે માટી ભરેલા ટ્રેલરે મગફળી ભરેલા ટ્રકને પાછળથી ઠોકર મારતા સર્જાયેલી હોનારત : કેબિનમાં ફસાયેલા ચાલકનું કમકમાટીભર્યું મોત : હાઈવે પર ૫ કિલોમીટર લાંબો ટ્રાફિક જામ અને તંત્રની ઢીલી કામગીરીને પગલે સ્થાનિકોમાં ભારે રોષ

જોધપુર, તા. ૨૨ ડિસેમ્બર ૨૦૨૫ : રાજસ્થાનના જોધપુર જિલ્લામાં ભારતમાલા એક્સપ્રેસવે પર રવિવારે મોડી રાત્રે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. ઓસિયાં પોલીસ સ્ટેશન વિસ્તારમાં રતન નગર અને ચંડાલિયા ગામ વચ્ચે એક ટ્રક અને ટ્રેલર વચ્ચે થયેલી જોરદાર ટક્કર બાદ બંને વાહનોમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં ટ્રેલરનો ચાલક કેબિનમાં ફસાઈ જવાને કારણે જીવતો ભૂંજાયો હતો, જ્યારે તેનો સાથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે.
દુર્ઘટનાની વિગતો અને આગનું તાંડવ
પોલીસના જણાવ્યા અનુસાર, ટાઇલ્સ બનાવવાની માટી ભરેલું એક ટ્રેલર પંજાબથી ગુજરાત તરફ જઈ રહ્યું હતું. રાત્રે અંદાજે ૧૦ વાગ્યે હાઈવે પર આગળ જઈ રહેલા મગફળી ભરેલા ટ્રક સાથે ટ્રેલર પાછળથી ધડાકાભેર અથડાયું હતું. ટક્કર એટલી ભીષણ હતી કે ટ્રેલર અનિયંત્રિત થઈ ડિવાઈડર સાથે અથડાયું અને જોતજોતામાં આગની લપેટમાં આવી ગયું હતું. ટ્રેલરના ચાલકને બહાર નીકળવાની તક મળે તે પહેલા જ આખું કેબિન લપેટમાં આવી જતા તેનું કરુણ મોત નીપજ્યું હતું. મગફળી જ્વલનશીલ હોવાથી ટ્રકના પાછળના ભાગમાં પણ આગ પ્રસરી હતી, જોકે ટ્રક ચાલક સમયસૂચકતા વાપરી બહાર નીકળી જવામાં સફળ રહ્યો હતો.
૩૦ કિમી દૂરથી એક કલાકે ફાયર ફાઈટર પહોંચ્યું
સ્થાનિક ગ્રામજનોએ અકસ્માત જોતા જ ટ્રેક્ટર અને ટેન્કરની મદદથી આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આગ કાબૂ બહાર હતી. આરોપ છે કે ઘટનાના એક કલાક બાદ ૩૦ કિલોમીટર દૂર ઓસિયાંથી ફાયર બ્રિગેડની ટીમ પહોંચી હતી. અંદાજે બે કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી શકાયો હતો, ત્યાં સુધીમાં ટ્રેલર સંપૂર્ણ બળીને ખાખ થઈ ગયું હતું.
હાઈવે પર વાહનોની લાંબી કતારો
ભીષણ આગ અને ધુમાડાને કારણે એક્સપ્રેસવે પર બંને તરફ ૫-૫ કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. લોકોમાં ગભરાટ ફેલાઈ જતા વાહનોના પૈડાં થંભી ગયા હતા. ઓસિયાં પોલીસ સ્ટેશનના અધિકારી રાજેન્દ્ર ચૌધરીએ કાફલા સાથે પહોંચી ટ્રાફિકને અન્ય માર્ગો પર ડાયવર્ટ કર્યો હતો.
તંત્ર સામે લોકોનો આક્રોશ
સ્થાનિક લોકોએ વહીવટી તંત્ર અને નેશનલ હાઈવે ઓથોરિટી (NHAI) સામે ગંભીર આક્ષેપો કર્યા છે. લોકોનું કહેવું છે કે એક્સપ્રેસવે પર આટલી મોટી દુર્ઘટના છતાં એમ્બ્યુલન્સ અને ફાયરની સુવિધા પહોંચવામાં ઘણો સમય લાગ્યો હતો. જો તંત્ર વહેલું જાગ્યું હોત તો કદાચ ડ્રાઈવરનો જીવ બચાવી શકાયો હોત.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
