<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd December 2025

સુરતમાં ૭ વર્ષની જૈન છોકરીની દીક્ષા ઉપર પ્રતિબંધઃ પિતાએ કરેલી અરજી કોર્ટે માન્‍ય રાખી

દિકરીના પિતાઓ અરજી કરીને તેમની પુત્રી ૧૮ વર્ષની થાય ત્‍યારે દિક્ષા લે તેવી માંગણી કરી હતી : ‘બાળક પુખ્‍ત ન થાય ત્‍યાં સુધી આવા મોટા નિર્ણયો લઈ શકાય નહીં': કોર્ટનો નિર્દેશ

 

સુરત તા.રરઃ સુરતની ફેમિલી કોર્ટે એક અત્‍યંત સંવેદનશીલ અને મહત્‍વપૂર્ણ કિસ્‍સામાં ૭ વર્ષની બાળકીની દીક્ષા અટકાવવાનો આદેશ આપ્‍યો છે. કોર્ટે સ્‍પષ્ટ શબ્‍દોમાં જણાવ્‍યું છે કે બાળકના જીવનને અસર કરતા મોટા નિર્ણયોમાં માતા અને પિતા બંનેની સંમતિ અનિવાર્ય છે અને સગીર વયે બાળકની ઈચ્‍છા કે સમજણ વિના તેને સંસાર ત્‍યાગ જેવો નિર્ણય લેવડાવવો યોગ્‍ય નથી.

સુરત શહેરમાં રહેતા એક દંપતી વચ્‍ચેના વિખવાદમાં તેમની ૭ વર્ષની દીકરીના ભવિષ્‍યનો પ્રશ્ન કોર્ટ સુધી પહોંચ્‍યો હતો. બાળકીની માતા છેલ્લા છ મહિનાથી પતિથી અલગ પિયરમાં રહેતી હતી. દરમિયાન, પિતાને જાણવા મળ્‍યું હતું કે તેમની પત્‍નીએ તેમની મંજૂરી વિના દીકરીને દીક્ષા અપાવવાનો નિર્ણય લીધો છે. આગામી ૮ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ મુંબઈમાં યોજાનારા એક ભવ્‍ય સામૂહિક દીક્ષા મહોત્‍સવમાં, જ્‍યાં અન્‍ય ૬૩ બાળકો પણ દીક્ષા લેવાના છે, ત્‍યાં આ બાળકીને પણ દીક્ષા અપાવવાની તૈયારીઓ ચાલી રહી હતી.

આ વાતની જાણ થતાં જ પિતાએ સુરત ફેમિલી કોર્ટમાં અરજી દાખલ કરી હતી. પિતાએ મીડિયા અને કોર્ટ સમક્ષ પોતાની વ્‍યથા રજૂ કરતા કહ્યું હતું કે, ‘‘મારી દીકરીની ઉંમર માત્ર ૭ વર્ષ છે. આ ઉંમરે તેને દુનિયાની કોઈ સમજ નથી. જો તે પુખ્‍ત થાય અને પછી પોતાની મરજીથી દીક્ષા લેવા માંગે તો અમને કોઈ વાંધો નથી, પરંતુ અત્‍યારે તેના પર આ નિર્ણય થોપવો અયોગ્‍ય છે.''

પિતાએ ગંભીર આક્ષેપ કરતા કહ્યું હતું કે વેકેશન દરમિયાન માતાએ દીકરીને ધાર્મિક ગુરુ પાસે મોકલી આપી હતી અને ત્‍યારબાદ દીકરીને પિયર લઈ ગઈ હતી. પત્‍નીએ શરત મૂકી હતી કે જો દીકરીની દીક્ષા માટે હા પાડવામાં આવે તો જ તે ઘરે પરત ફરશે. પિતાનો આરોપ છે કે બાળકી પર માનસિક દબાણ કરવામાં આવી રહ્યું છે.

ફેમિલી કોર્ટે આ મામલાની ગંભીરતાને ધ્‍યાને લઈ તાત્‍કાલિક અસરથી દીક્ષા પર રોક લગાવી દીધી છે. કોર્ટે નોંધ્‍યું કે બાળકના ઉછેર અને ભવિષ્‍ય સંબંધિત નિર્ણયો લેવાનો અધિકાર બંને વાલીઓનો છે. માત્ર એક પક્ષની જીદના કારણે બાળકીનું બાળપણ છીનવી શકાય નહીં. કોર્ટે પિતા પાસે આ મામલે એફિડેવિટ (સોગંદનામું) પણ રજૂ કરાવ્‍યું છે અને ચેતવણી આપી છે કે કોર્ટના આદેશનો ભંગ કરનાર સામે કાયદેસરના પગલાં લેવામાં આવશે.(૨.૧૭)

(3:03 PM IST)