<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd December 2025

બાંગ્‍લાદેશઃ કટ્ટરપંથી હાદીના મોત બાદ હવે BNP નેતાના માથામાં ઝીંકાઈ ગોળી

રાજકીય વેરઝેરમાં ખુલના વિભાગીય વડા મોતાલેબ સિકંદર પર જીવલેણ હુમલો થતા આખું પ્રશાસન દોડતું થયું

ઢાકા, તા.૨૨: બાંગ્‍લાદેશમાં સત્તા પરિવર્તન પછી પણ હિંસાનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. પડોશી દેશ ફરી એકવાર લોહિયાળ સંઘર્ષની લપેટમાં આવી ગયો છે. તાજેતરમાં જ ભારત વિરોધી નિવેદનો માટે જાણીતા કટ્ટરપંથી નેતા શરીફ ઉસ્‍માન હાદીના શંકાસ્‍પદ મોત બાદ સમગ્ર દેશમાં જે જ્‍વાળા ભભૂકી હતી, તેમાં હવે વધુ એક હાઈ-પ્રોફાઈલ ગોળીબારની ઘટનાએ ઘી હોમ્‍યું છે. બાંગ્‍લાદેશ નેશનાલિસ્‍ટ પાર્ટીના કદાવર નેતા અને ખુલના વિભાગીય વડા મોતાલેબ સિકંદરને નિશાન બનાવીને અજાણ્‍યા હુમલાખોરોએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર, મોતાલેબ સિકદર જ્‍યારે જઈ રહ્યા હતા ત્‍યારે ઓચિંતા ત્રાટકેલા બંદૂકધારીઓએ તેમના પર હુમલો કર્યો હતો. એક ગોળી સીધી તેમના માથાની ડાબી બાજુએ વાગી હતી, જેના કારણે તેઓ લોહીલુહાણ હાલતમાં ફસડાઈ પડ્‍યા હતા. હાલમાં તેમને અત્‍યંત ગંભીર હાલતમાં હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યા છે, જ્‍યાં ડોક્‍ટરો તેમનો જીવ બચાવવા પ્રયાસ કરી રહ્યા છે. આ ઘટનાએ બાંગ્‍લાદેશના રાજકીય વર્તુળોમાં ફફડાટ ફેલાવી દીધો છે અને સુરક્ષા વ્‍યવસ્‍થાના લીરેલીરા ઉડાવી દીધા છે.

આ અગાઉ, ઈન્‍કિલાબ મંચના પ્રવક્‍તા શરીફ ઉસ્‍માન હાદીના મોતને લઈને પણ રહસ્‍ય ઘેરાયેલું છે. હાદી એ જ નેતા હતા જેમણે ૨૦૨૪ના વિદ્યાર્થી આંદોલન દરમિયાન ભારત વિરુદ્ધ ઉગ્ર ઝેર ઓકયું હતું અને ભીડને ઉશ્‍કેરવામાં મહત્‍વની ભૂમિકા ભજવી હતી. તેમના મળત્‍યુના સમાચાર વાયુવેગે ફેલાતા જ ઢાકા સહિતના અનેક શહેરોમાં કટ્ટરપંથી સંગઠનો રસ્‍તા પર ઉતરી આવ્‍યા હતા અને તોડફોડ કરી હતી. હવે BNP નેતા પરના હુમલાને તે જ હિંસાની સાંકળ સાથે જોડીને જોવામાં આવી રહ્યો છે.

બાંગ્‍લાદેશની વર્તમાન સ્‍થિતિ જોઈને લાગી રહ્યું છે કે દેશ સંપૂર્ણપણે અરાજકતા તરફ ધકેલાઈ રહ્યો છે. વિદ્યાર્થીઓના નેતળત્‍વ હેઠળની નેશનલ સિટીઝન પાર્ટીના નેતાઓ પર પણ સતત જોખમ મંડરાઈ રહ્યું છે. એક તરફ રાજકીય અસ્‍થિરતા અને બીજી તરફ હથિયારધારી ટોળકીઓ વચ્‍ચેનો આ જંગ સામાન્‍ય જનતા માટે મુસીબત બની ગયો છે. આંતરરાષ્‍ટ્રીય સમુદાય પણ બાંગ્‍લાદેશમાં સતત વધી રહેલી આ હિંસા અને માનવાધિકારના ઉલ્લંઘન પર ચિંતા વ્‍યક્‍ત કરી રહ્યો છે. 

(3:38 PM IST)