તા. ૧૪ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૮ રવિવાર
અજમેર દરગાહમાં PMOની ‘ચાદર' વિવાદઃ સુપ્રીમે તાત્કાલીક સુનાવણીનો ઈન્કાર કર્યો
કિરેન રિજિજુની સ્પષ્ટતા - હું પ્રગતિની દુઆ માંગવા જઈશ, આમાં કોઈ રાજકારણ નથી

નવી દિલ્હી, તા.૨૨: સુપ્રીમ કોર્ટે વિશ્વ પ્રસિદ્ધ સૂફી સંત ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની અજમેર દરગાહ પર પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા ચઢાવવામાં આવતી વાર્ષિક ચાદર પર સ્ટે આપવાની માંગને ફગાવી દીધી છે. વિશ્વ વૈદિક સનાતન સંઘના વડા જીતેન્દ્ર સિંહ અને વિષ્ણુ ગુપ્તા દ્વારા દાખલ કરવામાં આવેલી પીઆઈએલ પર વેકેશન બેન્ચે તાત્કાલિક સુનાવણી કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. આ નિર્ણય બાદ હવે ૮૧૩માં ઉર્સના પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વતી દરગાહ પર ચાદર ચઢાવવાનો માર્ગ મોકળો બન્યો છે, જેનાથી વિરોધ પક્ષો અને અરજદારોમાં સોપો પડી ગયો છે.
મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ જોયમલ્યા બાગચીની ખંડપીઠ સમક્ષ જ્યારે આ મામલો આવ્યો, ત્યારે કોર્ટે વલણ સ્પષ્ટ કર્યું કે આટલી ઉતાવળમાં સુનાવણી શકય નથી. અરજદારના વકીલે દલીલ કરી હતી કે ઉર્સની વિધિઓ ૧૭ ડિસેમ્બરથી શરૂ થઈ ચૂકી છે અને તે ૩૦ ડિસેમ્બર સુધી ચાલવાની છે, તેથી વડાપ્રધાનને આ પરંપરા નિભાવતા રોકવામાં આવે. જોકે, કોર્ટે આ મામલે કોઈ પણ વચગાળાનો આદેશ આપવાને બદલે આગામી ૨૬ અથવા ૨૯ ડિસેમ્બરે સુનાવણી કરવાનું નક્કી કર્યું છે, જેનો અર્થ એ છે કે ત્યાં સુધીમાં ચાદર ચઢાવવાની વિધિ સંપન્ન થઈ ગઈ હશે.
બીજી તરફ, કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજુએ આ મામલે આકરો પ્રહાર કરતા જણાવ્યું છે કે તેઓ દેશની સુખ-શાંતિ અને પ્રગતિ માટે પ્રાર્થના કરવા અજમેર જશે. તેમણે સ્પષ્ટ કર્યું કે જ્યારે કોર્ટે કોઈ પ્રતિબંધ લાદ્યો નથી, ત્યારે આ આસ્થાના વિષય પર રાજકારણ ખેલવું અયોગ્ય છે. રિજિજુ વડાપ્રધાન મોદી વતી અકીદતના ફૂલ અને ચાદર અર્પણ કરીને કોમી એકતાનો સંદેશ આપશે. આ ઘટનાએ ધાર્મિક પરંપરાઓ અને બંધારણીય મર્યાદાઓ વચ્ચેની ચર્ચાઓને ફરી એકવાર નવી હવા આપી છે.
ઉલ્લેખનીય છે કે અજમેર શરીફમાં ઉર્સના અવસરે દેશના વડાપ્રધાન તરફથી ચાદર મોકલવાની પરંપરા દાયકાઓ જૂની છે. અરજદારોનું કહેવું છે કે અન્ય પેન્ડિંગ અરજીઓને ધ્યાનમાં રાખીને આ પ્રથા બંધ થવી જોઈએ. જોકે, સ્થાનિક લોકો અને દરગાહના ખાદીમો આ વિવાદને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી રહ્યા છે. હવે આખી દુનિયાની નજર સુપ્રીમ કોર્ટની આગામી સુનાવણી પર છે, પરંતુ હાલ પૂરતું તો અજમેરના આકાશમાં ભક્તિ અને વિવાદ બંનેનો માહોલ જોવા મળી રહ્યો છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
