<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd December 2025

નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં દિલ્હી હાઈકોર્ટે કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી, રાહુલ ગાંધી સહિત અન્ય આરોપીઓને નોટિસ ફટકારી : આ મામલે રાઉજ એવન્યૂ કોર્ટે રાહુલ-સોનિયા વિરુદ્ધ ચાર્જશીટ પર એક્શન લેવાની સ્પષ્ટ મનાઈ ફરમાવી દીધી'તી

દિલ્હી હાઈકોર્ટે EDની અરજી મંજૂર કરતાં સુનાવણી માટે 12 માર્ચ 2026ની તારીખ આપી : ED તરફથી દિલ્હી હાઈકોર્ટમાં સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દલીલ કરતાં કહ્યું કે છેલ્લો નિષ્કર્ષ એ છે કે 50 લાખ રૂપિયાના બદલે આરોપીને 2 હજાર કરોડ રૂપિયાની સંપત્તિ કબજે કરી હતી

નવી દિલ્હી તા.૨૨ :  આજે 22 ડિસેમ્બર 2025ના રોજ નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં દિલ્હી હાઈકોર્ટે કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી, રાહુલ ગાંધી સહિત અન્ય આરોપીઓને નોટિસ ફટકારી છે. મહત્વનું છે કે આ મામલે રાઉજ એવન્યૂ કોર્ટે રાહુલ-સોનિયા વિરુદ્ધ ચાર્જશીટ પર એક્શન લેવાની સ્પષ્ટ મનાઈ ફરમાવી દીધી હતી. જે બાદ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ દિલ્હી હાઈકોર્ટમાં પડફાર ફેંક્યો છે.

12 માર્ચ 2026ના રોજ થશે સુનાવણી

દિલ્હી હાઈકોર્ટે EDની અરજી મંજૂર કરતાં સુનાવણી માટે 12 માર્ચ 2026ની તારીખ આપી છે. ED તરફથી દિલ્હી હાઈકોર્ટમાં સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દલીલ કરતાં કહ્યું કે છેલ્લો નિષ્કર્ષ એ છે કે 50 લાખ રૂપિયાના બદલે આરોપીને 2 હજાર કરોડ રૂપિયાની સંપત્તિ કબજે કરી હતી.

કાર્યવાહી રાજકારણથી પ્રેરિત: કોંગ્રેસ 

EDની ચાર્જસીટમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, સેમ પિત્રોડા સુમન દુબે, સુનિલ ભંડારી, યંગ ઈન્ડિયન અને ડોટેક્સ મર્ચેન્ડાઇઝ પ્રાઇવેટ લિમિટેડનો નામ જોગ ઉલ્લેખ છે. EDની તપાસમાં કોંગ્રેસે દાવો કર્યો છે કે આ કાર્યવાહી રાજકારણથી પ્રેરિત છે. જો કે EDએ કહ્યું છે કે આ એક ગંભીર આર્થિક ગુનો છે. જેમાં છેતરપિંડી અને મની લોન્ડરિંગના સબૂત છે. કંપનીના 76 ટકા શેર સોનિયા અને રાહુલ ગાંધી પાસે છે. આ મામલે ગુનાની આવક 988 કરોડ રૂપિયા આંકવામાં આવી છે સાથે જે તેને સંબંધિત સંપત્તિઓની કિંમતનું મૂલ્ય 5000 કરોડ છે તેવો દાવો કરવામાં આવ્યો છે.

મની લોન્ડરિંગની ચાર્જશીટ ફગાવી

16 ડિસેમ્બર નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં કોંગ્રેસના નેતાઓ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાંથી મોટી રાહત મળી હતી. કોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા દાખલ કરવામાં આવેલી મની લોન્ડરિંગની ચાર્જશીટ પર ધ્યાન આપવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો હતો. દિલ્હી કોર્ટે EDની તપાસની કાયદેસરતા પર એક મહત્ત્વપૂર્ણ સવાલ ઉઠાવ્યો હતો. કોર્ટે નોંધ્યું કે, 'CBI એ હજી સુધી કોઈ 'પ્રિડિકેટ ગુનો' (મૂળ ગુનો) નોંધ્યો નથી, તેમ છતાં ED શેની તપાસ ચાલુ રાખે છે.' કોર્ટે પ્રશ્ન કર્યો કે જ્યારે મૂળ ગુનો (પ્રિડિકેટ ગુનો) નોંધાયેલો જ ન હોય, ત્યારે મની લોન્ડરિંગ તપાસ (Prevention of Money Laundering Act - PMLA હેઠળ) કેવી રીતે આગળ વધી શકે. આ કાયદાકીય આધાર પર કોર્ટે EDની ચાર્જશીટ પર ધ્યાન આપવાનો ઇન્કાર કર્યો હતો.

શું છે નેશનલ હેરાલ્ડ કેસ?

નેશનલ હેરાલ્ડ અખબારની સ્થાપના 1938માં પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ દ્વારા કરવામાં આવી હતી. તે સ્વતંત્રતા સંગ્રામનું પ્રતીક હતું, તે ઍસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ એટલે કે AJL દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું હતું. 2008માં નાણાકીય કટોકટી પછી આ અખબાર બંધ થઈ ગયું હતું અને અહીંથી આ વિવાદ શરુ થયો હતો. 2010માં યંગ ઇન્ડિયા પ્રાયવેટ લિમિટેડ (YIL) નામની એક કંપનીની રચના કરવામાં આવી, જેમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીનો 38-38% હિસ્સો છે. આ કેસમાં ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ 2012માં આરોપ મૂક્યો હતો કે YIL એ AJLની 2000 કરોડ રૂપિયાથી વધુની મિલકતો માત્ર 50 લાખ રૂપિયામાં હસ્તગત કરી હતી. તેમની વિરુદ્ધ છેતરપિંડી અને મની લોન્ડરિંગનો કેસ કરવાની માગ કરી હતી.

સોનિયા આરોપી નંબર-1, રાહુલ નંબર-2

ઈડીએ મની લોન્ડરિંગ નિવારણ અધિનિયમ (PMLA) હેઠળની ફરિયાદમાં સોનિયાગાંધીને આરોપી નંબર-1 અને રાહુલ ગાંધીને આરોપી નંબર-2 દર્શાવ્યા છે. આ ઉપરાંત અન્ય પાંચ લોકોને પણ કેસમાં આરોપી બનાવ્યા છે. કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી કેસમાં મુખ્ય આરોપી છે. એજેએલ નેશનલ હેરાલ્ડ સમાચાર પત્ર પ્રકાશિત કરતું હતું, તેની સ્થાપના પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ કરી હતી. નેશનલ હેરાલ્ડ, એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ અને યંગ ઈન્ડિયનનો મામલો યંગ ઈન્ડિયાના માલિકો અને મોટાભાગના શેર ધારકો (સોનિયા અને રાહુલ) દ્વારા એજેએલની 2000 કરોડ રૂપિયાની સંપત્તિ ગેરકાયદેસર રીતે હાંસલ કરવા માટે રચવામાં આવેલ ષડયંત્ર સાથે સંકળાયેલો છે.

લોન, શેર અને કાવતરાનો ખેલ

નેશનલ હેરાલ્ડ કેસ ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ (INC) અને એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ (AJL) વચ્ચે 90.25 કરોડ રૂપિયાની લોનથી શરૂ થાય છે. ઈડીનો આરોપ છે કે, આ લોન ફક્ત 50 લાખ રૂપિયામાં યંગ ઈન્ડિયન નામની કંપનીને ટ્રાન્સફર કરવામાં આવી હતી, જેની પાછળ 2,000 કરોડ રૂપિયાની મિલકત પર કબજો કરવાનું કાવતરું હતું. કોર્ટે ઈડીને પૂછ્યું કે એજેએલની મિલકતનો વાસ્તવિક માલિક કોણ છે? શું શેરધારકો માલિકો છે?

(4:48 PM IST)