હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
બાંગ્લાદેશમાં સરોદ ઉસ્તાદનો જીવલેણ અનુભવ: 'ભારતીય' ઓળખ છુપાવવા મજબૂર થયા શિરાઝ અલી ખાન, અટક 'ખાન' હોવાથી બચી શક્યા!
પડોશી દેશમાં ભારત વિરોધી ઉગ્ર જુવાળ; પ્રસિદ્ધ સંગીતકારની કલકત્તાથી ઢાકા સુધીની કોન્સર્ટ ટૂર ભયાનક સપનામાં ફેરવાઈ: હાલમાં પડોશી દેશમાં કોઈ પણ ભારતીય સુરક્ષિત નથી

કોલકાતા, તા. ૨૨ : બાંગ્લાદેશમાં હાલમાં પ્રવર્તી રહેલી અરાજકતા અને ભારત વિરોધી લાગણીનો ભોગ પ્રખ્યાત સરોદ વાદક શિરાઝ અલી ખાન બન્યા છે. ચાર કોન્સર્ટમાં પરફોર્મ કરવા ગયેલા ઉસ્તાદ શિરાઝ અલી ખાને હચમચાવી દેતા ખુલાસા કર્યા છે કે તેમણે બાંગ્લાદેશમાં સુરક્ષિત રહેવા માટે પોતાની ભારતીય ઓળખ છુપાવવી પડી હતી. તેમણે ચેતવણી આપી છે કે હાલમાં પડોશી દેશમાં કોઈ પણ ભારતીય સુરક્ષિત નથી અને લોકો ટોળામાં હુમલો કરવા માટેના કારણો શોધી રહ્યા છે.
જ્યારે સંગીતના મંચ પર છવાયો ભયનો માહોલ
શિરાઝ અલી ખાન ૧૬ ડિસેમ્બરે બાંગ્લાદેશ પહોંચ્યા હતા. શરૂઆતમાં બધું સામાન્ય લાગતું હતું, પરંતુ કાર્યક્રમમાં પ્રેક્ષકોની ઓછી હાજરી અને સ્થાનિકોની ગભરાયેલી વાતોએ તેમને કંઈક અશુભ થવાના સંકેત આપ્યા હતા. સ્થાનિક શુભચિંતકોએ તેમને સલાહ આપી હતી કે તેઓ ભારતીય છે તે વાત ક્યાંય જાહેર ન કરે. ગુલશન નજીક એક ચેકપોઇન્ટ પર જ્યારે પોલીસે તેમને રોક્યા, ત્યારે તેમણે પાસપોર્ટ કે આધાર કાર્ડ બતાવવાને બદલે માત્ર પોતાની અટક 'ખાન' પર ભાર મૂક્યો હતો, જેથી પોલીસને લાગ્યું કે તેઓ સ્થાનિક મુસ્લિમ છે.
ભાષા અને ઓળખ બદલીને જીવ બચાવ્યો
ખાને જણાવ્યું કે, "સામાન્ય રીતે હું બાંગ્લાદેશમાં કોલકાતાની બંગાળી બોલું છું, પરંતુ આ વખતે મેં સભાનપણે સ્થાનિક ઢાકાની બોલીમાં વાત કરી હતી. હોટેલ સ્ટાફે પણ મને મારી ઓળખ છુપાવવા તાકીદ કરી હતી." તેમણે વધુમાં જણાવ્યું કે ઢાકાની પ્રસિદ્ધ સાંસ્કૃતિક સંસ્થા 'છાયાનૌત' માં જે હિંસા થઈ તેના સમાચાર સાંભળીને તેઓ સ્તબ્ધ થઈ ગયા હતા અને કોઈક રીતે જીવ બચાવીને ભારત પાછા ફરવામાં સફળ રહ્યા હતા.
ભારતીયોને બાંગ્લાદેશ ન જવાની સલાહ
શિરાઝ અલી ખાનની માતા હજુ પણ બાંગ્લાદેશમાં છે અને તેઓ તેમના પાછા ફરવાની રાહ જોઈ રહ્યા છે. તેમણે દુઃખ સાથે જણાવ્યું કે, "જે દેશને આપણે આપણા મૂળ ગણીએ છીએ, ત્યાં આજે ભારત વિરોધી ઝેર ફેલાઈ ગયું છે. હું તમામ ભારતીયોને સલાહ આપું છું કે જ્યાં સુધી પરિસ્થિતિ સુધરે નહીં ત્યાં સુધી બાંગ્લાદેશની મુસાફરી ન કરવી." આ ઘટનાએ ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સાંસ્કૃતિક સંબંધો પર પણ પ્રશ્નાર્થ ચિહ્ન મૂકી દીધું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
