<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd December 2025

ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે ઐતિહાસિક 'ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ' પર મહોર: માત્ર ૯ મહિનામાં પૂર્ણ કરી વાટાઘાટો, અર્થતંત્રમાં આવશે નવો ઉછાળો

વડાપ્રધાન મોદી અને ક્રિસ્ટોફર લક્સનની જાહેરાત; આગામી ૫ વર્ષમાં વેપાર બમણો થશે અને ૧૫ વર્ષમાં ૨૦ અબજ ડોલરનું રોકાણ ભારતમાં ઠલવાશે

નવી દિલ્હી, તા. ૨૨ : ભારત અને ન્યુઝીલેન્ડે આજે આર્થિક ક્ષેત્રે એક નવો ઇતિહાસ રચ્યો છે. બંને દેશોએ પરસ્પર લાભદાયી એવા 'ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ' (FTA) એટલે કે મુક્ત વેપાર કરારને સફળતાપૂર્વક પૂર્ણ કરવાની સત્તાવાર જાહેરાત કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ન્યુઝીલેન્ડના સમકક્ષ ક્રિસ્ટોફર લક્સન સાથે ટેલિફોનિક વાતચીત કરી આ ઐતિહાસિક સિદ્ધિને વધાવી લીધી હતી. નોંધપાત્ર બાબત એ છે કે, આ જટિલ કરારને માત્ર ૯ મહિનાના રેકોર્ડ સમયમાં પૂર્ણ કરવામાં આવ્યો છે, જે બંને દેશો વચ્ચેની મજબૂત રાજકીય ઇચ્છાશક્તિ દર્શાવે છે.
ખેડૂતો, વિદ્યાર્થીઓ અને MSME માટે તકોનો પિટારો
આ કરાર માત્ર આંકડાઓ પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે બંને દેશોના ખેડૂતો, ઉદ્યોગસાહસિકો અને યુવાનો માટે નવી તકોના દ્વાર ખોલશે. FTA ને કારણે ભારતીય બજારમાં ન્યુઝીલેન્ડની પહોંચ વધશે અને ન્યુઝીલેન્ડના બજારમાં ભારતીય નિકાસને મોટું પ્રોત્સાહન મળશે. વડાપ્રધાન મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આ કરારને કારણે આગામી પાંચ વર્ષમાં દ્વિપક્ષીય વેપાર બમણો થઈ જશે.
૨૦ અબજ ડોલરનું જંગી રોકાણ અને રોજગારી
આ સમજૂતી અંતર્ગત આગામી ૧૫ વર્ષોમાં ન્યુઝીલેન્ડ તરફથી ભારતના વિવિધ ક્ષેત્રોમાં ૨૦ અબજ ડોલર (અંદાજે ૧.૬ લાખ કરોડ રૂપિયા) નું વિદેશી રોકાણ આવવાની શક્યતા છે. ખાસ કરીને ભારતના ગતિશીલ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ અને રિફોર્મ-લક્ષી અર્થતંત્રને કારણે ન્યુઝીલેન્ડના રોકાણકારો માટે ભારત એક સ્વર્ગ સમાન બની રહેશે, જેનાથી હજારો નવી રોજગારીની તકો ઊભી થશે.
રમતગમત અને શિક્ષણમાં પણ ગાઢ જોડાણ
વેપારની સાથે સાથે બંને નેતાઓએ રમતગમત, શિક્ષણ અને સાંસ્કૃતિક સંબંધોને વધુ મજબૂત કરવા પર ભાર મૂક્યો છે. સોશિયલ મીડિયા પર ખુશી વ્યક્ત કરતા પીએમ મોદીએ જણાવ્યું કે, "ભારતના પ્રતિભાશાળી યુવાનો અને ન્યુઝીલેન્ડની નવીનતા વચ્ચેનું આ જોડાણ લાંબા ગાળાની ભાગીદારી માટે મજબૂત પાયો નાખશે." ક્રિકેટના મેદાનમાં હરીફ એવા આ બંને દેશો હવે વેપારના મેદાનમાં એકબીજાના પાકા મિત્રો સાબિત થશે.

(5:53 PM IST)