હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મોસ્કો કાર બ્લાસ્ટથી હચમચી ઉઠ્યું: રશિયન લેફ્ટનન્ટ જનરલ ફેનિલ સર્વરોવનું દર્દનાક મોત, યુક્રેન પર આશંકાની સોય
સવારે ઘરથી નીકળતા જ જનરલની 'કિયા સોરેન્ટો' કારમાં થયો જોરદાર વિસ્ફોટ; રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે મોસ્કોમાં હાઈ-પ્રોફાઈલ હત્યાથી ખળભળાટ

મોસ્કો, તા. ૨૨ : રશિયાની રાજધાની મોસ્કો આજે વહેલી સવારે એક પ્રચંડ બોમ્બ વિસ્ફોટથી ધણધણી ઉઠી હતી. આ વિસ્ફોટમાં રશિયન સૈન્યના વરિષ્ઠ અધિકારી અને જનરલ સ્ટાફના આર્મી ઓપરેશનલ ટ્રેનિંગ ડિરેક્ટોરેટના વડા, લેફ્ટનન્ટ જનરલ ફેનિલ સર્વરોવનું મોત થયું છે. રશિયન તપાસકર્તાઓને શંકા છે કે આ આયોજિત હત્યા પાછળ યુક્રેનિયન સ્પેશિયલ સર્વિસનો હાથ હોઈ શકે છે.
પાર્કિંગમાંથી બહાર નીકળતા જ બોમ્બ ફાટ્યો
ઘટનાની વિગતો મુજબ, મોસ્કોના સમય પ્રમાણે સવારે લગભગ ૦૬:૫૫ વાગ્યે (ભારતીય સમય મુજબ સવારે ૧૦:૨૫ વાગ્યે) જ્યારે જનરલ સર્વરોવ પોતાની સફેદ રંગની 'કિયા સોરેન્ટો' કારમાં સવાર થઈને પાર્કિંગમાંથી બહાર નીકળી રહ્યા હતા, ત્યારે જ કારની નીચે ગોઠવવામાં આવેલો શક્તિશાળી બોમ્બ ફાટ્યો હતો. વિસ્ફોટ એટલો ભયાનક હતો કે કારના ફુરચેફુરચા ઉડી ગયા હતા. ગંભીર રીતે ઘાયલ થયેલા જનરલને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
કોણ હતા ફેનિલ સર્વરોવ?
૫૬ વર્ષીય લેફ્ટનન્ટ જનરલ ફેનિલ સર્વરોવ રશિયન સૈન્યમાં અત્યંત પ્રતિષ્ઠિત અધિકારી હતા. તેમણે ૧૯૯૦ના દાયકામાં ચેચન્યામાં આતંકવાદીઓ સામે લડવામાં અને ૨૦૧૫-૨૦૧૬ દરમિયાન સીરિયામાં રશિયન સૈન્ય અભિયાનમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. હાલમાં તેઓ રશિયન સૈન્યના ઓપરેશનલ ટ્રેનિંગ વિભાગના વડા હતા, જે યુક્રેન સામેના યુદ્ધમાં સૈનિકોની તૈયારી અને તાલીમ માટે જવાબદાર છે.
એક વર્ષમાં ત્રીજી મોટી સૈન્ય હત્યા
રશિયા માટે આ ફટકો ઘણો મોટો છે કારણ કે છેલ્લા એક વર્ષમાં મોસ્કોમાં આ ત્રીજા ઉચ્ચ સ્તરીય સૈન્ય અધિકારીની હત્યા છે. ગયા વર્ષે જ ડિસેમ્બરમાં જનરલ ઇગોર કિરિલોવ અને ત્યારબાદ એપ્રિલમાં જનરલ યારોસ્લાવ મોસ્કાલિકની પણ કાર બોમ્બ વિસ્ફોટમાં હત્યા કરવામાં આવી હતી. ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે જણાવ્યું કે રાષ્ટ્રપતિ પુતિનને આ ઘટના વિશે તાત્કાલિક જાણ કરવામાં આવી છે. તપાસકર્તાઓએ ઘટનાસ્થળના ફૂટેજ જાહેર કર્યા છે જેમાં ડ્રાઈવરની સીટ લોહીથી લથબથ જોવા મળે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
