<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd December 2025

યુપી વિધાનસભામાં 'નમૂના' યુદ્ધ: યોગી આદિત્યનાથે રાહુલ-અખિલેશને કહ્યા 'દો નમૂને', અખિલેશે વળતો પ્રહાર કરી ભાજપના આંતરિક ડખા પર માર્યું મેણું

મુખ્યમંત્રીએ નામ લીધા વગર વિપક્ષી નેતાઓને વિદેશ ભાગી જનારા ગણાવ્યા; અખિલેશ યાદવનો તીખો જવાબ - "દિલ્હી અને લખનૌ વચ્ચેની લડાઈ હવે ચૌટાલે આવી ગઈ છે"

લખનૌ, તા. ૨૨ : ઉત્તર પ્રદેશ વિધાનસભાનું સત્ર અત્યારે રાજકીય આક્ષેપ-પ્રતિઆક્ષેપોનું મેદાન બન્યું છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વિપક્ષી નેતાઓ રાહુલ ગાંધી અને અખિલેશ યાદવ પર "દો નમૂને" કહીને આકરો કટાક્ષ કર્યો, જેણે રાજ્યના રાજકારણમાં નવો વિવાદ છેડ્યો છે. કફ સિરપની કથિત દાણચોરી અંગેની ચર્ચા દરમિયાન મુખ્યમંત્રીએ આક્રમક વલણ અપનાવતા વિપક્ષી નેતાઓની ગંભીરતા પર સવાલો ઉઠાવ્યા હતા.
"ચર્ચા સમયે વિદેશ ભાગી જાય છે આ નમૂનાઓ"
વિધાનસભામાં સંબોધન કરતા યોગી આદિત્યનાથે કહ્યું કે, "દેશમાં બે નમૂનાઓ છે, એક દિલ્હીમાં બેસે છે અને બીજો લખનૌમાં. જ્યારે પણ દેશમાં કોઈ મહત્વની ચર્ચા થાય છે, ત્યારે તેઓ તરત જ વિદેશ ભાગી જાય છે." તેમણે સપાના સભ્યોને ટોણો મારતા ઉમેર્યું કે, "તમારા બાબુઆ (અખિલેશ) પણ ઇંગ્લેન્ડ જતા રહેશે અને તમે અહીં બૂમો પાડતા રહી જશો." યોગી આદિત્યનાથે સ્પષ્ટ કર્યું કે ઉત્તર પ્રદેશમાં કફ સિરપ પીવાથી કોઈ બાળકના મોત થયા નથી અને વિપક્ષ માત્ર અફવાઓ ફેલાવી રહ્યો છે.
અખિલેશ યાદવનો 'દિલ્હી-લખનૌ' વાળી લડાઈ પર કટાક્ષ
યોગીની ટિપ્પણીના થોડી જ મિનિટોમાં અખિલેશ યાદવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર જોરદાર વળતો પ્રહાર કર્યો. તેમણે યોગીના નિવેદનને "આત્મ-સ્વીકૃતિ" ગણાવતા કહ્યું કે, "કોઈએ વિચાર્યું ન હતું કે દિલ્હી અને લખનૌ વચ્ચેનો સત્તા સંઘર્ષ આ હદ સુધી પહોંચશે." અખિલેશનો ઈશારો ભાજપના કેન્દ્રીય નેતૃત્વ અને યોગી આદિત્યનાથ વચ્ચે ચાલી રહેલા કથિત મતભેદો તરફ હતો. તેમણે સલાહ આપી કે બંધારણીય પદ પર બેઠેલા લોકોએ મર્યાદા જાળવવી જોઈએ અને ભાજપે પોતાના આંતરિક ઝઘડા રસ્તા પર ન લાવવા જોઈએ.
જૂની અદાવત: પપ્પુ, ટપ્પુ અને અપ્પુ
આ પહેલીવાર નથી જ્યારે યોગી આદિત્યનાથે આવા શબ્દોનો પ્રયોગ કર્યો હોય. અગાઉ તેમણે રાહુલ ગાંધી, તેજસ્વી યાદવ અને અખિલેશ યાદવની મજાક ઉડાવતા તેમને 'પપ્પુ, ટપ્પુ અને અપ્પુ' તરીકે સંબોધ્યા હતા. બીજી તરફ, સમાજવાદી પાર્ટી સતત એવો દાવો કરી રહી છે કે યુપીમાં ડેપ્યુટી સીએમની નિમણૂક અને અમલદારોના દબદબા પાછળ દિલ્હી બેઠેલું ભાજપનું નેતૃત્વ છે, જે મુખ્યમંત્રીની શક્તિને ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યું છે. વિધાનસભામાં થયેલી આ વાકયુદ્ધે આગામી ચૂંટણીઓ પહેલા રાજકીય ગરમીમાં વધારો કરી દીધો છે.

(5:56 PM IST)