તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૪ શનિવાર
News of Monday, 22nd December 2025
બુલંદશહેર હાઈવે ગેંગરેપ કાંડ: 9 વર્ષની લાંબી લડાઈ બાદ પાંચેય હેવાનોને આજીવન કેદ, DNA રિપોર્ટ બન્યો સૌથી મોટો પુરાવો
માતા-પુત્રી પર આચરેલા જઘન્ય અપરાધમાં કોર્ટનો કડક સંદેશ; 'સમાજમાં આવા ગુનેગારો માટે કોઈ સ્થાન નથી', છઠ્ઠા આરોપીનું જેલમાં જ મોત થયું હતું

બુલંદશહેર, તા. ૨૨ : ઉત્તર પ્રદેશના બુલંદશહેરમાં ૨૦૧૬માં નેશનલ હાઈવે-૯૧ પર બનેલી હૃદયદ્રાવક સામૂહિક બળાત્કારની ઘટનામાં આજે ન્યાયની જીત થઈ છે. નવ વર્ષની લાંબી કાનૂની પ્રક્રિયા બાદ, કોર્ટે આ જઘન્ય અપરાધના પાંચેય દોષિતોને અંતિમ શ્વાસ સુધી આજીવન કેદની સજા ફટકારી છે. હાઈવે પર મુસાફરી કરી રહેલા નિર્દોષ પરિવારને બાનમાં લઈને માતા અને તેની સગીર પુત્રી પર ગુજારવામાં આવેલી ક્રૂરતાએ આખા દેશને હચમચાવી દીધો હતો.
લોખંડના સળિયા મૂકી કાર રોકી અને આચર્યું પાપ
આ ઘટના ૨૯ જુલાઈ, ૨૦૧૬ની મધ્યરાત્રિએ બની હતી. નોઈડાથી શાહજહાંપુર જઈ રહેલા એક પરિવારની કારને હુમલાખોરોએ હાઈવે પર લોખંડના સળિયા મૂકીને પંચર પાડી રોકી દીધી હતી. હથિયારધારી બદમાશોએ પરિવારને કારમાંથી બહાર ખેંચી નજીકના ખેતરોમાં લઈ ગયા હતા. ત્યાં પરિવારના પુરુષ સભ્યોને બંધક બનાવીને તેમની નજર સામે જ માતા અને પુત્રી પર સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો અને લૂંટ ચલાવી હતી.
DNA રિપોર્ટ અને ફોરેન્સિક પુરાવા નિર્ણાયક બન્યા
સરકારી વકીલ વરુણ કૌશિકે જણાવ્યું હતું કે આ કેસમાં ગુનેગારોને સજા અપાવવામાં વિજ્ઞાને મોટી ભૂમિકા ભજવી છે. એક આરોપીનો DNA પીડિતાના કપડાં પરથી મળી આવેલા સેમ્પલ સાથે મેચ થઈ ગયો હતો, જે કોર્ટમાં સૌથી મજબૂત પુરાવો સાબિત થયો હતો. આ કેસમાં કુલ છ આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી, જેમાંથી એક આરોપીનું ૨૦૧૯માં ટ્રાયલ દરમિયાન જેલમાં જ બીમારીના કારણે મૃત્યુ થયું હતું.
સમાજ માટે મજબૂત સંદેશ
ચુકાદો આપતા કોર્ટે નોંધ્યું હતું કે આવા નરાધમોને સમાજમાં ખુલ્લા ફરવા દેવા એ જોખમી છે. આજીવન કેદની સજા ફટકારીને કોર્ટે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે મહિલાઓ વિરુદ્ધના ગુનાઓમાં કાયદો કડક હાથે કામ કરશે. પીડિત પરિવારે લાંબા સમય સુધી આઘાત અને સામાજિક મુશ્કેલીઓનો સામનો કર્યો છે, પરંતુ આજના ચુકાદાથી તેમને ન્યાય મળ્યાનો સંતોષ થયો છે.
(6:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
