News of Monday, 22nd December 2025
કર્ણાટકના જંગલોમાં 'સફારી' પર બ્રેક: વેકેશનની મોસમમાં રિસોર્ટ માલિકોના હાલ બેહાલ, પ્રવાસીઓએ પાડોશી રાજ્ય તરફ દોટ મૂકી
વાઘના હુમલા વધતા સરકારનો કડક નિર્ણય; બાંદીપુર અને નાગરહોલમાં બુકિંગમાં મોટો ઘટાડો, તમિલનાડુનું મુદુમલાઈ પ્રવાસીઓ માટે નવું હોટસ્પોટ બન્યું

બેંગલુરુ, તા. ૨૨ : કર્ણાટકના વિશ્વવિખ્યાત બાંદીપુર અને નાગરહોલ ટાઇગર રિઝર્વમાં પ્રવાસન ઉદ્યોગ હાલમાં ભારે સંકટનો સામનો કરી રહ્યો છે. નાતાલ અને નવા વર્ષની રજાઓની મોસમ નજીક હોવા છતાં, રાજ્ય સરકાર દ્વારા સફારી પર લાદવામાં આવેલા પ્રતિબંધને કારણે જંગલ રિસોર્ટ્સ અને હોમ-સ્ટે ઓલમોસ્ટ ખાલી પડ્યા છે. વાઘના હુમલાની વધતી ઘટનાઓને પગલે લેવાયેલા આ નિર્ણયથી સ્થાનિક વેપારીઓની આજીવિકા સામે જોખમ ઊભું થયું છે.
પ્રવાસીઓ વગર રિસોર્ટ સુના, ભાડામાં ૪૦૦૦ રૂપિયાનો ઘટાડો છતાં બુકિંગ નથી
બાંદીપુર અને નાગરહોલ વિસ્તારના રિસોર્ટ માલિકોના જણાવ્યા અનુસાર, પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણ 'જંગલ સફારી' જ હોય છે. સફારી બંધ હોવાથી બુકિંગમાં મોટો ઘટાડો નોંધાયો છે. એક રિસોર્ટ માલિકે જણાવ્યું કે, "અમે રૂમનું ભાડું ૧૪,૦૦૦ રૂપિયાથી ઘટાડીને ૧૦,૦૦૦ રૂપિયા કરી દીધું છે, છતાં કોઈ બુકિંગ મળી રહ્યું નથી." વન વિભાગને વારંવાર રજૂઆત કરવા છતાં સફારી શરૂ કરવા અંગે હજુ સુધી કોઈ સકારાત્મક પ્રતિસાદ મળ્યો નથી.
તમિલનાડુને થયો 'લોટરી' જેવો ફાયદો
કર્ણાટકમાં સફારી બંધ હોવાનો સીધો લાભ પાડોશી રાજ્ય તમિલનાડુને મળી રહ્યો છે. બાંદીપુરથી માત્ર ૧૫ કિમી દૂર આવેલું મુદુમલાઈ ટાઇગર રિઝર્વ અત્યારે પ્રવાસીઓથી ઉભરાઈ રહ્યું છે. જે પ્રવાસીઓ તપાસ કર્યા વગર કર્ણાટક આવે છે, તેઓ સફારી માટે મુદુમલાઈ તરફ વળી રહ્યા છે. આ પરિસ્થિતિને કારણે કર્ણાટકના ઘણા ટૂર ઓપરેટરોએ પોતાનો વ્યવસાય અસ્થાયી ધોરણે પાડોશી રાજ્યમાં સ્થળાંતરિત કરવાની ફરજ પડી છે.
મંત્રીનો સ્પષ્ટ મત: "લોકોનો જીવ જોખમમાં મૂકી શકાય નહીં"
વન અને પર્યાવરણ મંત્રી ઈશ્વર ખાંડ્રેએ આ મામલે સરકારનો પક્ષ રાખતા જણાવ્યું હતું કે, "અમે જાણીએ છીએ કે વેપારીઓ મુશ્કેલીમાં છે, પરંતુ અત્યારે પરિસ્થિતિ કટોકટી જેવી છે. ૨૦ થી ૩૦ વાઘ જંગલની બહાર રહેણાંક વિસ્તારોની નજીક ફરી રહ્યા છે." તેમણે વધુમાં ઉમેર્યું કે વાહનોની અવરજવરથી વન્યજીવો વધુ આક્રમક બને છે તેવી પણ ધારણા છે, તેથી સંપૂર્ણ તપાસ અને સુરક્ષાની ખાતરી કર્યા વગર સફારી પરનો પ્રતિબંધ હટાવવામાં આવશે નહીં.
(6:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
