તા. ૧૩ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૨ રવિવાર
પાકિસ્તાનમાં હાહાકાર મચવાની તૈયારી : ઇમરાન ખાન-બુશરા બીબીને ૧૭ વર્ષની સજા થતા જ આખા દેશમાં ‘ચક્કાજામ’નું એલાન
તોશાખાના કેસમાં કોર્ટે ફટકારેલી આકરી સજા બાદ પીટીઆઈ લાલઘૂમ; ગંડાપુરે આપ્યો રસ્તા પર ઉતરવાનો આદેશ : ઇમરાનની મુક્તિ માટે પાકિસ્તાનના તમામ મોટા શહેરો અને હાઈવે બંધ કરી દેવાની ધમકીથી શાહબાઝ સરકાર ફફડાટમાં

ઇસ્લામાબાદ : પાકિસ્તાનના રાજકારણમાં રવિવારે મોટો વિસ્ફોટ થયો છે. પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન અને તેમની પત્ની બુશરા બીબીને તોશાખાના-૨ ભ્રષ્ટાચાર કેસમાં જવાબદારી અદાલતે ૧૭-૧૭ વર્ષની જેલની સજા ફટકારતા જ દેશમાં સનસનાટી મચી ગઈ છે. આ ચુકાદાના કલાકોમાં જ ઇમરાનની પાર્ટી પીટીઆઈએ સમગ્ર પાકિસ્તાનમાં 'દેશવ્યાપી બંધ' અને અનિશ્ચિતકાલીન વિરોધ પ્રદર્શનની જાહેરાત કરી દીધી છે. પાર્ટીએ આ લડાઈને ઇમરાન ખાનની મુક્તિ માટેનો 'અંતિમ બંધારણીય પ્રયાસ' ગણાવ્યો છે. રાવલપિંડીની અદિયાલા જેલમાં બંધ ઇમરાન ખાનના એક આદેશ પર હવે લાખો કાર્યકર્તાઓ રસ્તા પર ઉતરી આવે તેવી પૂરેપૂરી શક્યતા છે.
ખૈબર પખ્તુનખ્વાના મુખ્યમંત્રી અલી અમીન ગંડાપુરે ઉગ્ર તેવર બતાવતા કહ્યું છે કે, "હવે બહુ થયું, હવે વાતચીત નહીં પણ રસ્તા પર જંગ ખેલાશે." તેમણે પાર્ટી કાર્યકર્તાઓને પાકિસ્તાનની દરેક ગલી અને હાઈવે બ્લોક કરવા માટે તૈયાર રહેવા સૂચના આપી દીધી છે. પીટીઆઈ નેતૃત્વનું માનવું છે કે માત્ર શેરી વિરોધ અને જાહેર દબાણ દ્વારા જ સરકાર અને સંસ્થાઓને ઇમરાન ખાનને મુક્ત કરવા મજબૂર કરી શકાય છે. અનેક શહેરોમાં પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે હિંસક અથડામણ થવાની ભીતિ સેવાઈ રહી છે, જેના કારણે સમગ્ર પાકિસ્તાનમાં અઘોષિત કટોકટી જેવો માહોલ સર્જાયો છે.
આ જાહેરાતને પગલે પાકિસ્તાનના વહીવટીતંત્રે હાઈ એલર્ટ જાહેર કર્યું છે. લાહોર, કરાચી અને ઇસ્લામાબાદ જેવા મોટા શહેરોમાં સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે. પરિવહન સેવાઓ ઠપ્પ થવાની અને રોજિંદા જીવનમાં મોટા વિક્ષેપની આશંકાથી સામાન્ય નાગરિકોમાં ગભરાટ છે. ગુપ્તચર એજન્સીઓના અહેવાલ મુજબ, જો પીટીઆઈના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરશે, તો દેશમાં ગૃહયુદ્ધ જેવી સ્થિતિ પણ ઉભી થઈ શકે છે. પાકિસ્તાનની આ આંતરિક અરાજકતાની અસર તેના અર્થતંત્ર પર પણ પડશે, જે પહેલેથી જ વેન્ટિલેટર પર છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
