<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd December 2025

બાંગ્લાદેશમાં કટ્ટરપંથીઓના ખૌફ વચ્ચે ભારતીય રાજદૂત પ્રણય વર્માએ લાઈનમાં ઉભા રહી જીત્યા દિલ

ભારતીય હાઈ કમિશન પર હુમલાની ધમકીઓ છતાં પ્રોટોકોલ તોડી સામાન્ય જનતા વચ્ચે પહોંચ્યા રાજદૂત : 'ભારત માનવતાના નાતે બાંગ્લાદેશીઓની પડખે છે' તેવો મજબૂત સંદેશ આપી મેડિકલ વિઝાની સમસ્યાઓનું સ્થળ પર જ કર્યું નિરાકરણ

ઢાકા: બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન બાદ ભારત વિરોધી પ્રવૃત્તિઓ ચરમસીમાએ છે અને ભારતીય રાજદ્વારી મથકો પર પથ્થરમારાની ઘટનાઓ બની રહી છે, ત્યારે ભારતીય હાઈ કમિશનર પ્રણય વર્માએ એક અભૂતપૂર્વ રણનીતિ અપનાવી છે. કડક સુરક્ષા ઘેરા વચ્ચે રહેવાને બદલે તેઓ ઢાકાના સૌથી મોટા વિઝા સેન્ટર પર પહોંચ્યા અને સામાન્ય બાંગ્લાદેશીઓ સાથે સીધો સંવાદ સાધ્યો. જ્યારે કૂટનીતિમાં મોટાભાગના સંદેશાઓ બંધ બારણે અપાતા હોય છે, ત્યારે વર્માએ વિઝા માટે લાઈનમાં ઉભેલા કેન્સરના દર્દીઓ અને વૃદ્ધોના ખબર-અંતર પૂછીને એ સ્પષ્ટ કરી દીધું કે ભારત માટે બાંગ્લાદેશની જનતા સાથેનો સંબંધ કોઈ રાજકીય પરિસ્થિતિ પર નિર્ભર નથી.

ચિત્તાગોંગમાં ભારતીય હાઈ કમિશન પર થયેલા ભીષણ હુમલા અને વિઝા સેવાઓ પર લટકતી તલવાર વચ્ચે પ્રણય વર્માની આ મુલાકાત 'માસ્ટરસ્ટ્રોક' માનવામાં આવે છે. વિઝા સેન્ટરના નિરીક્ષણ દરમિયાન તેમને જાણવા મળ્યું કે સ્થાનિક વચેટિયાઓ અને એજન્ટો વિઝા સ્લોટ વેચવા માટે સિસ્ટમ હેક કરી રહ્યા છે. આ ગંભીર બાબતની નોંધ લેતા તેમણે તાત્કાલિક ટેકનિકલ ટીમને આદેશ આપ્યા અને બાંગ્લાદેશની વચગાળાની સરકારને પણ આ માફિયાઓ સામે કડક કાર્યવાહી કરવા તાકીદ કરી છે. આ કદમથી સામાન્ય અરજદારોમાં એવો વિશ્વાસ જાગ્યો છે કે ભારત માત્ર વિઝા જ નથી આપી રહ્યું, પરંતુ પારદર્શક વ્યવસ્થા માટે પણ કટિબદ્ધ છે.

રાજદ્વારી નિષ્ણાતો આ મુલાકાતને ભારતની 'સોફ્ટ પાવર' ડિપ્લોમેસી તરીકે જોઈ રહ્યા છે. એક તરફ બાંગ્લાદેશમાં કટ્ટરપંથી સંગઠનો ભારત વિરુદ્ધ ઝેર ઓકી રહ્યા છે, ત્યારે બીજી તરફ ભારતીય રાજદૂતે જનતા સાથે સીધો નાતો જોડીને તે દુષ્પ્રચારનો છેદ ઉડાડી દીધો છે. ચિત્તાગોંગમાં સ્થિતિ ચિંતાજનક હોવા છતાં ઢાકા, ખુલના અને રાજશાહીમાં વિઝા કેન્દ્રો ધમધમતા રાખીને ભારતે સાબિત કર્યું છે કે તે દક્ષિણ એશિયામાં એક જવાબદાર મોટા ભાઈની ભૂમિકા ભજવી રહ્યો છે. આ મુલાકાત બાદ હવે ઢાકાની શેરીઓમાં પણ ચર્ચા છે કે મુશ્કેલીના સમયે ભારત જ સહાયનો સૌથી મોટો સ્રોત છે.

(7:27 PM IST)