હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સરહદ પર ખતરાની ઘંટડી: પાકિસ્તાને PoKમાં આતંકવાદી લોન્ચ પેડ્સ કર્યા ફરી સક્રિય : ભારતીય સેનાના 'ઓપરેશન સિંદૂર' બાદ હવે અપનાવી નવી હાઈ-ટેક રણનીતિ
ભારતીય સેના દ્વારા ધ્વસ્ત કરાયેલા ઠેકાણાઓને ISIની મદદથી ફરી બેઠા કરવાનું ષડયંત્ર : ગામડાઓ અને ગાઢ જંગલોમાં નાના-નાના હાઈ-ટેક કેમ્પ બનાવી શિયાળામાં ઘૂસણખોરી કરવાની પાકિસ્તાનની ખતરનાક ચાલ

શ્રીનગર: ભારત અને પાકિસ્તાન વચ્ચેની સરહદ પર ફરી એકવાર તણાવ વધવાના સંકેતો મળી રહ્યા છે. ગુપ્તચર એજન્સીઓના અહેવાલ મુજબ, પાકિસ્તાને 'ઓપરેશન સિંદૂર' દરમિયાન ભારતીય સેનાના આકરા પ્રહારમાં નાશ પામેલા આતંકવાદી ઠેકાણાઓને ફરીથી સક્રિય કરવાનું શરૂ કર્યું છે. માત્ર PoK (પાકિસ્તાન કબજા હેઠળનું કાશ્મીર)માં જ નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય સરહદ નજીક પણ નવા લોન્ચ પેડ્સ તૈયાર કરવામાં આવ્યા છે. આ વખતે પાકિસ્તાની જાસૂસી સંસ્થા ISI અને ત્યાંની સેનાએ મળીને આતંકવાદીઓને ભારે ભંડોળ પૂરું પાડ્યું છે, જેથી તેઓ સરહદ પાર ફરીથી પોતાનું જાળ બિછાવી શકે.
પાકિસ્તાને આ વખતે તેની રણનીતિમાં મોટો ફેરફાર કર્યો છે. અગાઉના મોટા કેમ્પોને બદલે હવે આતંકવાદીઓ ગાઢ જંગલો અને સરહદી ગામડાઓમાં 'હાઈ-ટેક' નાના કેમ્પ બનાવી રહ્યા છે. આ નાના કેમ્પોને શોધવા મુશ્કેલ છે અને તે અત્યાધુનિક સંચાર સાધનોથી સજ્જ છે. PoKના કેલ, શારદી, દૂધનિયાલ અને લિપા વેલી જેવા 10 સંવેદનશીલ વિસ્તારોમાં આ ગતિવિધિઓ તેજ બની છે. આતંકવાદીઓનો હેતુ શિયાળાની કડકડતી ઠંડી અને બરફવર્ષાનો લાભ ઉઠાવીને ભારતીય સરહદમાં ઘૂસણખોરી કરવાનો છે, જે માટે તેઓ જંગલોરા અને ફોરવર્ડ કહુતા જેવા વિસ્તારોનો ઉપયોગ કરી રહ્યા છે.
આંતરરાષ્ટ્રીય સરહદ પર પણ પરિસ્થિતિ ગંભીર છે, જ્યાં અગાઉ BSF દ્વારા તોડી પાડવામાં આવેલા ચાર લોન્ચ પેડ્સને ફરીથી કાર્યરત કરવામાં આવ્યા છે. લુની, પુટવાલ અને જમીલા પોસ્ટ જેવા વિસ્તારોમાં આતંકવાદીઓની હિલચાલ નોંધાઈ છે. ભારતીય સુરક્ષા દળો આ નાપાક ગતિવિધિઓને જોતા હાઈ એલર્ટ પર છે. સેનાએ સરહદ પર દેખરેખ વધારી દીધી છે અને ડ્રોન તથા થર્મલ ઈમેજિંગ દ્વારા દરેક હિલચાલ પર નજર રાખવામાં આવી રહી છે, જેથી પાકિસ્તાનના કોઈપણ સાહસનો જડબાતોડ જવાબ આપી શકાય.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
