ગોવા નાઈટક્લબ અગ્નિકાંડ: લુથરા બ્રધર્સના ચાર દિવસના રિમાન્ડ મંજૂર : 25 જિંદગીઓ હોમનાર 'બિર્ચ' ક્લબના માલિકો પર હવે છેતરપિંડીનો ગાળિયો
બ્રિટિશ નાગરિક સુરિન્દર ખોસલાને ભારત લાવવા બ્લુ કોર્નર નોટિસની તૈયારી : ષડયંત્રના નવા ખુલાસા વચ્ચે પોલીસ તપાસમાં છેતરપિંડી અને જમીન વિવાદના પાસાં પણ ઉમેરાયા

પણજી: ગોવાના પ્રખ્યાત અરપોરા વિસ્તારમાં આવેલી "બિર્ચ બાય રોમિયો લેન" નાઈટક્લબમાં લાગેલી ભીષણ આગના કેસમાં તપાસનો ધમધમાટ તેજ થયો છે. માપુસા મેજિસ્ટ્રેટ કોર્ટે મુખ્ય આરોપી લુથરા બ્રધર્સ એટલે કે સૌરભ અને ગૌરવ લુથરાના વધુ ચાર દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસે કોર્ટમાં રજૂઆત કરી હતી કે આ માત્ર બેદરકારીનો કેસ નથી, પરંતુ તેમાં મોટા પાયે દસ્તાવેજોની હેરાફેરી અને છેતરપિંડીના એંગલ પણ છુપાયેલા છે. જ્યારે અન્ય ભાગીદાર અજય ગુપ્તાને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં જેલ હવાલે કરવામાં આવ્યો છે, ત્યારે લુથરા બ્રધર્સ પાસેથી ક્લબના સંચાલન અને ગેરકાયદેસર બાંધકામને લગતા પુરાવા એકઠા કરવામાં આવી રહ્યા છે.
આ કેસમાં સૌથી મોટો વળાંક બ્રિટિશ નાગરિક સુરિન્દર કુમાર ખોસલાના ફરાર થવાથી આવ્યો છે. તપાસમાં બહાર આવ્યું છે કે 25 લોકોનો ભોગ લેનારી આ આગના બીજા જ દિવસે ખોસલા ભારત છોડીને યુનાઇટેડ કિંગડમ ભાગી ગયો હતો. પોલીસ હવે તેને ભારત પરત લાવવા માટે કેન્દ્રીય એજન્સીઓ મારફતે 'બ્લુ કોર્નર નોટિસ' જારી કરવાની પ્રક્રિયા કરી રહી છે. નવા ખુલાસા મુજબ, જે જમીન પર આ નાઈટક્લબ ધમધમતી હતી, તે જમીન બાબતે મૂળ માલિક પ્રદીપ ઘડી અમોનકર સાથે લાંબા સમયથી કાયદાકીય જંગ ચાલી રહ્યો હતો, જે સૂચવે છે કે ક્લબના સંચાલનમાં નિયમોના લીરેલીરા ઉડાવવામાં આવ્યા હતા.
ગોવા પોલીસ અત્યાર સુધીમાં આઠ આરોપીઓની ધરપકડ કરી ચૂકી છે, પરંતુ તપાસનો વ્યાપ હજુ વધી રહ્યો છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, આગની ઘટના સમયે સુરક્ષાના ન્યૂનતમ સાધનોનો અભાવ અને ગેરકાયદેસર રીતે કરાયેલું ફેરફાર જ આ દુર્ઘટનાનું મુખ્ય કારણ છે. લુથરા બ્રધર્સના રિમાન્ડ દરમિયાન આગામી ચાર દિવસમાં કેટલાક હાઈ-પ્રોફાઈલ નામો અને સરકારી વિભાગોની મિલીભગત બહાર આવવાની પણ શક્યતા છે. સંગીત અને મજાના ઓઠા હેઠળ મોતના આ ખેલ પાછળ કોણ કોણ જવાબદાર છે, તે દિશામાં પોલીસ હવે કડક કાર્યવાહી કરી રહી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
