<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd December 2025

અરવલ્લી પર સંકટ કે સંરક્ષણ? સુપ્રીમ કોર્ટના ચુકાદા અને ખાણકામના વિવાદ પર કેન્દ્ર સરકારે કરી સ્પષ્ટતા

'અરવલ્લીમાં ગેરકાયદે ખાણકામનો સવાલ જ નથી' – ભ્રામક પ્રચારો વચ્ચે પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવનો હરિયાણાથી રાજસ્થાન સુધી ગુંજતો જડબાતોડ જવાબ : 10,000 એકર જમીન પર વનીકરણ અને ગ્રીન ક્રેડિટ પોલિસી દ્વારા કુદરતી વારસાને નવજીવન આપવાનો એક્શન પ્લાન

નવી દિલ્હી: ભારતના ફેફસા સમાન ગણાતી અરવલ્લી પર્વતમાળાના અસ્તિત્વ પર ખતરો હોવાના દાવાઓને કેન્દ્ર સરકારે સત્તાવાર રીતે નકારી કાઢ્યા છે. સુપ્રીમ કોર્ટ દ્વારા ટેકરીઓની ઊંચાઈ નક્કી કરવાના તાજેતરના નિર્ણય બાદ ઉભા થયેલા વિવાદ પર સ્પષ્ટતા કરતા પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે જણાવ્યું કે, વિપક્ષી નેતાઓ દ્વારા કરવામાં આવતા ખાણકામના દાવા તદ્દન પાયાવિહોણા છે. NCR (નેશનલ કેપિટલ રીજન)માં ખાણકામ પર સંપૂર્ણ પ્રતિબંધ છે અને સરકાર અરવલ્લીના રક્ષણ માટે પ્રતિબદ્ધ છે. સરકારના જણાવ્યા મુજબ, ગુરુગ્રામમાં 10,000 એકર જમીન વળતરરૂપ વનીકરણ માટે ફાળવવામાં આવી છે, જે આ વિસ્તારની હરિયાળી પુનઃસ્થાપિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

તાજેતરમાં સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો કે માત્ર 100 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતી ટેકરીઓને જ અરવલ્લીનો ભાગ ગણવામાં આવશે, જેનાથી પર્યાવરણ પ્રેમીઓમાં ચિંતા ફેલાઈ હતી કે 90% ટેકરીઓ સંરક્ષણના દાયરામાંથી બહાર ફેંકાઈ જશે. જોકે, કેન્દ્ર સરકારે આ આશંકાઓને ફગાવતા 'ગ્રીન અરવલ્લી ચળવળ' અને 'ગ્રીન ઇન્ડિયા મિશન'નો હવાલો આપ્યો છે. મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે ગ્રીન ક્રેડિટ પોલિસી હેઠળ 750 એકરથી વધુ નુકસાન પામેલા વન વિસ્તારને પુનઃસ્થાપિત કરવાનું કામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશમાં રામસર સ્થળોની સંખ્યા 24 થી વધારીને 96 કરવામાં આવી છે, જે સરકારની પર્યાવરણ પ્રત્યેની ગંભીરતા દર્શાવે છે.

કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે દિલ્હી, હરિયાણા, ગુજરાત અને રાજસ્થાનની સરકારોને સુપ્રીમ કોર્ટના નિર્દેશ મુજબ સંયુક્ત રીતે અરવલ્લીના સંરક્ષણ માટે કામ કરવા સૂચના આપવામાં આવી છે. આગામી સમયમાં અરવલ્લી ક્ષેત્રને 'ક્લાયમેટ રેઝિલિયન્ટ' એટલે કે આબોહવા પરિવર્તન સામે ટકી શકે તેવું મજબૂત બનાવવાની યોજના છે. સરકારે ખાતરી આપી છે કે આર્થિક વિકાસની સાથે કુદરતી સંપત્તિનું જતન પણ કરવામાં આવશે અને કોઈ પણ નવી ખાણકામ પ્રવૃત્તિને મંજૂરી આપવામાં આવશે નહીં. આ સ્પષ્ટતા બાદ અરવલ્લી બચાવવા માટે ચાલતા આંદોલનો અને રાજકીય ટ્વીટ-વોર પર હાલમાં વિરામ આવવાની શક્યતા છે.

(7:31 PM IST)