<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd December 2025

મેટ્રો અને ટેક્સી બાદ હવે 'ઓલા-ઉબેર બસ'ની એન્ટ્રી: દિલ્હીમાં ટ્રાફિક અને પ્રદૂષણ ઘટાડવા CM રેખા ગુપ્તાનો માસ્ટર પ્લાન

ખાનગી વાહનોનો મોહ છૂટશે અને પ્રદૂષણ ઘટશે: એપ-આધારિત બસ સેવાઓ શરૂ કરવા ઓલા-ઉબેર સાથે હાઈ-લેવલ બેઠક, તો બીજી તરફ PUC વગરના વાહનો પર ₹10,000ના તોતિંગ દંડની તૈયારી

નવી દિલ્હી: દિલ્હી-NCRની સડકો પર દરરોજ હજારોની સંખ્યામાં દોડતી ટેક્સીઓ અને ખાનગી કારોને કારણે સર્જાતી ટ્રાફિક જામની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ એક ક્રાંતિકારી યોજના પર કામ શરૂ કર્યું છે. તાજેતરમાં ઓલા અને ઉબેર જેવી દિગ્ગજ કંપનીઓના પ્રતિનિધિઓ સાથે યોજાયેલી બેઠકમાં મુખ્યમંત્રીએ એપ-આધારિત ખાનગી બસ સેવાઓ શરૂ કરવાની શક્યતા ચકાસી છે. આ યોજના પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે, જે લોકો દરરોજ પોતાની કાર લઈને ઓફિસે જાય છે, તેમને લક્ઝરી અને સુવિધાજનક બસ પ્રવાસનો વિકલ્પ આપી 'શેર્ડ ટ્રાન્સપોર્ટ' તરફ વાળવા, જેથી રસ્તાઓ પરથી નાના વાહનોની સંખ્યા ઘટે અને પ્રદૂષણમાં સીધો ઘટાડો થાય.

બીજી તરફ, રાજધાનીમાં વધી રહેલા ઝેરી પ્રદૂષણને નાથવા માટે સરકારે PUC (પોલ્યુશન અંડર કંટ્રોલ) પ્રમાણપત્ર બાબતે અત્યાર સુધીનું સૌથી કડક વલણ અપનાવ્યું છે. હવેથી જો કોઈ પણ વાહન ચાલક માન્ય PUC પ્રમાણપત્ર વગર પકડાશે, તો તેને સીધો ₹10,000 નો દંડ ફટકારવામાં આવશે. અગાઉના સમયમાં લોકો લોક અદાલતનો આશરો લઈને માત્ર ₹100 ના નજીવા દંડમાં છૂટી જતા હતા, જેના કારણે પ્રદૂષણના નિયમોનું ગંભીરતાથી પાલન થતું નહોતું. સીએમ રેખા ગુપ્તાએ સ્પષ્ટ કર્યું છે કે આ દંડનો ઉદ્દેશ્ય આવક ઉભી કરવાનો નહીં, પરંતુ દિલ્હીના નાગરિકોને શુદ્ધ હવા આપવા માટે જવાબદાર બનાવવાનો છે.

દિલ્હીમાં આ નવી બસ સેવાઓ માટે ખાસ રૂટ્સ અને પિક-અપ પોઈન્ટ્સ નક્કી કરવામાં આવશે, જે મેટ્રો સ્ટેશનો સાથે કનેક્ટિવિટી વધારશે. સરકારનું માનવું છે કે જો આ પ્રોજેક્ટ સફળ રહેશે, તો NCRના નોઈડા, ગુરુગ્રામ અને ફરીદાબાદ જેવા વિસ્તારોમાં મુસાફરી કરતા લાખો પ્રોફેશનલ્સને મોટી રાહત મળશે. વાયુ પ્રદૂષણને અંકુશમાં લેવા માટે ટેક્નોલોજી અને કાયદાકીય કડકતાનો આ સમન્વય આવનારા દિવસોમાં દિલ્હીની સુરત બદલી શકે છે. આ બેઠક બાદ હવે પરિવહન વિભાગ આ બસ સેવાઓ માટેની અંતિમ માર્ગદર્શિકા તૈયાર કરવામાં જોતરાઈ ગયો છે.

(7:32 PM IST)