<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd December 2025

પુણેની રાજકીય પિચ પર અજિત પવારની 'ગુગલી': ભાજપનો સાથ છોડી કોંગ્રેસને ઓફર : શું બદલાશે મહારાષ્ટ્રના સમીકરણો?

મહાયુતિમાં ભંગાણના સંકેત? ડેપ્યુટી સીએમ અજિત પવારે કોંગ્રેસના સતેજ પાટીલને ફોન કરી ગઠબંધનનો પ્રસ્તાવ મૂક્યો : બેઠકોની વહેંચણી અને 'માનભર્યા હિસ્સા' પર કોંગ્રેસની મથામણ વચ્ચે પુણે મ્યુનિસિપલ જંગ બની રોમાંચક

પુણે: મહારાષ્ટ્રમાં મ્યુનિસિપલ ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે ત્યારે પુણેના રાજકારણમાં એકાએક મોટો ભૂકંપ આવ્યો છે. રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે સત્તાધારી મહાયુતિના સાથી પક્ષ ભાજપને મોટો ઝટકો આપીને વિપક્ષી નેતા અને કોંગ્રેસના દિગ્ગજ સતેજ પાટીલ સાથે ગુપ્ત મંત્રણા શરૂ કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, રવિવારે રાત્રે થયેલી આ ટેલિફોનિક વાતચીતમાં અજિત પવારે આગામી પુણે મ્યુનિસિપલ કોર્પોરેશન (PMC) ની ચૂંટણીમાં કોંગ્રેસ અને NCP (અજિત જૂથ) વચ્ચે નવા જોડાણની દરખાસ્ત મૂકી છે. આ પગલાથી રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા જાગી છે કે અજિત પવાર હવે ભાજપથી અલગ રસ્તો શોધી રહ્યા છે અને પુણેમાં પોતાનો દબદબો જાળવવા માટે કોઈ પણ હદ સુધી જવા તૈયાર છે.

જોકે, અજિત પવારની આ 'ઓફર' સ્વીકારવી કોંગ્રેસ માટે એટલી સરળ નથી. 165 બેઠકો ધરાવતી પુણે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોંગ્રેસ આ વખતે "માનભર્યો હિસ્સો" માંગવા પર અડી ગઈ છે. સતેજ પાટીલે સ્પષ્ટ સંકેત આપ્યા છે કે પાર્ટીની અંદર ચર્ચા કર્યા વગર કોઈ પણ નિર્ણય લેવામાં આવશે નહીં. કોંગ્રેસનું મોવડી મંડળ માને છે કે પુણેમાં તેમનો પાયો મજબૂત છે અને તેઓ ઓછી બેઠકો પર સમાધાન કરીને આત્મહત્યા કરવા માંગતા નથી. વધુમાં, કોંગ્રેસ હાલમાં મહા વિકાસ આઘાડી (MVA) ના પોતાના સાથી પક્ષો શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે સાથે પણ ચર્ચામાં છે, જેના કારણે અજિત પવારના પ્રસ્તાવને કારણે ગઠબંધનનું ગણિત વધુ ગૂંચવાયું છે.

રાજકીય પંડિતો માને છે કે જો અજિત પવાર અને કોંગ્રેસ હાથ મિલાવે છે, તો મહારાષ્ટ્રમાં ભાજપ માટે આ એક મોટો રાજકીય ફટકો સાબિત થશે. બીજી તરફ, પુણે લોકસભા બેઠક કોંગ્રેસ પાસે હોવાથી તેઓ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોઈ પણ ભોગે નબળા દેખાવા માંગતા નથી. હાલની સ્થિતિએ એ તો સ્પષ્ટ થઈ ગયું છે કે ભાજપ અને અજિત પવારની NCP પુણેમાં અલગ-અલગ લડવાના મૂડમાં છે. હવે જોવાનું એ રહેશે કે કોંગ્રેસ અજિત પવારની આ રણનીતિક ચાલમાં સામેલ થાય છે કે પછી પોતાના જૂના જોડીદારો શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે સાથે રહીને 'એકલા ચલો' ની નીતિ અપનાવે છે.

(7:33 PM IST)