<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd December 2025

દિલ્હીમાં ભાજપના મહિલા કોર્પોરેટરની દાદાગીરી: વિદેશી નાગરિકને ધમકાવતા કહ્યું - "હિન્દી શીખો નહીંતર...", વીડિયો વાયરલ થતા ખળભળાટ

જાહેર બગીચામાં બેઠેલા આફ્રિકન મૂળના યુવક સાથે ગેરવર્તણૂકનો આક્ષેપ; સોશિયલ મીડિયા પર 'નસ્લીય ભેદભાવ'ના નામે ઉઠ્યો વિરોધનો વંટોળ, કોર્પોરેટરે સફાઈમાં આપ્યું વિચિત્ર કારણ

નવી દિલ્હી:રાજધાની દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીના એક મહિલા કોર્પોરેટર ફરી એકવાર વિવાદોના કેન્દ્રમાં આવ્યા છે. દિલ્હીના એક જાહેર બગીચામાં આફ્રિકન મૂળના વિદેશી નાગરિક સાથે કથિત રીતે ગેરવર્તણૂક કરવાનો વીડિયો સામે આવ્યા બાદ કોર્પોરેટર રેણુ ચૌધરીની ચારેબાજુ ટીકા થઈ રહી છે. વાયરલ વીડિયોમાં કોર્પોરેટર વિદેશી નાગરિકને આક્રમક રીતે હિન્દી શીખવાની સૂચના આપી રહ્યા છે, જે જોઈને સોશિયલ મીડિયા યુઝર્સે તેને અસહિષ્ણુતા અને નસ્લીય ભેદભાવ ગણાવ્યો છે.
આ ઘટના ત્યારે બની જ્યારે આફ્રિકન મૂળનો નાગરિક પાર્કમાં શાંતિથી બેઠો હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે રેણુ ચૌધરી તેની પાસે પહોંચે છે અને ધમકાવતા લહેજામાં કહે છે કે તેણે અહીં રહેવું હોય તો હિન્દી શીખવું જ પડશે. સોશિયલ મીડિયા પર લોકો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે જો વિદેશમાં રહેતા લાખો ભારતીયો સાથે ત્યાંની સ્થાનિક ભાષા ન આવડવા બદલ આવું વર્તન કરવામાં આવે તો કેવું લાગે? આ પ્રકારની ઘટનાઓથી આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની છબી ખરડાય છે.
વિવાદ વધતા કોર્પોરેટર રેણુ ચૌધરીએ પોતાની સ્પષ્ટતા રજૂ કરી છે. તેમણે જણાવ્યું કે, સંબંધિત નાગરિક છેલ્લા ૧૫ વર્ષથી આ વિસ્તારમાં રહે છે અને ફૂટબોલ કોચિંગ આપે છે. જે દિવસે વીડિયો ઉતારવામાં આવ્યો ત્યારે ત્યાં લગભગ ૨૦ આફ્રિકન નાગરિકો હાજર હતા. તેમનો દાવો છે કે એમસીડી (MCD) ના કર્મચારીઓ અંગ્રેજી જાણતા નથી અને આ લોકો હિન્દી સમજતા નથી, જેના કારણે સંવાદ કરવામાં અને કામ કરવામાં ગંભીર મુશ્કેલીઓ પડે છે.
રેણુ ચૌધરીએ વધુમાં એવો પણ દાવો કર્યો હતો કે, તેમના વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી નશાનો કારોબાર વધી રહ્યો છે, જેની ફરિયાદો મળતા તેઓ પાર્કમાં તપાસ માટે ગયા હતા. તેમણે કોઈને ધમકાવવાના ઈરાદાનો ઈનકાર કરતા કહ્યું કે, તેમણે માત્ર પરસ્પર વાતચીત સરળ બનાવવા માટે જ હિન્દી શીખવાની સલાહ આપી હતી. જોકે, વિપક્ષ અને સામાન્ય નાગરિકો આ વર્તનને પદની ગરિમાની વિરુદ્ધ માની રહ્યા છે

(7:58 PM IST)