<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd December 2025

અરવલ્લી બચાવવા સુપ્રીમ કોર્ટમાં 'મહાજંગ': ૧૦૦ મીટરના વિવાદાસ્પદ નિયમ સામે પર્યાવરણવાદીઓ મેદાને, CJI અને રાષ્ટ્રપતિને લખ્યો પત્ર

નવી વ્યાખ્યાથી ૯૦ ટકા પર્વતમાળા કાયદાકીય રક્ષણ ગુમાવશે તેવી ભીતિ; એડવોકેટ હિતેન્દ્ર ગાંધીની ૨૦ નવેમ્બરના આદેશ પર પુનર્વિચાર કરવાની માંગ, ઉત્તર-પશ્ચિમ ભારત પર પર્યાવરણીય જોખમ

નવી દિલ્હી:પ્રાચીન અરવલ્લી પર્વતમાળાના સંરક્ષણને લઈને ફરી એકવાર કાયદાકીય જંગ છેડાયો છે. જાણીતા પર્યાવરણ કાર્યકર્તા અને વકીલ હિતેન્દ્ર ગાંધીએ ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંત અને રાષ્ટ્રપતિને પત્ર લખીને સુપ્રીમ કોર્ટના તાજેતરના એક નિર્ણય પર પુનર્વિચાર કરવાની માંગ કરી છે. આ વિવાદના કેન્દ્રમાં પર્યાવરણ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી '૧૦૦-મીટર ટેસ્ટ' અને અરવલ્લીની નવી વ્યાખ્યા છે, જે પર્યાવરણવાદીઓના મતે કુદરતી વારસા માટે વિનાશક સાબિત થઈ શકે છે.
સુપ્રીમ કોર્ટના તાજેતરના આદેશ મુજબ, હવે અરવલ્લી પર્વતમાળામાં માત્ર તે જ ભૂમિ સ્વરૂપને ગણવામાં આવશે જેની ઊંચાઈ સ્થાનિક ભૂપ્રદેશથી ૧૦૦ મીટર કે તેથી વધુ હોય. આ ઉપરાંત, જો બે ટેકરીઓ ૫૦૦ મીટરની અંદર હોય તો જ તેને પર્વતમાળાનો સમૂહ માનવામાં આવશે. પર્યાવરણવાદીઓનો દાવો છે કે આ ગાણિતિક માપદંડને કારણે અરવલ્લીનો લગભગ ૯૦ ટકા વિસ્તાર સંરક્ષણની યાદીમાંથી બહાર થઈ જશે, જેનાથી ખાણકામ અને ગેરકાયદે બાંધકામોને મોકળું મેદાન મળી જશે.
હિતેન્દ્ર ગાંધીએ પત્રમાં ચેતવણી આપી છે કે ઊંચાઈ આધારિત આ માપદંડ ઉત્તર-પશ્ચિમ ભારતના ઇકોલોજીકલ બેલેન્સને બગાડી શકે છે. ઘણી ટેકરીઓ ૧૦૦ મીટરથી નીચી હોવા છતાં તે જળ રિચાર્જ માટે અત્યંત મહત્વની હોય છે. જો આ નીચાણવાળા વિસ્તારોને રક્ષણ નહીં મળે, તો ભવિષ્યમાં આ પંથકમાં પાણીની ભારે અછત સર્જાઈ શકે છે. તેમણે આ મામલે બંધારણની કલમ ૨૧ (સ્વસ્થ પર્યાવરણનો અધિકાર) અને રાજ્યની ફરજોનો પણ ઉલ્લેખ કર્યો છે.
વકીલે મુખ્ય ન્યાયાધીશને ૨૦ નવેમ્બર ૨૦૨૫ના આદેશમાં સુધારો કરવા અથવા તેને સ્પષ્ટ કરવા વિનંતી કરી છે. પર્યાવરણવાદીઓ માને છે કે જો સુપ્રીમ કોર્ટ આ વ્યાખ્યામાં બદલાવ નહીં કરે, તો અરવલ્લીના અસ્તિત્વ પર કાયમી જોખમ ઊભું થશે. હવે આ મામલે સુપ્રીમ કોર્ટ ફરીથી સુનાવણી હાથ ધરે છે કે કેમ, તેના પર આખા દેશની નજર ટકેલી છે.

(8:01 PM IST)