હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
પંજાબના પૂર્વ DGP અમર સિંહ ચહલનો આત્મહત્યાનો પ્રયાસ: ૧૬ પાનાની સુસાઈડ નોટે ખોલ્યા રહસ્યો, ઓનલાઈન છેતરપિંડી બની કારણ?
પટિયાલામાં રિવોલ્વરથી પોતાને ગોળી મારી, હોસ્પિટલમાં હાલત અત્યંત નાજુક; સુસાઈડ નોટમાં કરોડોના આર્થિક નુકસાન અને માનસિક તણાવનો ઉલ્લેખ, પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે લોહીલુહાણ હાલતમાં મળ્યા

પટિયાલા :પંજાબ પોલીસના પૂર્વ આઈજી અને ડીજીપી તરીકે સેવા આપી ચૂકેલા નિવૃત્ત આઈપીએસ અધિકારી અમર સિંહ ચહલે આજે પટિયાલામાં પોતાને ગોળી મારી આત્મહત્યાનો પ્રયાસ કરતા સમગ્ર રાજ્યના પોલીસ બેડામાં સનસનાટી મચી ગઈ છે. ઘટનાની જાણ થતા જ ઉચ્ચ અધિકારીઓનો કાફલો તેમના નિવાસસ્થાને દોડી ગયો હતો. ગંભીર રીતે ઘાયલ ચહલને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યાં વેન્ટિલેટર પર તેમની જિંદગી અને મોત વચ્ચે જંગ ચાલી રહ્યો છે.
પોલીસને તપાસ દરમિયાન અમર સિંહ ચહલના ઘરેથી ૧૬ પાનાની લાંબી સુસાઈડ નોટ મળી આવી છે. આ નોંધમાં તેમણે અત્યંત દર્દનાક ખુલાસો કર્યો છે કે તેઓ ઓનલાઈન છેતરપિંડી (Online Fraud) નો શિકાર બન્યા હતા. આ છેતરપિંડીમાં તેમને લાખો-કરોડોનું આર્થિક નુકસાન થયું હતું, જેના કારણે તેઓ લાંબા સમયથી ગંભીર માનસિક તણાવમાં હતા. એક ઉચ્ચ અધિકારી પોતે સાયબર ક્રાઈમની જાળમાં ફસાઈ ગયા હોવાની વાતથી તપાસ એજન્સીઓ પણ ચોંકી ઉઠી છે.
પટિયાલાના એસપી પલવિંદર સિંહ ચીમાએ જણાવ્યું કે, ચહલે આત્મહત્યા કરતા પહેલા પોતાના કેટલાક મિત્રોને એક સંદેશ મોકલ્યો હતો કે તેઓ આવું પગલું ભરી શકે છે. મિત્રોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. એસએચઓ અને ડીએસપીની ટીમ પળવારમાં જ તેમના ઘરે પહોંચી હતી, પરંતુ તેઓ અંદર પ્રવેશ્યા ત્યાં સુધીમાં ચહલે રિવોલ્વરથી પોતાને ગોળી મારી દીધી હતી. લોહીલુહાણ હાલતમાં તેમને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા.
નોંધનીય છે કે અમર સિંહ ચહલનો ભૂતકાળ પણ વિવાદાસ્પદ રહ્યો છે. ૨૦૧૫માં કોટકપુરામાં ગુરુ ગ્રંથ સાહિબના અપમાનના વિરોધ પ્રદર્શન દરમિયાન થયેલા ગોળીબાર કેસમાં તેઓ મુખ્ય આરોપી હતા. આ મામલે બાદલ પરિવાર સહિત અનેક પોલીસ અધિકારીઓ સામે ચાર્જશીટ દાખલ થયેલી છે. પોલીસ હવે એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે શું આ કાનૂની કાર્યવાહીના દબાણ હેઠળ તેમણે આ પગલું ભર્યું છે કે માત્ર આર્થિક નુકસાન જ જવાબદાર છે. હાલમાં સીટી સ્કેન અને અન્ય મેડિકલ ટેસ્ટ બાદ તેમની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
