<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd December 2025

પુતિનના ખાસ જનરલની કારને બોમ્બથી ઉડાવી દેવાઈ: મોસ્કોમાં હાઈ-પ્રોફાઈલ હત્યાથી રશિયા હચમચી ઉઠ્યું, શું હવે યુક્રેન પર મિસાઈલ વર્ષા વધશે?

લેફ્ટનન્ટ જનરલ ફેમિલ સર્વરોવનું લોહીલુહાણ હાલતમાં મોત; એક જ વર્ષમાં ૩ ઉચ્ચ અધિકારીઓના સફાયાથી ક્રેમલિનમાં સન્નાટો, રશિયન એજન્સીઓએ યુક્રેનિયન ઈન્ટેલિજન્સ પર ઠીકરું ફોડ્યું

મોસ્કો :રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલું લોહિયાળ જંગ હવે મેદાન છોડીને રશિયાની રાજધાની મોસ્કોની શેરીઓ સુધી પહોંચી ગયું હોય તેમ લાગે છે. સોમવારે સવારે મોસ્કોમાં એક હૃદયદ્રાવક ઘટના બની, જેમાં રશિયન સશસ્ત્ર દળોના જનરલ સ્ટાફના ઓપરેશનલ ટ્રેનિંગ ડાયરેક્ટોરેટના વડા, લેફ્ટનન્ટ જનરલ ફેમિલ સર્વરોવની તેમની જ કારમાં વિસ્ફોટ કરીને હત્યા કરવામાં આવી હતી. આ હાઈ-પ્રોફાઈલ હત્યા બાદ રશિયન સુરક્ષા એજન્સીઓમાં ખળભળાટ મચી ગયો છે અને રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને તાત્કાલિક આ અંગે જાણ કરવામાં આવી છે.

રશિયાની તપાસ સમિતિના પ્રવક્તા સ્વેત્લાના પેટ્રેન્કોએ જણાવ્યું હતું કે, જનરલ સર્વરોવની કાર નીચે એક શક્તિશાળી વિસ્ફોટક ઉપકરણ (IED) ગોઠવવામાં આવ્યું હતું. જેવો જનરલ કારમાં સવાર થયા, એક જોરદાર ધડાકા સાથે કારના ફુરચેફુરચા ઉડી ગયા હતા. ગંભીર રીતે ઘાયલ જનરલે ટૂંકી સારવાર બાદ દમ તોડી દીધો હતો. રશિયન તપાસકર્તાઓ માની રહ્યા છે કે આ હુમલા પાછળ યુક્રેનિયન ગુપ્તચર સેવાઓનો હાથ હોઈ શકે છે, જેઓ રશિયાના લશ્કરી નેતૃત્વને તોડવા માંગે છે.
પુતિન માટે આ ઝટકો એટલે મોટો છે કારણ કે એક જ વર્ષમાં આ ત્રીજા વરિષ્ઠ લશ્કરી અધિકારીની હત્યા છે. બરાબર એક વર્ષ પહેલા ડિસેમ્બર ૨૦૨૪માં લેફ્ટનન્ટ જનરલ ઇગોર કિરીલોવની ઇલેક્ટ્રિક સ્કૂટર બોમ્બથી હત્યા કરાઈ હતી. ત્યારબાદ એપ્રિલમાં જનરલ યારોસ્લાવ મોસ્કાલિકને પણ આ જ રીતે નિશાન બનાવાયા હતા. વારંવાર થતા આ હુમલાઓ દર્શાવે છે કે યુક્રેનિયન એજન્ટો રશિયાના સુરક્ષિત ગણાતા વિસ્તારોમાં ઘૂસીને ઓપરેશન પાર પાડી રહ્યા છે.
જનરલ સર્વરોવ કોઈ સામાન્ય અધિકારી નહોતા; તેમણે ચેચન્યા અને સીરિયા જેવા મુશ્કેલ યુદ્ધોમાં મોસ્કોનું નેતૃત્વ કર્યું હતું. તેમની હત્યા બાદ હવે આશંકા સેવાઈ રહી છે કે રશિયા યુક્રેનના કિવ અને અન્ય શહેરો પર પોતાના મિસાઈલ અને ડ્રોન હુમલાઓ તેજ કરશે. રશિયન સંરક્ષણ મંત્રાલયે આ હુમલાને કાયરતા ગણાવીને કડક કાર્યવાહીના સંકેત આપ્યા છે. હવે જોવાનું એ રહેશે કે આ હત્યાકાંડ રશિયા-યુક્રેન યુદ્ધને કયા નવા અને ભયાનક વળાંક પર લઈ જાય છે


 

(8:49 PM IST)