<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd December 2025

શેરબજારમાં 'કોલસાની ખાણ' માંથી નીકળશે કમાણીનો અવસર! કોલ ઈન્ડિયાની પેટાકંપની BCCL નો રૂ. ૧૩૦૦ કરોડનો IPO ટૂંક સમયમાં લોન્ચ થશે

આગામી બે અઠવાડિયામાં જ સબસ્ક્રિપ્શન માટે ખુલી શકે છે જાહેર ઈશ્યુ; ભારત કોકિંગ કોલ લિમિટેડમાં પેરન્ટ કંપની ૧૦% હિસ્સો વેચશે, SEBI એ આપી દીધી છે લીલી ઝંડી

મુંબઈ: વર્ષ ૨૦૨૫ના અંતિમ દિવસોમાં શેરબજારમાં આઈપીઓ (IPO) નો ધમધમાટ યથાવત છે. એલજી ઈલેક્ટ્રોનિક્સ અને આઈસીઆઈસીઆઈ પ્રૂડેન્શિયલ એએમસી જેવા દિગ્ગજો બાદ હવે સરકારી કંપની કોલ ઈન્ડિયાની ૧૦૦% માલિકીની પેટાકંપની ભારત કોકિંગ કોલ લિમિટેડ (BCCL) પોતાનો આઈપીઓ લાવવા માટે સજ્જ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કંપની આગામી બે અઠવાડિયાની અંદર જ પોતાનો પબ્લિક ઈશ્યુ બજારમાં ઉતારી શકે છે.
BCCL ના આ આઈપીઓનું કદ અંદાજે રૂ. ૧૩૦૦ કરોડ રહેવાની શક્યતા છે. આ ઈશ્યુ દ્વારા કોલ ઈન્ડિયા પોતાની પેટાકંપનીમાં ૧૦% હિસ્સો વેચવાની તૈયારીમાં છે. આ હિસ્સા વેચાણના આધારે ભારત કોકિંગ કોલ લિમિટેડનું કુલ વેલ્યુએશન અંદાજે ૧૩,૦૦૦ કરોડ રૂપિયા આંકવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, માર્કેટ રેગ્યુલેટર SEBI એ સપ્ટેમ્બર મહિનામાં જ કંપનીના ડ્રાફ્ટ પેપર્સ (DRHP) ને મંજૂરી આપી દીધી હતી.
સંપૂર્ણપણે 'ઓફર ફોર સેલ' રહેશે
આ આઈપીઓ સંપૂર્ણપણે ઓફર ફોર સેલ (OFS) મોડમાં હશે. એટલે કે કોલ ઈન્ડિયા પોતાના હિસ્સાના અંદાજે ૪૬૬ મિલિયન શેર બજારમાં વેચશે, જેમાંથી મળનારી રકમ સીધી પેરન્ટ કંપની પાસે જશે. આ ઈશ્યુ માટે ICICI સિક્યોરિટીઝ અને IDBI કેપિટલને બુક રનિંગ લીડ મેનેજર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. કંપનીના શેર નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) એમ બંને મુખ્ય એક્સચેન્જો પર લિસ્ટ થશે.
સરકારની કોલસા ક્ષેત્રમાં ડિસઈન્વેસ્ટમેન્ટ (નિવેશ પાછું ખેંચવાની) વ્યૂહરચનાના ભાગરૂપે આ પગલું લેવામાં આવ્યું છે. કોલ ઈન્ડિયા એ ભારતની સૌથી મોટી કોલસા ઉત્પાદક કંપની અને લિસ્ટેડ 'મહારત્ન' પીએસયુ છે. તેની પેટાકંપનીમાં સીધું રોકાણ કરવાની આ તક રોકાણકારો માટે લાંબા ગાળે ફાયદાકારક સાબિત થઈ શકે છે. વર્ષ ૨૦૨૫માં જે રીતે આઈપીઓ માર્કેટમાં તેજી જોવા મળી છે, તેને જોતા BCCL ના ઈશ્યુને પણ સારો પ્રતિસાદ મળવાની અપેક્ષા છે

(8:58 PM IST)