રાજદ્વારી જંગ: બાંગ્લાદેશનો વળતો પ્રહાર : દિલ્હીમાં વિઝા સેવાઓ ઠપ્પ કરી બન્ને દેશ વચ્ચેના સંબંધોમાં વધુ કડવાશ ઉભી થઇ
શેખ હસીનાના પતન બાદ ભારત અને બાંગ્લાદેશ વચ્ચેનો મનભેદ હવે માર્ગભેદમાં ફેરવાયો : સુરક્ષાના બહાને વિઝા ઓફિસ બંધ કરી ઢાકાએ દિલ્હી સામે આક્રમક તેવર બતાવ્યા : હજારો પ્રવાસીઓ અને વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા

નવી દિલ્હી : ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના દાયકાઓ જૂના મૈત્રીપૂર્ણ સંબંધોમાં હવે 'કોલ્ડ વોર' જેવી સ્થિતિ સર્જાઈ છે. દિલ્હી સ્થિત બાંગ્લાદેશ હાઈ કમિશન દ્વારા વિઝા અને કોન્સ્યુલર સેવાઓ અનિશ્ચિતકાળ માટે બંધ કરવાનો નિર્ણય માત્ર વહીવટી પગલું નથી, પરંતુ એક સ્પષ્ટ રાજકીય સંદેશ છે. બાંગ્લાદેશે આ માટે સુરક્ષામાં ખામીને જવાબદાર ઠેરવી છે, પરંતુ પડદા પાછળની વાસ્તવિકતા એ છે કે ચિત્તાગોંગમાં ભારતીય મિશન પર થયેલા હુમલા બાદ ભારતે જે કડક વલણ અપનાવ્યું હતું, તેનો આ 'ટીટ ફોર ટેટ' (જેવા સાથે તેવા) જવાબ માનવામાં આવી રહ્યો છે. દિલ્હીના હાઈ-પ્રોફાઈલ ચાણક્યપુરી વિસ્તારમાં થયેલા એક સામાન્ય વિરોધ પ્રદર્શનને 'મોટી સુરક્ષા ખામી' ગણાવીને બાંગ્લાદેશે જે રીતે સેવાઓ રોકી છે, તેનાથી બંને દેશો વચ્ચેના વિશ્વાસમાં મોટી તિરાડ પડી હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.
આ વિવાદનું મૂળ બાંગ્લાદેશની બદલાયેલી સત્તા અને ત્યાં લઘુમતીઓ પર થઈ રહેલા અત્યાચારોમાં છુપાયેલું છે. ભારત દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુઓની સુરક્ષા અંગે વ્યક્ત કરવામાં આવેલી ચિંતાને ઢાકાની વચગાળાની સરકાર પોતાના આંતરિક મામલામાં દખલગીરી ગણાવી રહી છે. બાંગ્લાદેશના વિદેશ સલાહકાર મોહમ્મદ તૌહીદ હુસૈનનું નિવેદન કે 'રાજદ્વારીઓના પરિવાર અસુરક્ષિત છે', તે આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતની છબી ખરડવાનો એક પ્રયાસ હોઈ શકે છે. બીજી તરફ, ભારતે વિડિયો પુરાવાઓ સાથે સ્પષ્ટ કર્યું છે કે દિલ્હીમાં પ્રદર્શનકારીઓ મિશનની નજીક પણ નહોતા, છતાં બાંગ્લાદેશે આ વાતને રાઈનો પર્વત બનાવીને રાજદ્વારી સંકટ ઊભું કર્યું છે. આ પરિસ્થિતિ હવે માત્ર સુરક્ષાનો વિષય નથી રહી, પરંતુ ઈગો અને પાવર પ્લેનો જંગ બની ગઈ છે.
આ રાજદ્વારી ખેંચતાણની સૌથી મોટી અસર સામાન્ય જનતા પર પડશે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે દર વર્ષે લાખો લોકો તબીબી સારવાર, શિક્ષણ અને વેપાર માટે અવરજવર કરે છે. વિઝા સેવાઓ સ્થગિત થવાથી તે હજારો પરિવારો અટવાઈ પડ્યા છે જેઓ સારવાર માટે ભારત આવવા માંગતા હતા અથવા જે ભારતીય વેપારીઓ બાંગ્લાદેશમાં રોકાણ ધરાવે છે. જો આગામી દિવસોમાં ઉચ્ચ સ્તરીય વાતચીત દ્વારા આ મડાગાંઠ ઉકેલવામાં નહીં આવે, તો દક્ષિણ એશિયાના આ બે પાડોશી દેશો વચ્ચેના સંબંધો 'પોઈન્ટ ઓફ નો રિટર્ન' પર પહોંચી શકે છે. અત્યારે તો દક્ષિણ એશિયાની ભૂરાજનીતિમાં ભારત-બાંગ્લાદેશના સંબંધો એક ગંભીર કસોટીમાંથી પસાર થઈ રહ્યા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
