<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd December 2025

રશિયાએ બાંગ્લાદેશને બતાવ્યો અરીસો: "ભારત સાથે દુશ્મની છોડો, શાંતિ જ એકમાત્ર રસ્તો", રશિયન રાજદૂતે ઢાકાને આપી કડક ચેતવણી

બાંગ્લાદેશમાં ૧૨ ફેબ્રુઆરીએ યોજાનારી ચૂંટણી પહેલા તણાવ ઘટાડવા રશિયાની સલાહ; ઉગ્રવાદ અને ભારત વિરોધી સૂત્રોચ્ચારને કારણે દ્વિપક્ષીય સંબંધો જોખમમાં, ચૂંટણી મુલતવી રાખવાનું પણ રચાઈ રહ્યું છે ષડયંત્ર

નવી દિલ્હી : બાંગ્લાદેશમાં ચાલી રહેલી રાજકીય અસ્થિરતા અને ભારત સાથેના સંબંધોમાં આવેલી ખટાશને લઈને હવે વિશ્વના શક્તિશાળી દેશ રશિયાએ પણ ઝંપલાવ્યું છે. બાંગ્લાદેશમાં રશિયન રાજદૂત એલેક્ઝાન્ડર ગ્રિગોરીવિચ ખોઝિને ઢાકાને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જો તે સ્થિરતા ઈચ્છતું હોય તો તેણે ભારત સાથેના તણાવને તાત્કાલિક ઓછો કરવો પડશે. રશિયાએ અરીસો બતાવતા કહ્યું છે કે પરસ્પર વિશ્વાસ વગર કોઈ પણ દેશ પ્રગતિ કરી શકતો નથી.
ચૂંટણી પહેલા વાતાવરણ સુધારવા અપીલ
આગામી વર્ષે ૧૨ ફેબ્રુઆરી, ૨૦૨૬ ના રોજ બાંગ્લાદેશમાં રાષ્ટ્રીય ચૂંટણીઓ યોજાવાની છે. આ ચૂંટણીઓ શાંતિપૂર્ણ માહોલમાં થાય તે માટે રશિયાએ ભારત સાથેના સંબંધો સુધારવા પર ભાર મૂક્યો છે. રાજદૂત ખોઝિને જણાવ્યું હતું કે, "અમે કોઈ દેશના આંતરિક મામલામાં દખલ નથી કરતા, પરંતુ અત્યારે જે સ્તરનો તણાવ છે તેને આગળ વધતો અટકાવવો જ સમજદારી છે. જેટલું વહેલું ભારત સાથે સમાધાન થશે, તેટલું બાંગ્લાદેશ માટે સારું રહેશે."
ભારત વિરોધી પ્રવૃત્તિઓ પાછળ ઉગ્રવાદી સંગઠનોનો હાથ
બાંગ્લાદેશમાં તાજેતરના સમયમાં ભારતીય દૂતાવાસ પર હુમલા અને લઘુમતીઓ વિરુદ્ધ હિંસાની ઘટનાઓ વધી છે. ભૂતપૂર્વ મંત્રી મોહિબુલ હસન ચૌધરીના જણાવ્યા મુજબ, વર્તમાન સરકાર કેટલાક ઉગ્રવાદી સંગઠનો જેવા કે હિઝબુત-તહરિર અને જમાત-એ-ઈસ્લામીને પ્રોત્સાહન આપી રહી છે. આ સંગઠનો મદરેસાના વિદ્યાર્થીઓને ડરાવી-ધમકાવીને ભારત વિરોધી દેખાવોમાં જોડાવા મજબૂર કરી રહ્યા છે. આરોપ છે કે ચૂંટણી મુલતવી રાખીને સત્તા જાળવી રાખવા માટે જાણીજોઈને અરાજકતા ફેલાવવામાં આવી રહી છે.
ચૂંટણી પર આંતરરાષ્ટ્રીય નજર
રશિયાએ આશા વ્યક્ત કરી છે કે બાંગ્લાદેશમાં મતદાન સમયસર થશે. રશિયન રાજદૂતે ચૂંટણી પંચ સાથે સંપર્ક હોવાની પુષ્ટિ કરી છે અને તેઓ ચૂંટણી નિરીક્ષકો મોકલવા માટે સત્તાવાર આમંત્રણની રાહ જોઈ રહ્યા છે. ભારત પણ બાંગ્લાદેશની આંતરિક પરિસ્થિતિ અને ત્યાં વસતા હિન્દુઓ તથા અન્ય લઘુમતીઓની સુરક્ષાને લઈને અત્યંત ગંભીર છે. રશિયાની આ સલાહ બાદ બાંગ્લાદેશની વચગાળાની સરકાર ભારત સાથેના સંબંધો પર શું વલણ અપનાવે છે તે જોવું રહ્યું.

(11:28 PM IST)