News of Monday, 22nd December 2025
ક્રિપ્ટોના નામે કરોડોનું 'ડિજિટલ કૌભાંડ ': EDએ દેશભરમાં 21 સ્થળોએ દરોડા પાડી હાઈ-ટેક ઠગાઈનો પર્દાફાશ કર્યો
ફોર્થ બ્લોક કન્સલ્ટન્ટ્સના નેટવર્ક પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની સર્જિકલ સ્ટ્રાઈક : સેલિબ્રિટીઓના નામે સોશિયલ મીડિયા પર માયાજાળ રચી માસૂમ રોકાણકારોના નાણાં હવાલા અને શેલ કંપનીઓ દ્વારા વિદેશ ભેગા કર્યા

બેંગલુરુ: ક્રિપ્ટોકરન્સીના નામે રાતોરાત અમીર બનવાના સપના જોતા રોકાણકારો સાથેની એક ભયાનક છેતરપિંડીનો એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ પર્દાફાશ કર્યો છે. બેંગલુરુ, મહારાષ્ટ્ર અને દિલ્હીના ૨૧ અલગ-અલગ લોકેશન પર એકસાથે ત્રાટકેલી EDની ટીમોએ 'મેસર્સ ફોર્થ બ્લોક કન્સલ્ટન્ટ્સ'ના કાળા કારોબારના કાચા ચિઠ્ઠા ખોલ્યા છે. આ આખું રેકેટ ૨૦૧૫થી સક્રિય હતું, જેમાં ડિજિટલ દુનિયાના અંધારા ખૂણાઓનો ઉપયોગ કરીને ભારતીય રોકાણકારોની મહેનતની કમાણી હજમ કરી લેવામાં આવતી હતી. આરોપીઓએ એવી નકલી વેબસાઇટ્સ અને એપ્લિકેશન્સ તૈયાર કરી હતી જે દેખાવમાં અદ્દલ આંતરરાષ્ટ્રીય ક્રિપ્ટો એક્સચેન્જ જેવી જ લાગતી હતી, જેના કારણે હજારો લોકો આ શતરંજની જાળમાં ફસાઈ ગયા હતા.
આ ઠગ ટોળકીની કાર્યપદ્ધતિ અત્યંત જટિલ અને આધુનિક હતી. તેઓએ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રખ્યાત ક્રિપ્ટો નિષ્ણાતો અને સેલિબ્રિટીઓના ફોટાનો ગેરકાયદે ઉપયોગ કરી રોકાણકારોનો ભરોસો જીત્યો હતો. શરૂઆતમાં પોન્ઝી સ્કીમ કે MLM (મલ્ટી લેવલ માર્કેટિંગ)ની જેમ રોકાણકારોને મોટું વળતર આપી વિશ્વાસ કેળવવામાં આવતો હતો, જેથી તેઓ વધુ લોકોને આ સ્કીમમાં જોડે. એકવાર મોટું ભંડોળ જમા થઈ જાય એટલે આ નાણાંને અસંખ્ય ડમી ક્રિપ્ટો વોલેટ્સ અને શેલ કંપનીઓના માધ્યમથી વિદેશી બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરી દેવામાં આવતા હતા. તપાસમાં બહાર આવ્યું છે કે આ નેટવર્ક દ્વારા હવાલા ઓપરેટરોની મદદથી નાણાંનું મોટા પાયે લોન્ડરિંગ કરવામાં આવ્યું છે.
EDના આ દરોડા દરમિયાન ડિજિટલ પુરાવાઓનો મોટો જથ્થો હાથ લાગ્યો છે, જેમાં ગુપ્ત ક્રિપ્ટો વોલેટ્સના એડ્રેસ અને વિદેશી પ્રોપર્ટીના દસ્તાવેજો સામેલ છે. તપાસ એજન્સીએ અનેક બેંક ખાતાઓ સીઝ કર્યા છે અને ગુનાહિત કમાણીથી વસાવેલી સ્થાવર-જંગમ મિલકતોની ઓળખ કરી છે. આ કૌભાંડના છેડા માત્ર ભારત પૂરતા મર્યાદિત નથી, પરંતુ દુબઈ અને અન્ય ટેક્સ હેવન ગણાતા દેશો સુધી લંબાયેલા હોવાની આશંકા છે. હાલમાં ED આ ડિજિટલ ફૂટપ્રિન્ટ્સના આધારે મુખ્ય સૂત્રધાર સુધી પહોંચવા માટે આંતરરાષ્ટ્રીય એજન્સીઓની પણ મદદ લઈ રહી છે, જે આગામી સમયમાં મોટા ધરપકડના સંકેત આપે છે.
(11:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
