<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd December 2025

KGMU લવ જેહાદ કાંડ: મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ એક્શન મોડમાં, પીડિત મહિલા ડોક્ટરને ફોન કરી કહ્યું- ‘ન્યાય મળશે જ, ગુનેગારોને પાતાળમાંથી પણ શોધી કાઢીશું’

રેસિડેન્ટ ડોક્ટર રમીઝ મલિક પર ધર્મ પરિવર્તન માટે દબાણ કરવાનો ગંભીર આરોપ; CMએ સુરક્ષા માટે મહિલા કોન્સ્ટેબલ તૈનાત કરી, ડેપ્યુટી CMએ કહ્યું- ‘કાર્યવાહી ઉદાહરણરૂપ બનશે’

લખનૌ  : ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં આવેલી પ્રખ્યાત કિંગ જ્યોર્જ મેડિકલ યુનિવર્સિટી (KGMU) માંથી રવિવારે એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેણે આખા રાજ્યમાં ખળભળાટ મચાવી દીધો છે. એક પ્રતિષ્ઠિત મહિલા ડોક્ટર પર ધર્મ પરિવર્તન માટે દબાણ કરવાના એટલે કે 'લવ જેહાદ'ના મામલાની ગંભીરતાને જોતા હવે ખુદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મેદાનમાં ઉતરવું પડ્યું છે.
CM યોગીનું પીડિતાને આશ્વાસન
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ ઘટનાની જાતે નોંધ લઈને પીડિત મહિલા ડોક્ટર સાથે ફોન પર વ્યક્તિગત વાતચીત કરી હતી. મુખ્યમંત્રીએ પીડિતાની હિંમત વધારતા સ્પષ્ટ શબ્દોમાં ખાતરી આપી હતી કે, "ન્યાય ચોક્કસ મળશે અને કોઈપણ ગુનેગારને બક્ષવામાં આવશે નહીં." CM સાથેની વાતચીત બાદ તંત્રમાં દોડધામ મચી ગઈ છે અને પીડિતાની સુરક્ષા માટે તાત્કાલિક એક મહિલા કોન્સ્ટેબલની નિમણૂક કરી દેવામાં આવી છે.
શું છે આખો મામલો?
KGMU ના રેસિડેન્ટ ડોક્ટર રમીઝ મલિક સામે ગંભીર આરોપો લાગ્યા છે. પીડિત મહિલા ડોક્ટરનો આરોપ છે કે આરોપી રમીઝ તેના પર સતત ઇસ્લામ ધર્મ સ્વીકારવા માટે દબાણ કરી રહ્યો હતો અને તેને માનસિક રીતે ટોર્ચર કરવામાં આવતી હતી. આ મામલે યુનિવર્સિટીની આંતરિક વિશાખા સમિતિએ તપાસ શરૂ કરી છે, જેનો રિપોર્ટ આજે વાઇસ ચાન્સેલરને સોંપવામાં આવશે. પ્રાથમિક તપાસમાં રમીઝ મલિક વિરુદ્ધ મજબૂત પુરાવા મળી આવ્યા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
‘કાર્યવાહી ભવિષ્ય માટે દાખલો બેસાડશે’
આ મામલે ઉત્તર પ્રદેશના ડેપ્યુટી CM બ્રિજેશ પાઠકે પણ આક્રમક વલણ અપનાવ્યું છે. તેમણે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, "KGMU ની આ ઘટનામાં લેવામાં આવનારા કડક પગલાં ભવિષ્ય માટે એક ઉદાહરણ સ્થાપિત કરશે. ગુનેગારોને એવી સજા મળશે કે કોઈ ફરી આવું કરવાની હિંમત નહીં કરે."
કેમ્પસમાં ચુસ્ત બંદોબસ્ત
KGMU વહીવટીતંત્રે ખાતરી આપી છે કે કેમ્પસમાં દરેક ડોક્ટર અને સ્ટાફની સુરક્ષા અને ગૌરવ જળવાઈ રહેશે. હાલમાં પોલીસ રમીઝ મલિક વિરુદ્ધ કડક કાયદાકીય અને વિભાગીય કાર્યવાહી કરવાની તૈયારીમાં છે. તપાસ રિપોર્ટ જાહેર થયા બાદ મોટા એક્શન લેવાય તેવી પૂરેપૂરી સંભાવના છે.

(7:24 PM IST)