News of Tuesday, 23rd December 2025
સીમાવર્તી રાજ્યમાં પાકિસ્તાની જાસૂસી નેટવર્કનો પર્દાફાશ: ધાબળા વેચવાના બહાને સંવેદનશીલ માહિતી સરહદ પાર મોકલતા બે કાશ્મીરી શખ્સો ઝડપાયા
અરુણાચલ પોલીસે કુપવાડાથી કરી ધરપકડ; અત્યાર સુધીમાં કુલ ૫ જાસૂસો પોલીસ સકંજામાં, સરહદી સુરક્ષાને લઈને એજન્સીઓ એલર્ટ

ઇટાનગર : ભારતના વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વના એવા અરુણાચલ પ્રદેશમાં પાકિસ્તાની જાસૂસી નેટવર્કનો પર્દાફાશ થયો છે. ઇટાનગર પોલીસે જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લામાંથી બે કાશ્મીરી પુરુષોની ધરપકડ કરી છે, જેઓ પાકિસ્તાની હેન્ડલર્સ માટે ભારતની સંવેદનશીલ અને સૈન્ય માહિતી એકત્રિત કરતા હોવાનો ગંભીર આરોપ છે. આ ધરપકડ સાથે જ રાજ્યમાં સક્રિય જાસૂસી મોડ્યુલના કુલ ૫ સભ્યો હવે પોલીસ કસ્ટડીમાં છે.
ધાબળા વેચનારાના વેશમાં છુપાયેલા હતા જાસૂસો
ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ એજાઝ અહેમદ ભટ અને બશીર અહેમદ ગનાઈ તરીકે થઈ છે. આઈજીપી (કાયદો અને વ્યવસ્થા) ચુખુ આપાએ જણાવ્યું હતું કે, આ જાસૂસો સામાન્ય રીતે ધાબળા વેચનારા તરીકે ઓળખ આપીને રાજ્યના અંતરિયાળ અને સંવેદનશીલ વિસ્તારોમાં ફરતા હતા. આ વ્યવસાયના બહાને તેઓ સેનાની હિલચાલ અને સંવેદનશીલ સ્થળોની વિગતો મેળવીને પાકિસ્તાન સ્થિત તેમના આકાઓને મોકલતા હતા.
કુપવાડા કનેક્શન અને પોલીસનું ઓપરેશન
ઇટાનગર એસપી જુમ્મર બસરની આગેવાની હેઠળની ટીમે ગુપ્ત માહિતીના આધારે ૧૮ ડિસેમ્બરે કુપવાડામાં ઓપરેશન પાર પાડીને આ બંનેને ઝડપી લીધા હતા. અગાઉ નવેમ્બર મહિનામાં પણ નઝીર અહેમદ મલિક અને સાબીર અહેમદ મીર નામના બે શખ્સો ઝડપાયા હતા, જેમની પૂછપરછમાં આ નેટવર્કનો વ્યાપ હોવાનું બહાર આવ્યું હતું. પોલીસ હાલ તેમના મોબાઈલ ફોન અને અન્ય ઉપકરણોના ફોરેન્સિક રિપોર્ટની રાહ જોઈ રહી છે, જેથી કયા પ્રકારની માહિતી લીક થઈ છે તે જાણી શકાય.
ભાડૂતોની તપાસ માટે પોલીસની કડક સૂચના
આ ઘટના બાદ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે. આઈજીપીએ ઇટાનગરના રહેવાસીઓને કડક ચેતવણી આપી છે કે, કોઈપણ વ્યક્તિને પોતાનું ઘર કે દુકાન ભાડે આપતા પહેલા તેમના દસ્તાવેજોની ચકાસણી કરવી અને પોલીસ વેરિફિકેશન કરાવવું અનિવાર્ય છે. જો કોઈ મકાનમાલિક બેદરકારી દાખવશે તો તેમની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
ચીન સાથેની સરહદ ધરાવતા અરુણાચલ પ્રદેશમાં પાકિસ્તાની જાસૂસોની સક્રિયતાએ રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીઓની ચિંતામાં વધારો કર્યો છે.
(7:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
