<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd December 2025

અરવલ્લી: પૃથ્વીના ઇતિહાસની જીવંત સાક્ષી! હિમાલય કરતા પણ પ્રાચીન પર્વતમાળાનો રસપ્રદ ઇતિહાસ અને તેના નામ પાછળનું રહસ્ય

૩.૨ અબજ વર્ષ જૂની આ પર્વતમાળા માત્ર ખડકો નથી, પણ વિજ્ઞાન અને સંસ્કૃતિનો ખજાનો છે; જાણો મહાભારત અને પુરાણોમાં તેને શું કહેવામાં આવતું?

નવી દિલ્હી  : ભારતના ભૌગોલિક વારસામાં અરવલ્લી પર્વતમાળા એક એવું નામ છે જે તેના ગર્ભમાં અબજો વર્ષોનો ઇતિહાસ સમીને બેઠી છે. મોટાભાગના લોકો હિમાલયને સૌથી મોટો પર્વત માને છે, પરંતુ વિજ્ઞાનની દ્રષ્ટિએ અરવલ્લી હિમાલય કરતાં અનેકગણી જૂની છે. આ પર્વતમાળા ક્યારે બની, તેનું નામ કેવી રીતે પડ્યું અને તેનું મહત્વ શું છે, તે વિશેની વિગતો ખૂબ જ રોમાંચક છે.
અબજો વર્ષ જૂનો ઇતિહાસ
ભૂસ્તરશાસ્ત્રીઓના મતે અરવલ્લી પર્વતમાળાનું નિર્માણ 'પ્રોટેરોઝોઇક યુગ'માં એટલે કે આજથી અંદાજે ૨.૫ થી ૩.૨ અબજ વર્ષ પહેલાં થયું હતું. તેને 'ફોલ્ડેડ માઉન્ટેન' (વલિત પર્વત) શ્રેણીમાં ગણવામાં આવે છે, જે ટેક્ટોનિક પ્લેટોની હિલચાલને કારણે અસ્તિત્વમાં આવી હતી. તે વિશ્વની સૌથી જૂની પર્વતમાળાઓમાંની એક છે.
નામ પાછળનું સંસ્કૃત રહસ્ય
'અરવલ્લી' નામ સંસ્કૃતના બે શબ્દો પરથી ઉતરી આવ્યું છે. 'આરા' એટલે પર્વતની ટોચ અને 'વલી' એટલે હારમાળા અથવા કતાર. આમ, અરવલ્લીનો શાબ્દિક અર્થ થાય છે 'ટોચની હારમાળા'. આ નામ પર્વતમાળાના લાંબા અને શૃંખલાબદ્ધ સ્વરૂપને આબેહૂબ રીતે દર્શાવે છે.
પુરાણો અને મહાભારતમાં ઉલ્લેખ
પ્રાચીન ભારતીય ગ્રંથોમાં પણ અરવલ્લીનો વિશેષ ઉલ્લેખ જોવા મળે છે. પુરાણો અને મહાભારતમાં તેને 'અર્બુદાચલ' અથવા 'આડાવાલા' પર્વત તરીકે ઓળખવામાં આવી છે. એવું માનવામાં આવે છે કે આ નામ 'અર્બુદા દેવી'ના સન્માનમાં રાખવામાં આવ્યું હશે. તેની પવિત્રતા અને ભૌગોલિક સ્થિતિને કારણે તે પ્રાચીન કાળથી જ ઋષિમુનિઓ અને શાસકો માટે આકર્ષણનું કેન્દ્ર રહી છે.
ભારતની કુદરતી દીવાલ
ગુજરાતના પાલનપુરથી લઈને દિલ્હી સુધી અંદાજે ૬૯૦ કિલોમીટર લાંબી આ પર્વતમાળા ભારતની 'કુદરતી દીવાલ' છે. તે થારના રણને આગળ વધતું અટકાવે છે અને લૂણી તથા બનાસ જેવી નદીઓનું ઉદગમ સ્થાન પણ છે. આ પર્વતો માત્ર સૌંદર્ય જ નહીં, પણ સંગમરમર, તાંબુ અને જસ્તા જેવા કિંમતી ખનીજોનો પણ ભંડાર છે.
અરવલ્લી પર્વતમાળા આજે પણ સંશોધકો માટે એક જીવંત પ્રયોગશાળા જેવી છે, જે પૃથ્વીના નિર્માણના રહસ્યો છતા કરે છે.

(7:39 PM IST)