News of Tuesday, 23rd December 2025
બોમ્બે હાઈકોર્ટે વિજય માલ્યાને રોકડું પરખાવ્યું: "પહેલા ભારત પાછા આવો, પછી જ તમારી અરજી પર સુનાવણી કરીશું!"
70 વર્ષીય લિકર બેરોન માલ્યાની 'ભાગેડુ' ટેગ હટાવવાની અરજી પર કોર્ટે ઉઠાવ્યા સવાલ; એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ પણ કાયદાનો દુરુપયોગ રોકવા હાઈકોર્ટમાં કરી ધારદાર રજૂઆત

મુંબઈ : ભારતીય બેંકોના કરોડો રૂપિયા લઈને વિદેશ ભાગી ગયેલા ઉદ્યોગપતિ વિજય માલ્યાને બોમ્બે હાઈકોર્ટે આજે સ્પષ્ટ સંકેત આપી દીધો છે કે કાયદાથી ભાગી રહેલા વ્યક્તિને ન્યાયતંત્રમાં શરતો રાખવાનો કોઈ અધિકાર નથી. હાઈકોર્ટે માલ્યાના વકીલને સીધો જ પ્રશ્ન પૂછ્યો હતો કે, "તમારા અસીલ ક્યારે ભારત પાછા ફરવાનો ઈરાદો ધરાવે છે?" કોર્ટે સ્પષ્ટ કર્યું કે જ્યાં સુધી માલ્યા ભારત આવીને કોર્ટના અધિકારક્ષેત્રમાં હાજર નહીં થાય, ત્યાં સુધી તેની અરજીઓ પર વિચાર કરવામાં આવશે નહીં.
કોર્ટની કડક ટિપ્પણી અને EDનો વિરોધ
મુખ્ય ન્યાયાધીશ શ્રી ચંદ્રશેખર અને ન્યાયાધીશ ગૌતમ અંકડની બેન્ચે માલ્યાની બે અરજીઓ પર સુનાવણી કરી હતી. એક અરજીમાં માલ્યાએ પોતાને 'ભાગેડુ આર્થિક અપરાધી' જાહેર કરવાના આદેશને પડકાર્યો છે, જ્યારે બીજી અરજીમાં આ કાયદાની બંધારણીય માન્યતા પર સવાલ ઉઠાવ્યા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) વતી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ આનો સખત વિરોધ કરતા કહ્યું કે, કોઈ વ્યક્તિ દેશ બહાર રહીને માત્ર વકીલો દ્વારા અરજીઓ કરી કાયદાનો દુરુપયોગ કરી શકે નહીં.
સંપત્તિ જપ્ત થઈ પણ ગુનાહિત જવાબદારી બાકી
માલ્યાના વકીલ અમિત દેસાઈએ એવી દલીલ કરી હતી કે માલ્યાની ૧૪,૦૦૦ કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે અને બેંકોએ પણ ૬,૦૦૦ કરોડ રૂપિયાની વસૂલાત કરી લીધી છે, તેથી આર્થિક જવાબદારીનો પ્રશ્ન હવે ગૌણ છે. જોકે, હાઈકોર્ટે આ દલીલ ફગાવતા સવાલ કર્યો કે, માત્ર સંપત્તિ જપ્તીથી ગુનાહિત જવાબદારી (Criminal Liability) કેવી રીતે ખતમ થઈ શકે? કોર્ટે માલ્યાને પૂછ્યું કે તે આ બેમાંથી કઈ અરજી પર આગળ વધવા માંગે છે અને કઈ પાછી ખેંચવા માંગે છે, તેની સ્પષ્ટતા કરે.
૨૦૧૬થી લંડનમાં આશરો
કિંગફિશર એરલાઇન્સના પૂર્વ પ્રમોટર વિજય માલ્યા માર્ચ ૨૦૧૬માં ભારત છોડીને યુકે ભાગી ગયા હતા. જાન્યુઆરી ૨૦૧૯માં તેમને ખાસ અદાલત દ્વારા ભાગેડુ આર્થિક ગુનેગાર જાહેર કરવામાં આવ્યા હતા. હાલમાં માલ્યા સામે પ્રત્યાર્પણની કાર્યવાહી અંતિમ તબક્કામાં છે. હવે બોમ્બે હાઈકોર્ટે આ મામલાની વધુ સુનાવણી ૧૨ ફેબ્રુઆરી પર મુલતવી રાખી છે, ત્યાં સુધીમાં માલ્યાએ પોતાનું વલણ સ્પષ્ટ કરવું પડશે.
ભારતની અદાલતો હવે આર્થિક ગુનેગારો સામે કોઈ પણ નમતું જોખવા તૈયાર નથી, તેવો સ્પષ્ટ સંદેશ આ સુનાવણી દ્વારા આપવામાં આવ્યો છે.
(11:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
