News of Wednesday, 24th December 2025
ટ્રમ્પે જેફ્રીના પ્રાઈવેટ જેટમાં ૮ વખત કરી મુસાફરી
એપસ્ટીન ફાઈલ્સમાં નવો ધડાકો

વોશિગ્ટન તા.૨૪: અમેરિકાના ન્યાય વિભાગ (DOJ) દ્વારા તાજેતરમાં યૌન અપરાધી જેફ્રી એપસ્ટીન કેસ સાથે જોડાયેલા આશરે ૩૦,૦૦૦ પાનાના દસ્તાવેજો અને અનેક વીડિયો ક્લિપ્સ જાહેર કરવામાં આવ્યા છે. કોંગ્રેસ દ્વારા પસાર કરવામાં આવેલા નવા ટ્રાન્સપરન્ટ કાયદા હેઠળ આ વિગતો સાર્વજાનિક કરવામાં આવી છે.
આ દસ્તાવેજોમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું નામ એપસ્ટીનના ખાનગી જેટમાં મુસાફરી કરવાના રેકોર્ડમાં સામે આવ્યું છે. જોકે, ન્યાય વિભાગે સ્પષ્ટ કર્યું છે કે ટ્રમ્પ વિરુદ્ધ કોઈ પણ પ્રકારના ગુનાહિત કૃત્યના પુરાવા મળ્યા નથી અને આ આરોપો પાયાવિહોણા છે.
જાહેર કરવામાં આવેલા રેકોર્ડ્સ મુજબ ડોનાલ્ડ ટ્રમ્પે ૧૯૯૩થી ૧૯૯૬ દરમિયાન એપસ્ટીનના પ્રાઈવેટ જેટમાં ૮ વખત મુસાફરી કરી હતી. જાન્યુઆરી ૨૦૨૦ના એક ઈ-મેલ ટાંકીને જણાવવામાં આવ્યું હતું કે આ મુસાફરી દરમિયાન કેટલીક ફલાઈટ્સમાં ટ્રમ્પની સાથે તેમની તત્કાલીન પત્ની માર્લા મેપલ્સ અને બાળકો પણ હતા.
આ ઉપરાંત, કેટલીક ફલાઈટ્સમાં એપસ્ટીનની કથિત પ્રેમિકા અને માનવ તસ્કરીની દોષિત ઘિસ્લેન મેક્સવેલ પણ સાથે હોવાનું બહાર આવ્યું છે. નોંધનીય છે કે એપસ્ટીનનું ૨૦૧૯માં જેલમાં રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થયું હતું, જેને સત્તાવાર રીતે આત્મહત્યા જાહેર કરવામાં આવી હતી.
આ દસ્તાવેજો જાહેર થતાની સાથે જ રાજકીય ગરમાવો વધી ગયો છે. અમેરિકી ન્યાય વિભાગે સોશિયલ મીડિયા પર સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે ટ્રમ્પ વિરુદ્ધના કેટલાક દાવાઓ ‘ખોટા અને સનસનીખેજ' છે, જે ૨૦૨૦ની ચૂંટણી પહેલા જ્ગ્ત્ને સોંપવામાં આવ્યા હતા.
વિભાગે ઉમેર્યું કે જો આ વાતોમાં સત્ય હોત તો તેનો ઉપયોગ ક્યારનોય ટ્રમ્પ વિરુદ્ધ થઈ ચૂક્યો હોત. બીજી તરફ, ડોનાલ્ડ ટ્રમ્પે આ ખુલાસાઓને તેમની સફળતા પરથી ધ્યાન ભટકાવવાનો એક પ્રયાસ ગણાવ્યો છે.
આ અગાઉ જાહેર થયેલી ફાઇલોમાં પૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટનની એપસ્ટીન સાથેની કેટલીક તસવીરો પણ સામે આવી હતી, જેના કારણે રિપબ્લિકન પાર્ટીમાં ભારે રોષ જોવા મળ્યો હતો. હાલમાં જે દસ્તાવેજો બહાર આવ્યા છે તેમાં ઘણી સંવેદનશીલ માહિતીને સુરક્ષાના કારણોસર ગુપ્ત રાખવામાં આવી છે, પરંતુ આ ખુલાસાઓએ અમેરિકાના રાજકારણમાં ફરી એકવાર ચર્ચા જગાડી છે.
(10:18 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
