News of Wednesday, 24th December 2025
મૂળ જુનાગઢના વતનીએ ખરીદી પાકિસ્તાનની સરકારી એરલાઈન્સ ‘‘PIA'': રૂ.૪૩૨૦ કરોડમાં થયો સોદો
આરિફ હબીબ સમૂહના વડા મૂળ જુનાગઢના છેઃ ભાગલા પછી પાકિસ્તાન સ્થાયી થયા : આરીફ હબીબ સફળ પાકિસ્તાની બિઝનેસમેન છેઃ ફાયનાન્સ-રિયલ એસ્ટેટ-ઉર્જા ક્ષેત્રે કરે છે બિઝનેસ

નવી દિલ્હી, તા.૨૪: પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ (PIA) વેચાઈ ગઈ છે. આ સોદો ૧૩૫ અબજ પાકિસ્તાની રૂપિયામાં થયો હતો, જે ભારતીય ચલણમાં આશરે ૪૩ અબજ રૂપિયા બરાબર છે. આરિફ હબીબ ઇન્વેસ્ટમેન્ટ ફર્મના નેતૃત્વ હેઠળના એક કન્સોર્ટિયમે સરકારી માલિકીની એરલાઇનને હસ્તગત કરી છે. ઇસ્લામાબાદમાં યોજાયેલી આ હરાજીને પાકિસ્તાનના ઇતિહાસમાં સૌથી મોટી હરાજી કહેવામાં આવી રહી છે. આરિફ હબીબ મૂળ ગુજરાતના જૂનાગઢ જિલ્લાના વતની છે. ભાગલા પછી તેમનો પરિવાર પાકિસ્તાન સ્થળાંતરિત થયો.
પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ એક સમયે વિશ્વની ટોચની એરલાઇન્સમાંની એક માનવામાં આવતી હતી. જો કે, નબળા સંચાલનને કારણે, તે છેલ્લા કેટલાક વર્ષોથી સંઘર્ષ કરી રહી છે અને લાંબા સમયથી નુકસાન સહન કરી રહી છે. હરાજીમાં ત્રણ કંપનીઓએ બોલી લગાવી આરિફ હબીબ, લકી સિમેન્ટ અને એરબ્લુ. લકી સિમેન્ટ સાથે ગાઢ સ્પર્ધા બાદ આરિફ હબીબે હરાજી જીતી હતી. સરકારે ૧૦૦ અબજ રૂપિયાનો સંદર્ભ ભાવ નક્કી કર્યો હતો. એરબ્લુએ સૌથી ઓછી ૨૬.૫ અબજ રૂપિયાની બોલી લગાવી હતી.
આ સોદા હેઠળ, PIAના ૭૫% શેર શરૂઆતમાં વેચવામાં આવશે. વિજેતા કંપનીએ આગામી ૯૦ દિવસમાં બાકીના ૨૫% હિસ્સો ખરીદવાનો રહેશે. આ વેચાણમાંથી મળેલી રકમમાંથી, ૯૨.૫% એરલાઇનને સુધારવામાં રોકાણ કરવામાં આવશે, જ્યારે બાકીનો ૭.૫% સરકારને જશે. આરીફ હબીબને આગામી પાંચ વર્ષમાં ભ્ત્ખ્માં વધારાના રૂ.૮૦ બિલિયનનું રોકાણ કરવાની પણ જરૂર પડશે. ગયા વર્ષે, સરકારે એરલાઇનના વેચાણને વધુ આકર્ષક બનાવવા માટે રૂ.૬૫૪ બિલિયનનું જંગી દેવું સ્વીકાર્યું હતું.
વડા પ્રધાન શાહબાઝ શરીફે વેચાણની પારદર્શિતાની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે તે પાકિસ્તાનના ઇતિહાસમાં સૌથી મોટો સોદો હશે. ગયા વર્ષે, એરલાઇનને વેચવાનો પ્રયાસ નિષ્ફળ ગયો હતો, પરંતુ આખરે તેને આરીફ હબીબ ઇન્વેસ્ટમેન્ટ ફર્મના નેતૃત્વ હેઠળના કન્સોર્ટિયમ દ્વારા હસ્તગત કરવામાં આવ્યો હતો. આરીફ હબીબના સ્થાપક, આરીફ હબીબ, નાણાકીય સેવાઓ, રિયલ એસ્ટેટ, સિમેન્ટ, ખાતર, ઊર્જા અને સ્ટીલના વ્યવસાયો ધરાવતા સફળ ઉદ્યોગપતિ છે. આ જૂથ તેના સખાવતી કાર્ય માટે પણ જાણીતું છે.
આરીફ હબીબનો પરિવાર મૂળ ગુજરાતના જૂનાગઢ જિલ્લાનો છે, જ્યાં તેઓ ચાનો વ્યવસાય ધરાવતા હતા. જોકે, દેશના ભાગલા પછી, તેમનો પરિવાર પાકિસ્તાનના કરાચીમાં રહેવા ગયો. આરીફ હબીબનો જન્મ કરાચીમાં થયો હતો અને તેમણે કરાચી સ્ટોક એક્સચેન્જમાં સ્ટોક બ્રોકર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમની રોકાણ વ્યૂહરચના અનોખી રહી છે, તેમણે સરકારી માલિકીની કંપનીઓમાં હિસ્સો ખરીદ્યો હતો. મીડિયા અહેવાલો અનુસાર, તેમની વ્યક્તિગત સંપત્તિ આશરે ઼૫૦૦ મિલિયન હોવાનો અંદાજ છે. પાકિસ્તાનના સૌથી ધનિક લોકોની યાદીમાં તેઓ ૧૮મા ક્રમે છે.(૪૦.૨૪)
(10:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
