<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th December 2025

૨૦ વર્ષના વેર પછી ઉધ્‍ધવ-રાજ ઠાકરેનું ગઠબંધન

ઠાકરે ભાઈઓની ગર્જનાઃ મુંબઈ તોડવાનું દિલ્‍હીનું સપનું અમે પૂરું થવા નહીં દઈએ

મુંબઈ, તા.૨૪: મહારાષ્‍ટ્રના રાજકારણમાં જેની વર્ષોથી પ્રતિક્ષા હતી તે ઘડી આખરે આવી ગઈ છે. શિવસેના  પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને મહારાષ્‍ટ્ર નવનિર્માણ સેનાના અધ્‍યક્ષ રાજ ઠાકરેએ ૨૦ વર્ષના લાંબા ગાળા બાદ હાથ મિલાવ્‍યા છે. મુંબઈના શિવાજી પાર્ક ખાતે પોતાના પુત્રો આદિત્‍ય અને અમિત ઠાકરે સાથે પહોંચેલા બંને ભાઈઓએ સ્‍પષ્ટ સંદેશ આપ્‍યો છે કે હવે ઠાકરે પરિવારમાં કોઈ ફૂટ નથી. આ ગઠબંધન માત્ર રાજકીય નથી પણ ભાવનાત્‍મક પણ છે, કારણ કે બંને પક્ષો હવે ગ્‍પ્‍ઘ્‍ અને રાજ્‍યની ૨૯ મ્‍યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓ સાથે મળીને લડશે. પત્રકાર પરિષદમાં ઉદ્ધવ ઠાકરેએ આક્રમક અંદાજમાં કહ્યું કે, દિલ્‍હીમાં બેઠેલા બે લોકો મહારાષ્‍ટ્રના ટુકડા કરવા માંગે છે, જે અમે કયારેય સહન નહીં કરીએ.

આ ઐતિહાસિક મિલન પાછળનું મુખ્‍ય કારણ મરાઠી અસ્‍મિતા છે. ઉદ્ધવ ઠાકરેએ સંયુક્‍ત નિવેદનમાં જણાવ્‍યું કે મહારાષ્‍ટ્ર ૧૦૭ શહીદોના લોહીથી સીંચાયેલું છે અને તેના હિતોનું રક્ષણ માત્ર ઠાકરે પરિવાર જ કરી શકે છે. રાજ ઠાકરેએ પણ ભાઈના સૂર પુરાવતા કહ્યું કે, સીટ શેરિંગ કે પદ અમારા માટે ગૌણ છે, મુંબઈનો મેયર મરાઠી જ હોવો જોઈએ તે અમારો સંકલ્‍પ છે. આ બંને ભાઈઓના એક થવાથી મુંબઈના રાજકારણમાં મોટો ફેરફાર આવશે, કારણ કે અત્‍યાર સુધી મરાઠી મતો આ બંને પક્ષો વચ્‍ચે વહેંચાઈ જતા હતા, જેનો ફાયદો ભાજપ અને એકનાથ શિંદે જૂથને મળતો હતો.

ગઠબંધનની આંતરિક વિગતો મુજબ, બેઠકોની વહેંચણી પર લાંબી ખેંચતાણ બાદ આખરે સમજૂતી થઈ છે. સંજય રાઉત અને MNS નેતાઓ વચ્‍ચેની શ્રેણીબદ્ધ બેઠકો બાદ નક્કી કરાયું છે કે જે બેઠકો પર જે પક્ષ મજબૂત છે ત્‍યાં તેને અગ્રતા આપવામાં આવશે. શિવસેના એ પોતાની જીતેલી ૮૪ બેઠકોમાંથી કેટલીક બેઠકો MNS ને ફાળવી છે. પ્રિયંકા ચતુર્વેદીએ આ ગઠબંધનનો બચાવ કરતા કહ્યું કે આ સત્તા માટેનો લોભ નથી પણ મુંબઈના લૂંટાયેલા પૈસા અને તેના ગૌરવને બચાવવા માટેની લડાઈ છે. ઠાકરે પરિવારના ત્રીજી પેઢીના નેતાઓ આદિત્‍ય અને અમિતનું એકસાથે આવવું તે યુવા મતદારો માટે આકર્ષણનું કેન્‍દ્ર બન્‍યું છે.બીજી તરફ, આ ગઠબંધનથી મહારાષ્‍ટ્રની સત્તાધારી મહાયુતિ છાવણીમાં ફફડાટ ફેલાયો છે. અત્‍યાર સુધી રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરેની વિચારધારા અલગ હોવાના દાવા કરવામાં આવતા હતા, પરંતુ દિલ્‍હી સામે મહારાષ્‍ટ્રના મુદ્દે બંને એક મંચ પર આવતા હવે ચૂંટણી જંગ વધુ રસપ્રદ બનશે.

(3:49 PM IST)