News of Wednesday, 24th December 2025
ના.મામલતદારનાં ઘરેથી ૬૭.૫૦ લાખની રોકડ મળી
ઇડીના દરોડા દરમ્યાન સુરેન્દ્રનગર ખાતેથી દસ્તાવેજો - ફાઇલો - મહત્વના પુરાવાઓ કબ્જે રાજય સરકાર પણ ચોંકી : સાંજ સુધીમાં નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીને સસ્પેન્ડ કરી દેવા તૈયારી

નવી દિલ્હી, તા.૨૪: સુરેન્દ્રનગર જિલ્લામાં વહીવટી તંત્રને હચમચાવી નાખનાર ભ્રષ્ટાચાર પ્રકરણમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના દરોડા બાદ હવે રાજ્ય સરકાર મહત્વના અને કડક પગલાં લઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ કેસમાં સંડોવાયેલા ઉચ્ચ અધિકારીઓ સામે આજે સાંજ સુધીમાં સસ્પેન્શન સહિતની કાર્યવાહી થવાની પૂરી શકયતા છે, જેને લઈને સચિવાલયમાં ખળભળાટ જોવા મળી રહ્યો છે.
આ મામલે માહિતી મુજબ, EDદ્વારા તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલ અને નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના નિવાસસ્થાન સહિત સંકળાયેલા સ્થળોએ એકસાથે દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડા દરમિયાન નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના ઘરેથી ૬૭.૫૦ લાખ રૂપિયાની રોકડ રકમ મળી આવી હતી. સાથે જ જમીન વ્યવહાર સંબંધિત ઢગલાબંધ દસ્તાવેજો, ફાઈલો અને મહત્વના પુરાવાઓ કબજે લેવામાં આવ્યા હતા.
આ મામલે EDની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે જમીનના પ્રકરણો ઝડપી મંજૂર કરાવવા, લાભદાયક હુકમો મેળવવા અને રેકોર્ડમાં હેરફેર કરવા બદલ મોટી રકમ વસૂલવામાં આવતી હતી. તપાસમાં ખુલ્યું છે કે સરકારી કચેરીમાંથી જમીન સંબંધિત ફાઈલોના ગેરકાયદેસર નિકાલ માટે ખાનગી રીતે લેવડદેવડ થતી હતી અને ઘરેથી જ જમીન પ્રકરણો ચલાવવામાં આવતા હતા.
EDની તપાસના આધારે લાંચરુશવત વિરોધી ખાતાએ ભ્રષ્ટાચાર અને અન્ય ગંભીર કલમો હેઠળ સત્તાવાર ફરિયાદ દાખલ કરી છે. આ ફરિયાદમાં તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલ, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, ક્લાર્ક મયુર ગોહિલ અને કલેક્ટરના પી.એ. જયરાજસિંહ ઝાલાના નામો સામેલ કરવામાં આવ્યા છે. ખાસ કરીને કલેક્ટરના પી.એ. જયરાજસિંહ ઝાલા સામે ગુનો નોંધાતા વહીવટી તંત્રમાં ભારે ચર્ચા શરૂ થઈ છે.દરમિયાન આ પ્રકરણમાં ચંદ્રસિંહ મોરીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય સંડોવાયેલા અધિકારીઓની ભૂમિકા અંગે વધુ પૂછપરછ ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, તપાસ એ દિશામાં પણ આગળ વધી રહી છે કે આ ભ્રષ્ટાચાર એક વ્યક્તિ પૂરતો હતો કે કોઈ સંગઠિત ગોઠવણનો ભાગ હતો.આજે આ કેસમાં આગળની કાર્યવાહી મહત્વપૂર્ણ બની રહી છે. એન્ટી કરપ્શન બ્યુરો (ACB) ભ્રષ્ટાચારના એંગલથી અલગ તપાસ હાથ ધરશે, જ્યારે ED મની લોન્ડરિંગના મુદ્દે નાણાકીય વ્યવહારો, બેંક ખાતાઓ અને સંપત્તિનાસ્ત્રોતોની ઊંડાણપૂર્વક તપાસ કરશે. સાથે જ દરોડા દરમિયાન જપ્ત કરાયેલા જમીન દસ્તાવેજોના આધારે અન્ય અધિકારીઓ અને દલાલોની સંડોવણી પણ બહાર આવવાની શકયતા છે. હાલ આ સમગ્ર મામલાએ ગુજરાતભરમાં ભારે ખળભળાટ મચાવ્યો છે અને સરકાર ભ્રષ્ટાચાર સામે ઝીરો ટોલરન્સ દર્શાવવા માટે કડક નિર્ણય લે તેવા સંકેત મળી રહ્યા છે.
(3:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
