<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th December 2025

તાઇવાનમાં 6.1ની તીવ્રતાનો જોરદાર આંચકો: જાપાન અને ચીન સુધી આંચકા અનુભવાયા

કોઈ જાનહાનિ કે મોટા નુકસાનના સમાચાર નથી: આ ભૂકંપનું કેન્દ્ર તાઇતુંગ કાઉન્ટી હોલથી માત્ર 10.1 કિલોમીટર ઉત્તરમાં જમીનથી માત્ર 11.9 કિલોમીટરની ઊંડાઈએ હતું

તાઈપેઈ: બુધવારની સાંજ તાઇવાન માટે ફફડાટ ભરી રહી હતી, જ્યારે સાંજે લગભગ 5:47 વાગ્યે દક્ષિણપૂર્વ તાઇવાનની ધરતી એકાએક જોરદાર રીતે ધ્રૂજી ઉઠી હતી. રિક્ટર સ્કેલ પર 6.1ની તીવ્રતા ધરાવતા આ ભૂકંપે સ્થાનિક રહેવાસીઓમાં ગભરાટ ફેલાવી દીધો હતો. સેન્ટ્રલ મેટિઓરોલોજિકલ એડમિનિસ્ટ્રેશન (CWA) ના જણાવ્યા અનુસાર, આ ભૂકંપનું કેન્દ્ર તાઇતુંગ કાઉન્ટી હોલથી માત્ર 10.1 કિલોમીટર ઉત્તરમાં જમીનથી માત્ર 11.9 કિલોમીટરની ઊંડાઈએ હતું. ઓછી ઊંડાઈને કારણે આંચકાની તીવ્રતા ખૂબ જ પ્રચંડ અનુભવાઈ હતી, જેને લીધે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.

ભૂકંપની અસર માત્ર તાઇવાન પૂરતી મર્યાદિત નહોતી, પરંતુ તેની ધ્રુજારી સમુદ્ર પાર કરીને ચીન, ફિલિપાઇન્સ અને જાપાનના કેટલાક હિસ્સાઓ સુધી પણ પહોંચી હતી. તાઇવાનની પોતાની તીવ્રતા માપવાની સિસ્ટમ (1 થી 7 નો સ્કેલ) મુજબ, તાઇતુંગ કાઉન્ટીમાં 5 ની ભયાનક તીવ્રતા નોંધાઈ હતી, જે મકાનોને હલાવી દેવા માટે પૂરતી છે. આ ઉપરાંત, હુઆલિયન અને પિંગટુંગ કાઉન્ટીમાં પણ 4 ની તીવ્રતાના આંચકા અનુભવાયા હતા. આંતરરાષ્ટ્રીય સ્તરે આટલી મોટી તીવ્રતા હોવા છતાં, રાહતની વાત એ છે કે હજુ સુધી કોઈ મોટી ઈમારત ધરાશાયી થવાના કે ગંભીર ઈજાના અહેવાલો પ્રાપ્ત થયા નથી.

તાઇવાન ભૌગોલિક રીતે બે ટેક્ટોનિક પ્લેટોના જંક્શન પર આવેલું હોવાથી અહીં વારંવાર ભૂકંપ આવતા રહે છે. જોકે, આજના આંચકા બાદ પ્રશાસન સતર્ક થઈ ગયું છે અને સંભવિત 'આફ્ટરશોક્સ' (ભૂકંપ પછીના હળવા આંચકા) ને ધ્યાનમાં રાખીને લોકોને સાવધ રહેવાની સલાહ આપવામાં આવી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ખાસ નજર રાખવામાં આવી રહી છે. સદનસીબે, તાઇવાનના અદ્યતન બાંધકામ અને ભૂકંપ સામે લડવાની સજ્જતાને કારણે આટલા મોટા કુદરતી પ્રકોપ સામે પણ મોટું નુકસાન ટળી ગયું છે.

(7:12 PM IST)