<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th December 2025

બાંગ્લાદેશમાં યુનુસ સરકારનો આકરો પ્રહાર: 'ઓપરેશન ડેવિલ હન્ટ-2' હેઠળ માત્ર 24 કલાકમાં 663ની ધરપકડ

ફેબ્રુઆરી 2026ની ચૂંટણી પહેલા હિંસા અને તોડફોડ રોકવા વચગાળાની સરકારે દેશભરમાં સપાટો બોલાવ્યો : હજારો વાહનોનું ચેકિંગ અને ગેરકાયદેસર હથિયારો જપ્ત કરી કાયદો-વ્યવસ્થા જાળવવા મરણિયા પ્રયાસ

ઢાકા: બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન બાદ સર્જાયેલી અસ્થિરતા વચ્ચે મોહમ્મદ યુનુસની વચગાળાની સરકારે હવે લોખંડી હાથે કામ લેવાનું શરૂ કર્યું છે. હિંસાની આંતરરાષ્ટ્રીય સ્તરે થયેલી ટીકાઓ બાદ સરકારે દેશભરમાં 'ઓપરેશન ડેવિલ હન્ટ ફેઝ-2' ફરી શરૂ કરી દીધું છે. છેલ્લા માત્ર 24 કલાકમાં પોલીસે વીજળીક વેગે દરોડા પાડીને 663 શંકાસ્પદ લોકોની ધરપકડ કરી છે અને અનેક ગેરકાયદેસર હથિયારો જપ્ત કર્યા છે. પોલીસ મુખ્યાલયના જણાવ્યા અનુસાર, આ અભિયાનનો મુખ્ય હેતુ ફેબ્રુઆરી 2026માં યોજાનારી સામાન્ય ચૂંટણીઓ પહેલા દેશમાં શાંતિ સ્થાપિત કરવાનો અને સશસ્ત્ર જૂથો દ્વારા કરવામાં આવતી તોડફોડની પ્રવૃત્તિઓને જડમૂળથી ઉખેડી નાખવાનો છે.

આ મેગા ઓપરેશન માત્ર ધરપકડ પૂરતું મર્યાદિત નથી, પરંતુ રસ્તાઓ પર પણ પોલીસે કડક નાકાબંધી કરી છે. પ્રાપ્ત વિગતો મુજબ, તપાસ દરમિયાન 26,000 થી વધુ મોટરસાયકલ અને એટલી જ સંખ્યામાં વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવ્યું છે, જેમાંથી 342 ગેરકાયદેસર મોટરસાયકલો જપ્ત કરવામાં આવી છે. આ ઓપરેશનના બીજા તબક્કામાં અત્યાર સુધીમાં કુલ 4,232 થી વધુ લોકો જેલના સળિયા પાછળ ધકેલાઈ ચૂક્યા છે. ગૃહ બાબતોના સલાહકાર જહાંગીર આલમ ચૌધરીએ સ્પષ્ટ કર્યું છે કે ઇન્કલાબ મંચના નેતાઓ પર થયેલા હુમલા અને વધતી જતી રાજકીય હિંસાને જોતા આ કડક કાર્યવાહી અનિવાર્ય બની હતી.

જોકે, આ કાર્યવાહીને લઈને બાંગ્લાદેશમાં રાજકીય ગરમાવો પણ જોવા મળી રહ્યો છે. માનવાધિકાર સંગઠનો અને પદભ્રષ્ટ અવામી લીગનો આરોપ છે કે ધરપકડ કરાયેલા મોટાભાગના લોકો વિપક્ષી નેતાઓ અને કાર્યકરો છે, જેમને રાજકીય બદલો લેવા માટે જેલમાં પૂરવામાં આવી રહ્યા છે. યુનુસ શાસન હેઠળ દેશમાં અરાજકતા અને અસલામતીનું વાતાવરણ હોવાના આક્ષેપો વચ્ચે આ 'ડેવિલ હન્ટ' ઓપરેશન વિશ્વભરની મીડિયાનું ધ્યાન ખેંચી રહ્યું છે. હવે જોવાનું એ રહેશે કે આટલી મોટી સંખ્યામાં ધરપકડો બાદ બાંગ્લાદેશમાં શાંતિ સ્થપાય છે કે પછી રાજકીય અસ્થિરતાનો નવો દોર શરૂ થાય છે.

(7:14 PM IST)