<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th December 2025

અવકાશમાં રશિયાનો માસ્ટરપ્લાન: હવે ચંદ્ર પર ધમધમશે પરમાણુ પાવર પ્લાન્ટ; ડાર્ક સાઇડ પર ઉર્જાનું નવું સ્ટેશન ઊભું કરવાની તૈયારી

રશિયા અને ચીન મળીને પૃથ્વીના એકમાત્ર ઉપગ્રહ પર સ્થાપશે કાયમી સંશોધન કેન્દ્ર; ૨૦૩૬ સુધીમાં મિશન પૂર્ણ કરવાનું લક્ષ્ય

મોસ્કો: બ્રહ્માંડના રહસ્યો ઉકેલવાની દોડમાં રશિયાએ હવે એક ડગલું આગળ વધીને અત્યંત સાહસિક યોજના જાહેર કરી છે. સોવિયેત યુગના ભવ્ય વારસાને ફરી જીવંત કરવાના પ્રયાસરૂપે, રશિયન સ્પેસ એજન્સી 'રોસકોસ્મોસ' (Roscosmos) આગામી એક દાયકામાં ચંદ્રની સપાટી પર પરમાણુ ઉર્જા પ્લાન્ટ સ્થાપવા જઈ રહી છે. આ પ્લાન્ટ માત્ર રશિયાના જ નહીં, પરંતુ રશિયા અને ચીનના સંયુક્ત ‘ઇન્ટરનેશનલ લુનર રિસર્ચ સ્ટેશન’ (ILRS) માટે પાવર હાઉસ તરીકે કામ કરશે.
શા માટે પરમાણુ ઉર્જા જ?
ચંદ્ર પર લાંબા ગાળાના મિશન માટે સોલર પેનલ્સ હંમેશા અસરકારક રહેતી નથી, કારણ કે ચંદ્ર પરની રાત પૃથ્વીના ૧૪ દિવસ જેટલી લાંબી હોય છે. આ દરમિયાન સૂર્યપ્રકાશના અભાવે સંશોધન અટકી ન પડે તે માટે રશિયા પરમાણુ ઉર્જા પર દાવ રમી રહ્યું છે. આ પ્લાન્ટથી ચંદ્ર પર ફરતા રોવર્સ, ટેલિસ્કોપિક વેધશાળાઓ અને ત્યાં રોકાનારા વૈજ્ઞાનિકોને સતત વીજળી મળી રહેશે.
નિષ્ફળતા બાદ નવા જોશ સાથે વાપસી
ઓગસ્ટ ૨૦૨૩માં રશિયાનું 'લુના-૨૫' મિશન ચંદ્ર પર ક્રેશ થતાં ભારે આંચકો લાગ્યો હતો. બીજી તરફ એલોન મસ્કની 'સ્પેસ-એક્સ' જેવી કંપનીઓ અવકાશ ક્ષેત્રે ક્રાંતિ લાવી રહી છે. આ સ્પર્ધામાં ટકી રહેવા માટે રશિયાએ હવે ‘લેવોચકિન એસોસિએશન’ અને રશિયન પરમાણુ નિગમ ‘રોસાટોમ’ સાથે હાથ મિલાવ્યા છે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય ચંદ્ર પર માત્ર મુલાકાત લેવાને બદલે ત્યાં કાયમી વસવાટ અને સંશોધન માટેનું માળખું તૈયાર કરવાનો છે.
ચંદ્રથી શુક્ર સુધીની નજર
રોસકોસ્મોસના વડા દિમિત્રી બકાનોવે સ્પષ્ટ કર્યું છે કે રશિયાની નજર માત્ર ચંદ્ર પર જ નથી, પરંતુ પૃથ્વીની ‘બહેન’ ગણાતા શુક્ર (Venus) ગ્રહ પર પણ છે. ૨૦૩૬ સુધીમાં આ પાવર પ્લાન્ટ કાર્યરત થવાથી અવકાશ સંશોધનના ઇતિહાસમાં એક નવો અધ્યાય લખાશે. પૃથ્વીથી ૩,૮૪,૪૦૦ કિમી દૂર અવકાશમાં જ્યારે પરમાણુ ભઠ્ઠી ધમધમશે, ત્યારે તે માનવજાત માટે અન્ય ગ્રહો પર રહેવાની શક્યતાઓ ખોલી નાખશે.

(7:25 PM IST)