News of Wednesday, 24th December 2025
રશિયામાં નોકરીની લાલચ પડી ભારે: રશિયા-યુક્રેન યુદ્ધના ખતરનાક ઝોનમાં ફસાયા જમ્મુના ત્રણ યુવાનો; ૨૦ લાખની ઓફર આપી એજન્ટોએ રમત રમી
સપ્ટેમ્બર મહિનાથી બે યુવાનોનો કોઈ પત્તો નથી; બંકર બનાવવાની નોકરીને બહાને યુક્રેન સરહદે મોત સામે લડવા મજબૂર કર્યાનો પરિવારોનો આક્ષેપ

શ્રીનગર: લાખોના પગાર અને વિદેશમાં સ્થાયી થવાના સપના જ્યારે દુઃસ્વપ્નમાં ફેરવાઈ જાય ત્યારે કેવી સ્થિતિ સર્જાય છે, તેનો જીવતો જાગતો પુરાવો જમ્મુના કાનાચક વિસ્તારના ત્રણ યુવાનોના કિસ્સામાં જોવા મળ્યો છે. સચિન ખજુરિયા, સુમિત શર્મા અને અતુલ શર્મા નામના ત્રણ મિત્રો રશિયામાં સિવિલ કન્સ્ટ્રક્શનની આકર્ષક નોકરીની લાલચમાં એવા ફસાયા છે કે હવે તેમનો જીવ જોખમમાં મુકાઈ ગયો છે.
મોટા પગારનું સપનું અને એજન્ટની છેતરપિંડી
પરિવારના જણાવ્યા અનુસાર, એજન્ટોએ આ યુવાનોને ૨૦ લાખ રૂપિયાની વન-ટાઈમ પેમેન્ટ અને દર મહિને ૨.૫ લાખ રૂપિયાના પગારની લાલચ આપી હતી. તેમને કહેવામાં આવ્યું હતું કે તેમણે રશિયામાં માત્ર બાંધકામ અને બંકર સંબંધિત નાગરિક કામો કરવાના છે. જોકે, ત્યાં પહોંચ્યા પછી તેમને અજાણતા એવા કરાર પર હસ્તાક્ષર કરાવી લેવામાં આવ્યા જે તેમને સીધા રશિયન સેનાના સહાયક તરીકે યુદ્ધના મેદાનમાં ધકેલી દે છે.
સપ્ટેમ્બરથી સંપર્ક તૂટ્યો, પરિવારોમાં આક્રંદ
સચિનના ભાઈ કૌશલ ખજુરિયાએ ધ્રુસકે ને ધ્રુસકે રડતા જણાવ્યું કે, "૧૩ સપ્ટેમ્બરે સચિનનો છેલ્લો વોટ્સએપ કોલ આવ્યો હતો. તેણે મદદ માટે આજીજી કરી હતી અને કહ્યું હતું કે તેમને યુક્રેન સરહદ પર અત્યંત સંવેદનશીલ સ્થળે મોકલવામાં આવી રહ્યા છે. ત્યારથી તેનો ફોન બંધ છે." સુમિતના પરિવારની પણ આવી જ હાલત છે, તેનો સંપર્ક ૧૮ સપ્ટેમ્બરથી તૂટી ગયો છે. ત્રીજો યુવાન અતુલ સંપર્કમાં છે, પરંતુ તેને પણ તેના મિત્રો વિશે કોઈ જ માહિતી નથી.
રાષ્ટ્રીય સ્તરે ચિંતાનો વિષય
ભારતના વિદેશ મંત્રાલયે (MEA) તાજેતરમાં જ સંસદમાં સ્વીકાર્યું છે કે ૨૦૨૨ થી અત્યાર સુધીમાં આશરે ૨૦૨ ભારતીયોને રશિયન સશસ્ત્ર દળોમાં ભરતી કરવામાં આવ્યા હોવાની આશંકા છે, જેમાંથી ૨૬ લોકોએ જીવ ગુમાવ્યા છે. સરકાર સતત રશિયન સત્તાવાળાઓ સાથે આ મુદ્દો ઉઠાવી રહી છે, પરંતુ જમ્મુના આ પરિવારો માટે તો દરેક સેકન્ડ ભારે પડી રહી છે.
હાલમાં આ પરિવારો વડાપ્રધાન મોદી અને વિદેશ મંત્રી એસ. જયશંકર પાસે આજીજી કરી રહ્યા છે કે ગમે તેમ કરીને તેમના બાળકોને યુદ્ધની જ્વાળાઓમાંથી બહાર કાઢી સુરક્ષિત ભારત પરત લાવવામાં આવે.
(7:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
