<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th December 2025

યુએન સુરક્ષા પરિષદમાં હાઈ-વોલ્ટેજ ડ્રામા: અમેરિકા અને વેનેઝુએલા આમને-સામને; સમુદ્રી ચાંચિયાગીરી અને આતંકવાદના ગંભીર આરોપોથી વિશ્વભરમાં ચિંતા

અમેરિકાએ વેનેઝુએલાના તેલ ટેન્કરો કબજે કરતા વિવાદ વકર્યો; રશિયા-ચીને અમેરિકાના પગલાંને વખોડ્યા, સંયુક્ત રાષ્ટ્રએ શાંતિની અપીલ કરી

ન્યૂયોર્ક: સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) ના કટોકટી સત્રમાં ગઈકાલે વિશ્વના બે દિગ્ગજ હરીફો, અમેરિકા અને વેનેઝુએલા વચ્ચે જોરદાર વાકયુદ્ધ જોવા મળ્યું હતું. લેટિન અમેરિકન દેશ વેનેઝુએલા પર અમેરિકાએ લાદેલા આકરા પ્રતિબંધો અને સમુદ્રમાં શરૂ કરેલી સૈન્ય કાર્યવાહીને કારણે બંને દેશો વચ્ચેનો તણાવ અત્યારે ચરમસીમાએ પહોંચ્યો છે. યુદ્ધ જેવી સ્થિતિને ટાળવા માટે વિશ્વના અનેક દેશોએ બંને પક્ષોને સંયમ રાખવા અને રાજદ્વારી વાતચીત શરૂ કરવા વિનંતી કરી છે.
તેલ ટેન્કરો પર કબજો અને 'ચાંચિયાગીરી'ના આરોપ
વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે વોશિંગ્ટને વેનેઝુએલાથી તેલ લઈ જઈ રહેલા બે વિશાળ જહાજોને સમુદ્રની વચ્ચે જ અટકાવી કબજે કરી લીધા. વેનેઝુએલાના યુએન રાજદૂત સેમ્યુઅલ મોનકાડાએ આ ઘટનાને 'આધુનિક ચાંચિયાગીરી' ગણાવી હતી. તેમણે રોષે ભરાઈને કહ્યું કે, "અમેરિકાએ તમામ લાલ રેખાઓ પાર કરી દીધી છે અને તે આંતરરાષ્ટ્રીય કાયદાનું સરેઆમ ઉલ્લંઘન કરી રહ્યું છે."
ડ્રગ કાર્ટેલ વિરુદ્ધ અમેરિકાનું 'ઓપરેશન'
બીજી તરફ, અમેરિકાના રાજદૂત માઈકલ વોલ્ટ્ઝે વળતો પ્રહાર કરતા જણાવ્યું કે અમેરિકા નિકોલસ માદુરોની સરકારને માન્યતા આપતું નથી. તેમણે આરોપ લગાવ્યો કે માદુરો સરકાર આંતરરાષ્ટ્રીય ડ્રગ કાર્ટેલ 'કાર્ટેલ ડે લોસ સોલ્સ' ને ચલાવી રહી છે. યુએનને માહિતી આપવામાં આવી કે 'ઓપરેશન સધર્ન સ્પીયર' હેઠળ અમેરિકાએ અત્યાર સુધીમાં ડ્રગ હેરફેર કરતી ૨૯ બોટ ડૂબાડી દીધી છે, જેમાં ૧૦૫ લોકોના મોત થયા છે.
રશિયા અને ચીન મેદાને, યુરોપની મિશ્ર પ્રતિક્રિયા
આ વિવાદમાં રશિયા અને ચીને ખુલ્લેઆમ વેનેઝુએલાનો પક્ષ લીધો છે. રશિયાએ અમેરિકાની કાર્યવાહીને ગેરકાયદેસર અને યુએન ચાર્ટરનું ઉલ્લંઘન ગણાવી છે. યુરોપિયન દેશોએ માદુરો સરકારના માનવાધિકાર રેકોર્ડની ટીકા કરી છે, પરંતુ સાથે જ ચેતવણી આપી છે કે સમુદ્રી માર્ગો પર થતી કોઈ પણ સૈન્ય કાર્યવાહી આંતરરાષ્ટ્રીય કાયદાના દાયરામાં હોવી જોઈએ.
યુએન સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસે આ ગંભીર પરિસ્થિતિમાં મધ્યસ્થીની તૈયારી બતાવી છે. હવે જોવાનું એ રહેશે કે શું આ બંને દેશો ટેબલ પર આવીને વાતચીત કરશે કે પછી લેટિન અમેરિકામાં સંઘર્ષની નવી જ્વાળાઓ ભભકશે.

(7:35 PM IST)