<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th December 2025

કોંગ્રેસમાં પ્રિયંકા યુગનો પ્રારંભ: નવા વર્ષમાં 'સ્ટ્રેટેજી માસ્ટર' તરીકે સંભાળશે પક્ષની કમાન

સોનિયા ગાંધીની સક્રિય રાજનીતિમાંથી વિદાય બાદ પ્રિયંકા ગાંધીને પ્રચાર અથવા ચૂંટણી વ્યવસ્થાપન સમિતિના વડા બનાવાશે : રાહુલ ગાંધીના મજબૂત સારથિ બનીને 2026માં પક્ષનું ભવિષ્ય નક્કી કરશે

નવી દિલ્હી:  ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં વર્ષ 2026 એક મોટા પરિવર્તનનું સાક્ષી બનવા જઈ રહ્યું છે. અત્યાર સુધી માત્ર 'સ્ટાર પ્રચારક' અને પોર્ટફોલિયો વિનાના મહાસચિવ તરીકે ઓળખાતા પ્રિયંકા ગાંધી હવે પક્ષમાં નીતિ-નિર્ધારકની મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. સોનિયા ગાંધીની રાજકીય નિવૃત્તિ અને રાહુલ ગાંધીની વિપક્ષી નેતા તરીકેની જવાબદારી વચ્ચે, પ્રિયંકાને પક્ષના સંગઠનમાં કોઈ ચોક્કસ રાજ્ય પૂરતા મર્યાદિત રાખવાને બદલે રાષ્ટ્રીય સ્તરની મોટી જવાબદારી સોંપવાની તૈયારીઓ ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમને ચૂંટણી વ્યવસ્થાપન સમિતિ અથવા પ્રચાર સમિતિના વડા બનાવીને પક્ષની રણનીતિ ઘડવાની સંપૂર્ણ સત્તા આપવામાં આવી શકે છે.

પક્ષની અંદર બદલાતા આ સત્તા સંતુલન પાછળ એક લાંબી રાજકીય ગણતરી છે. મલ્લિકાર્જુન ખડગે અધ્યક્ષ બન્યા બાદ અને રાહુલ ગાંધીએ લોકસભામાં નેતૃત્વ સંભાળ્યા પછી, પ્રિયંકા ગાંધીના કદને લઈને પક્ષમાં સતત ચર્ચાઓ થતી રહી છે. કર્ણાટકના ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમારે તાજેતરમાં જ સંકેત આપ્યો હતો કે પ્રિયંકાનું લક્ષ્ય પોતાના ભાઈ રાહુલ ગાંધીને વડાપ્રધાન તરીકે જોવાનું છે. આ નિવેદન સ્પષ્ટ કરે છે કે પ્રિયંકા ગાંધી હવે પડદા પાછળ રહીને પક્ષને મજબૂત કરવાનું કામ કરશે અને રાહુલના સૌથી મોટા 'સહાયક' તરીકે ઉભરી આવશે, જેનાથી ગાંધી પરિવારનું પક્ષ પરનું વર્ચસ્વ પણ જળવાઈ રહેશે.

બીજી તરફ, પ્રિયંકા ગાંધીના વધતા પ્રભાવને કારણે પક્ષમાં તેમને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે જોવાની માંગ પણ ઉઠવા લાગી છે. સાંસદ ઈમરાન મસૂદ જેવા નેતાઓએ જાહેરમાં પ્રિયંકાને દેશનું નેતૃત્વ સોંપવાની વકીલાત કરી છે, તો બીજી તરફ તેમના પતિ રોબર્ટ વાડ્રાએ પણ લોકોની વધતી જતી માંગને સ્વીકારી છે. જોકે, કોંગ્રેસ અત્યારે આંતરિક શિસ્ત જાળવી રાખીને પ્રિયંકાને સંગઠનમાં મજબૂત સ્થાન આપી રહી છે. નવા વર્ષમાં પ્રિયંકા ગાંધી માત્ર ભાષણો પૂરતા મર્યાદિત નહીં રહે, પરંતુ ટિકિટ વિતરણથી લઈને ગઠબંધન સુધીના મહત્વના નિર્ણયોમાં તેમની સહી નિર્ણાયક સાબિત થશે.

(7:35 PM IST)