News of Wednesday, 24th December 2025
મૂવી જોતી વખતે પોપકોર્ન જ કેમ? જાણો સિનેમા અને આ 'ક્રંચી' નાસ્તા વચ્ચેનું રસપ્રદ કનેક્શન; જે ખોરાક પર ક્યારેક પ્રતિબંધ હતો, તે આજે થિયેટરો માટે બન્યો 'કુબેરનો ખજાનો'
૧૯૨૦ના દાયકામાં પોપકોર્નને થિયેટરોમાં પ્રવેશવાની મનાઈ હતી; બીજા વિશ્વયુદ્ધ અને આર્થિક મંદી જેવી ઘટનાઓએ આ સામાન્ય નાસ્તાને સિનેમાનો 'સુપરસ્ટાર' બનાવી દીધો

નવી દિલ્હી : આજે તમે કોઈપણ મલ્ટિપ્લેક્સ કે સિનેમા હોલમાં જાઓ, ત્યાં પોપકોર્ન વિનાની ફિલ્મ અધૂરી લાગે છે. ફિલ્મો અને પોપકોર્નનું મિશ્રણ દુનિયાભરમાં એટલું લોકપ્રિય છે કે આપણે ક્યારેય વિચારતા નથી કે આ જોડાણ કેવી રીતે થયું. રસપ્રદ વાત એ છે કે, શરૂઆતમાં સિનેમાના માલિકો પોપકોર્નને ધિક્કારતા હતા અને થિયેટરની અંદર તેને લાવવા પર સખત પ્રતિબંધ હતો.
જ્યારે પોપકોર્ન પર હતો પ્રતિબંધ
૧૯૨૦ના દાયકામાં સિનેમા હોલ કોઈ રાજમહેલથી કમ નહોતા. ત્યાંના વૈભવી કાર્પેટ અને મોંઘી બેઠકોની જાળવણી માટે થિયેટર માલિકો ઈચ્છતા હતા કે અંદર કોઈ ખાવા-પીવાની વસ્તુ ન લાવે. તેમને ડર હતો કે પોપકોર્ન ખાતી વખતે તેના દાણા કાર્પેટમાં ફસાઈ જશે અને ગંદકી થશે. તે સમયે મેળા અને સર્કસમાં મળતો આ સસ્તો નાસ્તો 'હાઈ-ક્લાસ' સિનેમા સંસ્કૃતિ માટે અયોગ્ય મનાતો હતો.
સાઉન્ડ ફિલ્મો અને આર્થિક મંદીનો વળાંક
૧૯૨૭માં જ્યારે ફિલ્મોમાં અવાજ (ટોકીઝ) આવ્યો ત્યારે સામાન્ય પ્રજામાં સિનેમાનો ક્રેઝ વધ્યો. ૧૯૩૦ની આર્થિક મંદી દરમિયાન લોકો પાસે પૈસા ઓછા હતા. પોપકોર્ન સૌથી સસ્તો નાસ્તો હતો જે સામાન્ય માણસ ખરીદી શકતો હતો. જ્યારે થિયેટર માલિકોએ જોયું કે લોકો બહારથી લારીઓ પરથી પોપકોર્ન ખરીદીને અંદર લઈ જવા માટે ચોરીછૂપીથી પ્રયત્નો કરે છે, ત્યારે તેમને સમજાયું કે આમાં તો મોટો બિઝનેસ છુપાયેલો છે. ધીમે ધીમે થિયેટરની અંદર જ પોપકોર્ન કાઉન્ટર ખૂલવા લાગ્યા.
બીજા વિશ્વયુદ્ધે પોપકોર્નને આપ્યો વેગ
બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ખાંડની ભારે અછત સર્જાઈ હતી, જેના કારણે કેન્ડી અને ચોકલેટ જેવી મીઠાઈઓ મોંઘી અને દુર્લભ બની ગઈ. બીજી તરફ પોપકોર્ન માટે મકાઈ પુષ્કળ પ્રમાણમાં ઉપલબ્ધ હતી. ૧૯૪૫ સુધીમાં તો અમેરિકામાં ખવાતા કુલ પોપકોર્નમાંથી અડધોઅડધ ભાગ માત્ર સિનેમાઘરોમાં વેચાતો હતો.
થિયેટર માલિકો માટે 'સોનાની મરઘી'
વ્યવસાયિક રીતે જોઈએ તો પોપકોર્ન થિયેટરો માટે કમાણીનું સૌથી મોટું સાધન છે. પોપકોર્ન બનાવવાનો ખર્ચ ખૂબ ઓછો છે, પરંતુ થિયેટરોમાં તે ઊંચા ભાવે વેચાય છે. અહેવાલો મુજબ, થિયેટરોના કુલ નફાનો ૮૫ ટકા હિસ્સો પોપકોર્ન અને અન્ય પીણાંના વેચાણમાંથી આવે છે. પોપકોર્નની ખાસિયત એ છે કે તે અંધારામાં પણ હાથથી આરામથી ખાઈ શકાય છે, તેને ચમચીની જરૂર પડતી નથી અને તે ખાતી વખતે બહુ અવાજ પણ નથી કરતું, જેથી અન્યને તકલીફ પડતી નથી.
આમ, જે નાસ્તાને ક્યારેક સિનેમા હોલના દરવાજેથી હાંકી કાઢવામાં આવ્યો હતો, તે આજે સિનેમાની ઓળખ બની ગયો છે.
(7:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
